ભાજપના ધોવાણ અંગે વડાપ્રધાન નારાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવીને ગયા. ત્રણેય દિવસ કચ્છમાં ડી.જી. કોન્ફરન્સમાં હાજરી આપી. તેમની આ મુલાકાત ગાંધીનગરમાં ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે વડાપ્રધાન આવતા હોય ત્યારે મુખ્યમંત્રીથી માંડીને કેબિનેટ પ્રધાનોની હાજરી વિશેષ જોવા મળે, પરંતુ આ વખતે તેમના સ્વાગતમાં મુખ્યમંત્રી સિવાય અન્ય કોઈ પ્રધાનને સ્થાન ન મળ્યું. મુખ્યમંત્રી પણ ઍરપોર્ટ પર શ્યામજી કૃષ્ણવર્માની વકીલાતની સનદ સ્વીકારવા પૂરતા જ હાજર રહ્યાં હતાં. આથી સચિવાલયમાં પ્રધાનોની ચેમ્બર અને સીએમઓમાં ખાસ ચર્ચાનો વિષય બન્યો.

નરેન્દ્ર મોદી ૧૮મી તારીખે કચ્છ આવ્યા ત્યારે નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, રમણલાલ વોરા સહિતના મોટા ભાગના સિનિયર પ્રધાનો ગાંધીનગરમાં પોતાની ચેમ્બરમાં જ હાજર હતા, જ્યારે વાહનવ્યવહાર પ્રધાન વિજય રૂપાણી રાજકોટ, મંગુભાઈ પટેલ નવસારી અને બાબુભાઈ બોખીરિયા પોરબંદર ખાતે પોતાના મતવિસ્તારોના પ્રવાસે હતા.

એક પ્રધાનના અંગત સચિવે સિનિયર પ્રધાનોની ગાંધીનગરમાં હાજરી અંગે કહ્યું કે, ‘પીએમઓમાંથી આદેશ છે કે, વડાપ્રધાનને મળવા કોઈએ જવાનું નથી.’ જ્યારે બીજા પ્રધાનના અંગત સચિવે ચોખ્ખું કહી દીધું કે, ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની હારથી વડાપ્રધાન નારાજ હોવાથી આમ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીને પ્રોટોકોલને કારણે હાજર રાખવા પડે એટલે જ રાખ્યા છે.’ વડાપ્રધાનની વિદાય વખતે પણ સિનિયર પ્રધાન પોતાના જૂના સાથીદારને ન મળી શક્યા તેનો અફસોસ તેઓના ચહેરા પર જોઈ શકાતો હતો.

આ જ રીતે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે. તનેજા પણ ડી.જી. કોન્ફરન્સનું આમંત્રણ ન હોવાનો અફસોસ વ્યક્ત કરતા નજરે પડતા હતા, જ્યારે વડાપ્રધાનના અંગત ગણાતા કે.કૈલાસનાથન પણ વડાપ્રધાનને મળવા જઈ શક્યા ન હતા. જોકે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામના દિવસે જ દિલ્હીમાં વડાપ્રધાનને મળ્યા હોવાથી તેમના ચહેરા પર અફસોસ ઓછો, પરંતુ ગુજરાતના પ્રધાનોથી વડાપ્રધાન દૂર કેમ રહ્યા તેનું કારણ જાણતા હોય તેવું રહસ્યમય હાસ્ય ચોક્કસ દેખાતું હતું.

કોંગ્રેસમાં યશ ખાટવાની હોડ લાગી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસની ટોચની નેતાગીરી વચ્ચે મીડિયામાં રહેવાનો જંગ શરૂ થયો છે. કદાચ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતાઓને મુખ્યમંત્રી પદ દેખાતું હોય તેવું બની શકે. થોડા જ દિવસોમાં ત્રણથી ચાર વાર કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હોય અને હાજર ન રહેનારા નેતાએ સ્થાનિક મીડિયાને પ્રેસ કોન્ફરન્સ પહેલાં જ સંબોધન કરી દીધું હોવાની ઘટનાઓ બનવા લાગી છે.

આવી જ એક ઘટના રાજ્ય સરકારે કપાસમાં બોનસની જાહેરાત કરી ત્યારે બની હતી. કોંગ્રેસ કાર્યાલય પર સાંજે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા પ્રેસનું આયોજન કરાયું હતું. જોકે તે પહેલાં જ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન ‘વસંત વગડો’ ખાતે ટી.વી. ચેનલોને બોલાવીને સરકારી બોનસની ટીકા કરી દીધી.

જેથી મીડિયામાં ભરતસિંહ પહેલાં બાપુ છવાઈ ગયા. કેટલાક કાર્યકરોના મતે કોંગ્રેસના નેતાઓ આમ જ કરશે તો ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દૂર રહેશે, પણ જે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કોંગ્રેસના ફાળે આવી છે તે પણ જાળવી રાખવી મુશ્કેલ બનશે.

મા-દીકરા વચ્ચે પદ આવ્યું
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત હોય અને તેઓ ગાંધીનગરમાં રહેતી પોતાની માતા હીરાબાને ન મળે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. સચિવાલયમાં ચાલેલી ચર્ચા મુજબ જે દીકરો વર્લ્ડના પ્રવાસે હોય ત્યારે માતાને યાદ કરી જાહેરમાં રડી પડે, તેટલો પ્રેમ કરતા હોય, પણ માદરે વતન આવે ત્યારે વ્હાલસોઈ માતાને ન મળે તો આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. સૂત્રો કહે છે, ‘પ્રોટોકોલ અને સમયની મારામારીને કારણે આમ બન્યું છે.’ એમ કહી શકાય કે, નરેન્દ્ર મોદી તો હીરાબાને મળવા આતુર હતા, પણ વડાપ્રધાનના પદે તેઓને ન મળવા દીધા.

ચૂંટણીનાં પરિણામોમાંથી ભાજપે બોધપાઠ લીધો નથી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપની કારમી હાર થઈ તેનું એક કારણ સરકારની યોજનાઓ મતદારો સુધી લઈ જવાની નિષ્ફળતા માનવામાં આવે છે. જેથી હાર પછી સરકાર અને સંગઠન એકઠા થઈ કામ કરશે એવું મનાતું હતું, પરંતુ કપાસમાં ટેકાના ભાવ પર બોનસની સરકારની જાહેરાતને સંગઠન દ્વારા ઉપાડવામાં આવી નહીં.

સરકારે ૧૧૦ રૂપિયા બોનસની જાહેરાત કરી તેને પ્રદેશ ભાજપ દ્વારા માત્ર મીડિયામાં જ આવકાર અપાયો. ભાજપની જ ભગિની સંસ્થા કિસાન સંઘ દ્વારા બોનસની રકમનો લાભ અગાઉ કપાસ વેચી ચૂકેલા ખેડૂતોને પણ આપવા માટે જાહેરમાં ટીકાઓ કરાઈ.

ભાજપની પ્રલાણી પ્રમાણે સરકાર દ્વારા કોઈ પ્રજાકીય યોજનાની જાહેરાત કરે ત્યારે તાલુકા-જિલ્લા કક્ષાએ સંગઠનો દ્વારા ફટાકડા ફોડીને આવકાર આપવામાં આવે છે. જોકે ખેડૂતોના હિત માટેની આ જાહેરાત માટે સંગઠને કોઈ જ રસ ન દાખવ્યો એટલે સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, સરકાર અને સંગઠન વચ્ચે હજુ પૂરેપૂરી ગોઠવણી થઈ નથી.

હિતલ પારેખ

You might also like