પ્રિન્સ સાથે લગ્ન કર્યાં છતાં સ્લોબોદાન સાથે પ્રિન્સેસ ડાયેના ડેટિંગ કરતી હતી

લંડનઃ સર્બિયાના ભૂતપૂર્વ ટોચના ટેનિસ ખેલાડી સ્લોબોદાન જિવાજિનોવિચે દાવો કર્યો છે કે પ્રિન્સ ચાર્લ્સ સાથે લગ્ન કર્યા બાદ પણ પ્રિન્સેસ ડાયેનાના તે સાથે સંબંધ હતા. બાવન વર્ષીય સ્લોબોદાનના જણાવ્યા અનુસાર, ”૧૯૮૦ના દાયકાના અંતમાં શાહી પરિવારની આ પુત્રવધૂએ મને વિમ્બલ્ડનમાં રમતો જોયો હતો અને ત્યાર બાદ અમે બંને નજીક આવી ગયાં હતાં. ડાયેના વીઆઇપી બોક્સના બદલે સાઇડ સ્ટેન્ડ્સમાં બેસતી હતી, જેના કારણે તે મને વધુ નજીકથી જોઈ શકે. આ વાત મારા માટે ઉત્સાહિત કરનારી હતી. પહેલી વાર શાહી પરિવારની કોઈ વ્યક્તિ મારો ઉત્સાહ વધારવા માટે આવી હતી.”

સર્બિયાના એક અખબાર ‘કુરિર’ સાથેની વાતચીતમાં સ્લોબોદાને કહ્યું કે, ”હું ડાયેનાને ૧૯૮૭માં વિમ્બલ્ડનમાં મારી મેચ પહેલાં મળ્યો હતો. અમારી પહેલી વાતચીતમાં તેણે મને પૂછ્યું હતું કે શું હું એ જ ખેલાડી છું, જેની સર્વિસ સૌથી ઝડપી છે? ત્યારે મેં કહ્યું હતું કે – હા, ત્યાર બાદ ડાયેનાએ મને પૂછ્યું હતું કે શું મારી સર્વિસ હજુ પણ સારી છે? ત્યાર બાદ અમે મળવા લાગ્યા હતા.”

સર્બિયન ખેલાડીએ વધુમાં કહ્યું, ”અમારા સંબંધ આગળ વધ્યા. જોકે એ સમયે તે પ્રિન્સ ચાર્લ્સ સાથે લગ્ન કરી ચૂકી હતી અને મારા પણ મારી મંગેતર સાથે સંબંધ હતા. ડાયેના શાનદાર મહિલા હતી. હું તેની સાથે કોઈ પણ મુદ્દે વાતચીત કરી શકતો હતો અને સાધારણ વાતો પણ બહુ મજેદાર બની જતી હતી. હું તેના વિશે વધારે વાત ના કરી શકું, કારણ કે તે હવે આપણી વચ્ચે નથી.”

સ્લોબોદાને ૧૯૯૨માં ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ૧૯૮૮ના સિઓલ ઓલિમ્પિકમાં યુગોસ્લાવિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે સમયે તે રેન્કિંગમાં પાંચમા ક્રમે હતો. તેણે બે સિંગલ ખિતાબ (૧૯૮૬માં હ્યુસ્ટન અને ૧૯૮૮માં સિડની) જીત્યા હતા. સ્લોબોદાન ૨૦૦૬થી ૨૦૧૧ સુધી સર્બિયાના ટેનિસ મહાસંઘનો અધ્યક્ષ રહ્યો હતો.

You might also like