સીતાજીનો જન્મ રાવણના વધ માટે થયો હતો

રાવણ નિ:સંશયપણે મહા બળવાન હતો. તેણે દેવ દેવતાઓને વશ કર્યા હતા. ઇન્દ્રને વશ કર્યો હતો. પવન, અગ્નિ, વરુણ બધાને વશ કર્યા હતા. કોઈકે કહ્યું, “તમે બધા પાસેથી કરવેરા લો છો, પણ આ બ્રાહ્મણો અને ઋષિઓ પાસેથી કરવેરા કેમ લેતા નથી ?” રાવણે કહ્યું, “તેઓ મારા રાજ્યમાં રહે છે અને કરવેરા નથી આપતા ? એવું કેમ બને ? અત્યારે ને અત્યારે જ જાવ અને કહો, તમારે પણ કર આપવાનો જ છે.” રાવણના કેટલાક ડાહ્યા સલાહકારોએ કહ્યું, “આ સહેલું નથી હો ! આ ઋષિઓ તો માથાફરેલા માણસો છે.”

આમેય બ્રાહ્મણ થોડો માથા ફરેલો હોય છે અને આ તો તે સમયના બ્રાહ્મણો. તેઓ બધા ભેગા થયા અને કહ્યું, “અમે અકિંચન છીએ. કંદમૂળ પર ગુજારો કરીએ છીએ, આમેય અમારી મિલકત ગણો તો એક રોટી દો લંગોટી છે. રાવણને કહી દો પૈસા હોય તો આપીએ ને ?”

બીજા ઋષિઓએ વળી એમ કહ્યું કે, “એ ઉદ્ધત એમ નહીં સમજે. આપણે એને લોહી આપો. ભલે આપણું લોહી લઈ લે.” બધાએ પોતાની ટચલી આંગળી કાપી લોહીથી ઘડો ભર્યો. લોહી ભરેલો ઘડો લઈ માણસ મોકલ્યો રાવણના દરબારમાં. તેણે દરબારમાં પહોચીને કહ્યું, “લ્યો આ આ તમારો કર.” ઢાંકણું ખોલીને જોયું તો લોહીથી ભરેલો ઘડો ! રાવણ ચમકી ગયો. ડાહ્યા દરબારીઓ કહ્યું, “અરે! સત્યાનાશ વાળ્યું. લોહી!! અને એય બ્રાહ્મણોનું ! તમે તો ભારે ભૂંડું કર્યું !” રાવણને પણ થયું બહુ ખોટું થયું. મૂળ તો બ્રાહ્મણનો, પુલત્સ્ય ઋષિનો દીકરો ખરો ને ! (બ્રાહ્મણ ખરો પણ મનોવૃત્તિનો સવાલ છે) તેણે આજ્ઞા કરી, “જઈને કોઈક જગ્યાએ આ ઘડો દાટી આવો. પણ જો જો આપણા રાજની સરહદમાં ન દાટતા. વળી કંઈક ઊંધું-ચત્તું થઈ જશે.” નોકરો જઈને આ ઘડો જનક રાજાના રાજમાં કોઈક ખેતરમાં દાટી આવ્યા. પણ પ્રભુનો પાર કોણ પામી શક્યું છે ? ‘ગજ કાતરણી લઈને બેઠો દરજી દીનદયાળ, વધે ઘટે તેને કરે બરાબર સહુની લે સંભાળ. ધણી તો ધીરાનો રે હરિ મારો હીંડે હકે.’ ભગવાનને કોઈ છેતરી શકતું નથી.

રાવણને હતું કે બીજાના રાજમાં નાખી આવો એટલે આફત ટળે. મિથ્યાભિમાનીઓ હંમેશાં એમ માનતા હોય છે કે હું ભગવાન કરતાં પણ ડાહ્યો છું. એને ખબર ન હતી કે તેણે શ્રીરામ અને સીતાને મળવાની સરળતા કરી આપી છે. આ ઘડો જનક રાજાને મળ્યો અને ઘડામાંથી કન્યા મળી, નામ રાખ્યું સીતા.

સીતા એટલે ચાસ. ચાસમાંથી મળી એટલે સીતા. સીતાજીનો જન્મ રાવણના વધ માટે થયો હતો. રાવણે ઘડો પોતાના રાજમાં દાટવા ન દીધો તો તેના સૈનિકોએ કૌશલ પાસે વિદેહમાં ઘડો દાટ્યો.

સીતાજી જનકને ત્યાં જન્મ્યા ન હોત તો રામ સાથે તેમના લગ્ન થયાં હોત?

સીતા હરણ ન થયું હોત તો રાવણ વધ થોડો થાત? રાવણની રંજાડ વિંધ્યાચળ પર્વત સુધી ચલતી હતી. તેને અટકાવવા તો આ ભગવદ્શક્તિનો અવતાર થયો હતો.

રાવણની રંજાડ વિંધ્યાચળ પર્વત સુધી ચાલતી હતી. તેને અટકાવવા તો આ ભગવદ્શક્તિનો અવતાર થયો હતો.

You might also like