વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરાયેલા એન્જિનને લીલીઝંડી બતાવી હતી. ડીઝલથી ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવામાં આવેલ આ એન્જિનની ક્ષમતા ૧૦,૦૦૦ હોર્સ પાવર છે.

ત્યાર બાદ તેમણે રવિદાસ જયંતી પ્રસંગે સીર ગોવર્ધનપુર સ્થિત રવિદાસ મંદિરમાં માથું ટેકવ્યું હતું. અહીં ભંડારામાં તેઓ ભોજન પણ કરશે. બપોર બાદ તેઓ સંત સમાગમ સ્થળે પહોંચશે. ત્યાર બાદ બનારસ હિંદુ યુનિવર્સિટી જશે અને અહીં કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

વારાણસીનો મોદીનો આ ૧૭મો પ્રવાસ છે. આજે વારાણસીમાં મોદી રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટસનું લોકાર્પણ કરશે. મોદી કેટલાક પ્રોજેકટસનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેકટસમાં સેન્ટ્રલ ડિસ્કવરી સેન્ટર, સ્માર્ટ સિટી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર, માનમહલ મ્યુઝિયમ, ગોઇઠહા એસપીટીનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી મહિનામાં મોદીનો ઉત્તર પ્રદેશનો આ ત્રીજો પ્રવાસ છે. મોદી આજે વારાણસીમાં એક જાહેરસભાને પણ સંબોધિત કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પુલવામામાં શહીદ થયેલા જવાન રમેશ યાદવ અને અવધેશ યાદવના પરિવાર સાથે પણ મુલાકાત કરશે. અહીંથી તેઓ ઓઢે ગામ ખાતે જાહેરસભાને સંબોધશે. વારાણસીમાં મોદીના લગભગ સાડા પાંચ કલાકના કાર્યક્રમોનંુ આયોજન કરવામાં આવ્યું છે. ટાટા કેન્સર હોસ્પિટલ ઉપરાંત મદન મોહન માલવિયા કેન્સર હોસ્પિટલનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે.

You might also like