યુવતીને લગ્નની લાલચ આપી ભારત બોલાવી બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: ફેસબુકનાં માધ્યમથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી શાહીબાગનાં યુવકે અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ બાંગ્લાદેશનાં ઢાકા શહેરમાં સાલગરાપા હોસ્પિટલ રોડ પર રહેતી ૨૯ વર્ષીય યુવતી વર્ષ ૨૦૧૦માં શાહીબાગ વિસ્તારમાં ઓર્ચિડ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા પલક રાજેન્દ્રભાઈ શુકલા (ઉં.વ. ૨૩) સાથે સંપર્કમાં આવી હતી. ફેસબુક અને અન્ય સોશિયલ મિડીયાના મારફતે બંને ખૂબ જ એકબીજાની નજીક આવી ગયાં હતાં.

બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં પલક શુકલાને યુવતીને લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો. અને તેની સાથે શાહીબાગની હોટલમાં તેમજ દિલ્હીની હોટલમાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી અવારનવાર ઢાકાથી પલકને મળવા ભારત આવતી હતી. ત્રણ ચાર મહિના અગાઉ પલકે યુવતી સાથે સોશિયલ નેટવર્કિંગ પર સંપર્ક બંધ કરી દીધો જેથી યુવતી ઢાકાથી અમદાવાદ આવી હતી. જયાં યુવતીએ પલકના ઘરે જઈ લગ્નની વાત કરી હતી.

પરંતુ પલકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. છતાં પણ બંને વચ્ચે સમજાવટથી સમાધાન થયું હતું. એકાદ મહિનામાં લગ્ન કરી લેશે. પરંતુ પલકે યુવતી સાથે સંપર્ક મૂકી દઈ અને ફરાર થઈ જતાં યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૃ કરી છે.

You might also like