પીએમ મોદી ઇરાનના પ્રવાસે, ચાબહાર પોર્ટ, ગેસ એજન્ડા સૌથી ઉપર

નવી દિલ્હી : પશ્ચિમ દેશોના પ્રતિબંધથી મુક્ત ઇરાન સાથે સંબંધોને સુધારવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના પ્રવાસે જશે. ઇરાનના પ્રવાસનો મુખ્ય હેતુ બે દેશો વચ્ચેના પારસ્પરિક સંબંધોને વધુ મજબુત કરવાનો છે. બે દેશો વચ્ચે વેપાર અંગે પણ સમજૂતિ કરાર કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસમાં ઇરાનના રાષ્ટ્રપતિ ડો. રૂહાની તેમજ ત્યાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખમનેઇ સાથે મુલાકાત કરશે. તેમજ દ્વીપક્ષીય બેઠકમાં બંને દેશો વચ્ચે ક્ષેત્રીય સંપર્ક, ઇન્ફ્રાસ્ટકચરમાં વિશિષ્ટ સહયોગ, ઉર્જા ભાગીદારીમાં વિકાસ તેમજ પારસ્પરિક વેપારના વિસ્તાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ઘણી સમજૂતિ પર કરાર કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન ભારત-ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવન-જાવન માટે કોરિડોર બનાવવા માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પણ કરાશે. થોડા સમય અગાઉ પશ્ચિમી દેશોના પ્રતિબંધના કારણે દ્વી પક્ષીય સંબંધો પર બ્રેક લાગી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ ઇરાન પ્રવાસ હશે.

2014મા ભારત અને ઇરાન વચ્ચે સંયુક્ત રીતે એક આવેદન પત્રમાં સહી કરવામાં આવી હતી કે જ્યારે ઇરાન પરથી પ્રતિબંધ દૂર થઇ જશે ત્યારે બંને સાથે મળીને ચાબાહર પોર્ટનું નિર્માણ કરશે. બંને પક્ષ પોર્ટ પર ભારતને બે ડોક 10 વર્ષ સુધી લીઝ (ભાડા) પેઠે આપવા તૈયાર થયા હતા. આ સમજૂતી બાદ ભારતને કાચુ તેલ અને યુરિયાના ઇમ્પોર્ટ પરનો પરિવહન ખર્ચ 30 ટકા ઓછો થઇ જશે.

ચાબાહર પોર્ટ ઓમાનની ખાડીમાં છે, અને પાકિસ્તાનની સરહદની નજીક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇરાન પહોંચી પ્રથમ સ્થાનિક ગુરૂદ્વારા જશે જ્યાં તેઓ ભારતી મૂળના લોકોને સંબોધન કરશે. પીએમ મોદી સોમવારે સવારે પારંપરિક સ્વાગત પછી રૂહાની સાથે દ્વીપક્ષીય ચર્ચા કરશે.

You might also like