પઠાણકોટ એરબેઝમાં માત્ર રૂ.૫૦ આપીને ગેરકાનૂની પ્રવેશ મળી શકે

પઠાણકોટ: પઠાણકોટ એરબેઝ આતંકી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન (એનઆઈએ)ની ટીમને એરબેઝની સુરક્ષામાં ભારે ક્ષતિઓ જણાઈ હતી. એક ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ ગઈ ૨જી જાન્યુઆરીએ થયેલા હુમલામાં આતંકીઓને એરબેઝના અંદરના માણસો દ્રારા જાણે અજાણે મદદ પૂરી પાડવામાં આવી હતી.

અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે પઠાણકોટ એરબેઝમાં માત્ર ૫૦ રૂપિયાની નજીવી રકમ લઈને ગેરકાદેસર પ્રવેશ આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોને માત્ર રૂ.૫૦ ચૂકવવાથી તેમના ઢોરોને ચરાવવા માટે અંદર લાવવાની મંજૂરી અપાય છે. આતંકવાદીઓને અંદરથી કોણે મદદ પૂરી પાડી તે શોધી કાઢવા માટે એનઆઈએ હવે કોલ ડિટેલ્સની ચકાસણી કરી રહી છે.

અગાઉ મળેલા અહેવાલોએ સંકેત આપ્યો હતો કે આતંકવાદીઓને એરબેઝમાં ઘૂસણખોરી માટે અંદરની જ કોઈ વ્યક્તિએ મદદ કરી હોઈ શકે. અહેવાલમાં દાવો કરાયો હતો કે હુમલાખોરોએ જે શસ્ત્રો અને દારૂગોળો વાપર્યો તે હુમલો શરૂ થયો તે પહેલા અંદર પહોંચાડવામાં આવ્યો હતો.

પઠાણકોટ એરબેઝ પર હૂમલો કરનારા આતંકવાદીઓના જૂથ માટે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવી,વાહનો હાઈજેક કરવા, તમામ શસ્ત્રો અને દારૂગોળો લઈને એરબેઝ ફરતેની ૧૦ ફૂટ ઊંચી દીવાલ કૂદવાનું શક્ય નહોતું.

અન્ય એક હકીકતે પણ તપાસ એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે કે હુમલાની રાત્રે ત્રણ ફ્લડ લાઈટોને દીવાલને બદલે આકાશમાં ઉપરની તરફ કરી દેવાઈ હતી. આ ઘટના અંગે તપાસકારોએ લશ્કરના મિલિટરી એન્ડ એન્જિનિયરિંગ સર્વિસના એક કર્મચારીની અટકાયત કરી હતી.

આતંકવાદીઓ ૧૧ ફૂટ ઊંચી દીવાલ કૂદીને એરબેઝમાં પ્રવેશ્યા હોવાનું મનાય છે. જ્યારે આ ઉલ્લંઘન થયું ત્યારે તે વિસ્તારની ફ્લડ લાઈટો કામ કરતી નહોતી. ત્રણ શક્તિશાળી ફ્લડ લાઈટોને દીવાલને બદલે આકાશ તરફ કરી દેવાઈ હતી. તેથી તે વિસ્તારમાં અંધારુ છવાયેલું હતુ.દીવાલ પર લગાવવામાં આવેલા કાંટાળા તારની સાથેની ‘વાય’ આકારની લોખંડની એંગલો સાથે પણ અમુક જગ્યાએ ચેડા કરવામાં આવ્યા હતા કાંટાળા તાર કાપી નાખવામાં આવ્યા હતા.

You might also like