મોદી સાઉદી અરેબિયા પહોંચ્યાઃ કિંગ સલમાન સાથે દ્વીપક્ષીય વાતચીત કરશે

વોશિંગ્ટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ખાતે પરમાણુ સુરક્ષા શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ આજે સાઉદી અરેબિયા પહોંચી ગયા હતા. મોદી સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયને પણ મળશે. સાઉદી અરેબિયાના શાહ-સલમાનબિન અબ્દુલ અઝીઝ-અલ-સઉદના આમંત્રણ પર મોદી રિયાધ જવા રવાના થયા છે.

સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે વર્ષ ર૦૧૪-૧પમાં ૩૯ અબજ ડોલરનો દ્વીપક્ષીય વ્યાપાર થયો હતો. તે ભારતમાં સૌથી વધુ ક્રૂડ તેલ પૂરું પાડે છે. સાઉદી અરેબિયામાં ર૯.૬ લાખથી વધુ ભારતીયો રહે છે. વર્ષ ર૦૧૦માં તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહના પ્રવાસ બાદ સાઉદી અરેબિયા માટે વડા પ્રધાન મોદીનો આ સૌથી ઉચ્ચ સ્તરીય પ્રવાસ રહેશે.

મોદી શાહ સલમાન સાથે આતંકવાદ વિરોધી તંત્રને વિસ્તૃત બનાવવા તેમજ ઊર્જા, વ્યાપાર ક્ષેત્રમાં મૂડીરોકાણ વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. રિયાધ ખાતે શાહ સલમાન મોદીના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે, જેમાં પ્રધાનો અને અધિકારીઓ પણ જોડાશે.

વડા પ્રધાન મોદી સાઉદી અરેબિયાની કંપનીઓના સીઇઓને પણ મળશે તેઓ જાણીતા માસ્માક કિલ્લાની પણ મુલાકાત લેશે. આ અગાઉ મોદીએ પરમાણુ સુરક્ષા સંમેલન દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને વિશ્વના અન્ય નેતાઓ સાથે પરમાણુ સુરક્ષા અને આતંકવાદના મુદ્દે ચર્ચા કરી હતી. મોદીએ ઇન્ટરનેશનલ એટોમિક ઊર્જા એજન્સીની ભૂમિકા વધારવા જણાવ્યું હતું.

પરમાણુ ભંડારના જતન માટે ભારત ૧૦ લાખ ડોલર આપશે
પરમાણુ આતંકવાદના ખતરા સામે લડવા માટે યોજાયેલા બે દિવસના ‘ન્યૂ ક્લિયર સિક્યોરિટી’ શિખર સંમેલનમાં ભારત તરફથી આઇએઇઓને પરમાણુ ભંડારનાં જતન માટે ૧૦ લાખ ડોલર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતના વિદેશ ખાતાના સંયુક્ત સચિવ અમનદીપ ગિલે આ વાતની જાહેરાત કરી હતી. આ પ્રસંગે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું કે પરમાણુના ખતરાથી બચવા માટે દુનિયામાં મહત્વના પગલાં લેવાઇ રહ્યાં છે.

પરમાણુ આતંકવાદના ખતરા પર ચર્ચા કરવા માટે અમેરિકામાં ભેગા થયેલા પ૦ દેશના નેતાઓની વચ્ચે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર પરોક્ષરીતે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદીઓ અને પરમાણુ શસ્ત્રોની ચોરી કરવા માટે કામ કરનાર દેશ પર આ સમયે પરમાણુ ઉપયોગનો ખતરો મંડાયેલો છે. તેમણે વિશ્વના નેતાઓને ગુરુ મંત્ર આપતાં કહ્યું કે હવે આતંકવાદને બીજા કોઇની સમસ્યા સમજવાની ભૂલ નહીં કરી શકાય.

You might also like