અમદાવાદમાં પાકિસ્તાનના પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનો પગપેસારો!

અમદાવાદ: પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલામાં આંતકવાદીઓએ પાકિસ્તાનના પ્રિ એક્ટિવેટેડ સિમકાર્ડથી તેમના આકાને ફોન કોલ્સ કર્યા હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ ઘટના પછી દેશમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પણ પાકિસ્તાનની મોબાઈલ કંપનીના પ્રિ એક્ટિવેટેડ સિમકાર્ડ ઘુસાડ્યાં હોવાની વિગતો સામે આવી છે. આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલ પાકિસ્તાનનાં આવાં સિમકાર્ડનો ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો રાજ્યની આતંકવાદી વિરોધી દળ (એટીએસ) સહિતની તમામ સુરક્ષા એજન્સીઓને મળતા સઘન તપાસ શરૂ કરાઈ છે.

પઠાણકોટમાં આંતકી હુમલો ચાલુ હતો તે સમયે ચોથી જાન્યુઆરીના રોજ ત્રણ યુવકોની પાકિસ્તાનના સિમકાર્ડ તથા પાકિસ્તાનથી દાણચોરી કરીને લવાયેલા હથિયારો સાથે પંજાબના મોહાલીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ગુર્જન્તસિંધ ઉર્ફે ભોલુ , જિતેન્દ્રસિંધ ઉર્ફે જિન્દી, અને સંદીપસિંધની પંજાબ પોલીસે તથા સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના સિમકાર્ડ અંગે પૂછપરછ કરી હતી. જેમાં ઘણી ચોંકવાનારી વિગતો સામે આવી છે. પકડાયેલા ત્રણેય આરોપીએ અમદાવાદ સહિત ગુજરાતમાં પાકિસ્તાનના પ્રિ એક્ટિવેટેડ સિમકાર્ડનો જથ્થો મોકલાયો હોવાનો ખુલાસો કર્યો હતો. દેશની ટોચની સુરક્ષા એજન્સીઓએ ગુજરાત એટીએસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધા છે.

સેન્ટ્રલ સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની સિમકાર્ડના મુદ્દે આપેલા ઈનપુટના પગલે એટીએસ તથા ગુપ્તચર એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને નજીકના ભવિષ્યમાં મોટો ખુલાસો થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એટીએસ દ્વારા સેન્ટ્રલ એજન્સીઓ પાસે સિમકાર્ડની તમામ વિગતો મેળવવામાં આવી રહી છે. ભારતની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પાસેથી ફોન કોલ્સની વિગતો પણ મંગાવાઈ છે. પાકિસ્તાનના સિમકાર્ડને ટ્રેસ કરવાં મુશ્કેલ હોય છે. અહીં ઉપયોગમાં લેવાતા પાકિસ્તાની સિમકાર્ડને પાકિસ્તાનમાં બેઠેલા ચોક્કસ લોકો રિચાર્જ કરાવી દે છે.

અમદાવાદમાં રહેતા કોઈ વ્યક્તિ કોઈને પણ ફોન કરે તો પાકિસ્તાનથી ફોન આવ્યો હોય તેમ જ લાગે. ફોન રિસિવ કરનારને ગંધ સુદ્ધાં આવતી નથી કે ફોન કરનાર વ્યક્તિ સ્થાનિક જ છે. બેન્કના નામે ફોન કરી ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતો મેળવનાર કે પછી લોટરીના નામે ફોન કરી ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકીઓ પણ પાકિસ્તાનનાં સિમકાર્ડનો ઉપયોગ કરતી હોવાની પણ આશંકા છે. આ અંગે એટીએસના એસપી હિમાંશુ શુક્લાએ જણાવ્યું છે કે પાકિસ્તાનના પ્રિ એક્ટિવેટેડ સિમકાર્ડ અમદાવાદ સહિત ગુજરાતમાં ઓપરેટ થઈ રહ્યાં છે. સેન્ટ્રલ સુરક્ષા એજન્સીઓ પાસે સિમકાર્ડની વિગતો મંગાવી છે. આ ઉપરાંત આપણી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પાસેથી પણ વિગતો મેળવાઈ રહી છે.

પઠાણકોટ હુમલામાં આંતકવાદીઓએ તેમના આકાને 092-3017775253 અને 092-3000597212 ઉપર કોલ કર્યા હોવાનું ટ્રેસ થયું છે ત્યારે અમદાવાદ પ્રિ એક્ટિવેટ સિમકાર્ડ પણ 092થી શરૂ થઇ રહ્યા હોવાનું જાણાવા મળ્યું છે ચોંકવાનારી વાત એ છે કે તાજેતરમાં ઇન્ડિયન આર્મીએ પણ સોશિયલ મીડિયા ઉપર 092 પાકિસ્તાનનો કોડ છે અને ફોન ઉઠાવતા તમામ ડેટા ચોરી થઇ જાય છે તેવા પાકિસ્તાનથી આવેલા કોલ રિસિવ નહીં કરવા માટેની અપીલ કરી હતી.

સેન્ટ્રલ આઈબીના વડાની સૂચક મુલાકાત
પઠાણકોટ હુમલાના પગલે સેન્ટ્રલ આઇબી ચીફ દિનેશ્વર શર્મા ગુજરાત દોડી આવ્યા હતા. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી, જેમાં રાજ્યના પોલીસ વડા. લો એન્ડ ઓર્ડરના એડીજીપી. અમદાવાદ પોલીસ કમિશનર, બોર્ડર રેન્જ આઇજી, સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતની બોર્ડરથી ઘૂસણખોરી થઇ શકે છે
પંજાબ, રાજસ્થાન, ગુજરાતની સહરદો પાકિસ્તાનને અડે છે, પંરતુ ગુજરાતની કચ્છ બોર્ડરમાં આવેલા હરામીનાળા, સિરક્રિક બોર્ડર એવી છે કે જ્યાંથી ધૂસણખોરી આરામથી થઇ શકે છે આ ઉપરાંત કચ્છ, જામનગર, અને ફાઇટર એરબેઝ છે માટે સેન્ટ્રલ આઇબીના વડા દિનેશ્વર શર્મા હુમલાના ત્રણ ચાર દિવસ પછી ગુજરાતની મુલાકાતે આવ્યા તે સૂચક મનાય છે. આ અંગે બોર્ડર રેન્જ આઇ જી એ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે સરહદી સુરક્ષા અંગે સેન્ટ્રલ આઇબીના વડા સાથેની બેઠકમાં ચર્ચા થઇ હતી. આઇબીના વડાએ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતે કેટલીક ટિપ્સ આપી હતી.

– મૌલિક પટેલ

You might also like