ટીવી માર્કેટમાં પ્રાઈસ વોર તેજઃ 40 ટકા ભાવ ઘટાડો

કોલકાતા: દેશના ટેલિવિઝન માર્કેટમાં અત્યારે જોરદાર લડાઇ જોવા મળી રહી છે. સ્માર્ટ ફોન માર્કેટ જેવી આ લડાઇ ચાલી રહી છે. અત્યારે ટેલિવિઝન માર્કેટમાં ૭૦થી વધુ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે, જેના પગલે પ્રાઇસ વોર તેજ થઇ ગઇ છે.

હજુ બે વર્ષ પહેલા દેશમાં અત્યારે છે તેના કરતા ટીવી કંપનીઓની સંખ્યા અડધી હતી. પ્રાઇસ વોરને લઇને ટીવીની કિંમતમાં સરેરાશ ૪૦ ટકાનો ઘટાડો આવ્યો છે.

બીજી એક વાત એ છે કે આગામી સમયમાં હજુ ટીવી માર્કેટમાં વધુ મેન્યુફેક્ચર્સ ઊતરવાની આશા છે. જો આવું થશે તો પ્રાઇસ વોર હજુ તીવ્ર બનશે. ટીવી માર્કેટમાં ચાલી રહેલ પ્રાઇસવોરનું ઉદાહરણ જોઇએ તો ૨૦૧૬માં ૩૨ ઇંચ એચડી રેડી ટીવીની કિંમત રૂ. ૧૩,૫૦૦ હતી, આજે આ કિંમતમાં ગ્રાહકને આ જ સાઇઝમાં સ્માર્ટ અને ફૂલ એચડી ટીવી સેટ મળે છે.

૨૦૧૬માં આ સ્પેસિફિકેશન સાથે ટીવી ખરીદવા માટે કસ્ટમર્સને ૨૮,૦૦૦થી ૨૯,૦૦૦ સુધીની કિંમત ચૂકવવી પડતી હતી. આજે ૪૩ ઇંચનું સ્માર્ટ ૪ કે ટીવી સેટ રૂ. ૩૦,૦૦૦માં વેચાઇ રહ્યો છે, જેની બે વર્ષ પહેલા કિંમત ૪૫,૦૦૦થી ૫૦,૦૦૦ હતી.

આ ઉપરાંત ૫૫ ઇંચનું ફોર કે સ્માર્ટ ટીવી આજે ગ્રાહકને રૂ. ૪૫,૦૦૦થી ૫૫,૦૦૦માં મળે છે, જેની માત્ર બે વર્ષ પહેલા કિંમત રૂ. ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ હતી. એમઆઇ, જિયોમી, થોમસન અને ટીસીએલ જેવી કંપનીઓ આ પ્રાઇસ વોરમાં માર્કેટ લીડર સેમસંગ, એલજી અને સોનીના માર્કેટમાં ગાબડાં પાડી રહી છે. પ્રાઇસ વોરના કારણે હજુ પણ ટીવી વધુ સસ્તાં બનશે.

You might also like