વડા પ્રધાન મોદી આજે ત્રણ દેશના પ્રવાસે રવાના થશે

નવી દિલ્હી: બેલ્જિયમના પાટનગર બ્રસેલ્સમાં આતંકવાદી હુમલાના એક સપ્તાહ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશના સત્તાવાર પ્રવાસ માટે આજે બ્રસેલ્સ જવા રવાના થશે. ત્યારબાદ તેઓ વોશિંગ્ટનમાં પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભાગ લેશે. તેમજ સાઉદી અરબની પણ મુલાકાત લેશે.

મોદી બ્રસેલ્સમાં ભારત યુરોપીય સંઘની શિખર બેઠકમાં હાજરી આપશે. બેઠકમાં માેદી અને બેલ્જિયમના વડા પ્રધાન ચાર્લ્સ મિચેલ સાથે આતંકવાદનો સામનો કરવાના ઉપાય અંગે ચર્ચા થવાની સંભાવના છે. ભારત યુરોપીય સંઘ શિખરની બેઠકનો હેતુ બંને દેશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવાનાે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને દેશ મુકત વેપાર સમજૂતીને આખરી ઓપ આપવાના ઉપાયો અંગે પણ વિચાર વિમર્શ કરશે. છેલ્લે ૨૦૧૨માં શિખર બેઠક મળી હતી. ભારત અને યુરોપીય સંઘ વચ્ચેના સંબંધોમાં થોડો વિવાદ થતાં ૨૮ દેશોના સમૂહે ગત સાલ અેપ્રિલમાં મોદીના ફ્રાન્સ, જર્મની અને કેનેડાના પ્રવાસ વખતે બ્રસેલ્સના ટૂંકા પ્રવાસ સંબંધી નવી દિલ્હીના પ્રસ્તાવને મંજૂરી આપી ન હતી.

વિદેશ મંત્રાલયના સંયુકત સચિવ (યુરોપ) નંદિની ‌સિંઘલાઅે જણાવ્યું કે મોદીના પ્રવાસ દરમિયાન બ્રસેલ્સમાં આતંકવાદી હુમલો વાતચીતનો મુખ્ય મુદો બની રહેશે. આ બાબત જ વાતચીતનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.દરમિયાન મોદી બ્રસેલ્સમાં હીરાના વેપારીઓના પ્રતિનિધિ મંડળ સહિત ઉચ્ચ કારોબારીઓને મળશે. અને ત્યાં તેઓ એનઆઈઆરને સંબોધશે. તેમજ ભારતીય મૂળનાં લોકોનાં પ્રતિનિધિમંડળ અને સાંસદોની અલગ અલગ મુલાકાત લેશે.

મોદી ૩૧ માર્ચે ચોથા પરમાણુ સુરક્ષા શિખર સંમેલનમાં ભાગ લેવા વોશિંગ્ટન જવા રવાના થશે. આ સંમેલનમાં તેઓ પરમાણુ સુરક્ષા અંગે કેટલીક મહત્વની જાહેરાત કરશે. તેમજ ભારત આ સંમેલનમાં પરમાણુ સુરક્ષા અંગે રાષ્ટ્રીય પ્રગતિનો અહેવાલ સોંપશે. દરમિયાન અમેરિકામાં મોદીની પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સાથેની મુલાકાતના સવાલ અંગે વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે સીધો જવાબ આપ્યો ન હતો. અમેરિકા બાદ મોદી બીજી એપ્રિલે સાઉદી અરબની બે દિવસીય મુલાકાતે પાટનગર રિયાદ જશે. મોદી સાઉદી અરબના શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદનાં આમંત્રણથી રિયાદ જઈ રહ્યા છે.

You might also like