Header

જમ્મુ-કાશ્મીરમાં ગમે તે ઘડીએ રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત શક્ય

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં બે વર્ષ પૂર્વે ગઠબંધન સરકાર રચનાર ભાજપ અને પીડીપી હવે રાજ્યમાં વધતી જતી ટોળાં હિંસા, વધતા જતાં આતંકવાદ અને તાજેતરમાં યોજાયેલ શ્રીનગર લોકસભા બેઠક માટેની પેટા ચૂંટણીમાં ઓછા મતદાનને લઇને હવે બંને પક્ષ વચ્ચે જાહેરમાં અને ખાનગીમાં એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. તેના પરથી એવું લાગે છે કે હિંસાની આગમાં સળગી રહેલું કાશ્મીર હવે ધીમે ધીમે રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધી રહ્યું છે.
ભાજપ અને પીડીપી ગઠબંધન વચ્ચે વધતી જતી તિરાડ પરથી રાજકીય વર્તુળો એવું અનુમાન કરી રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં હવે ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવશે અને મોટા ભાગે આ મહિનાના અંતે નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ હાઇકમાન્ડ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અંગે તાત્કાલિક નિર્ણય લઇ લેશે. અમિત શાહ ર૯ અને ૩૦ એપ્રિલના રોજ રાજ્યનો પ્રવાસ કરનાર છે અને આ પ્રવાસ બાદ મહેબૂબા સરકારનાં નસીબ અંગે ફેંસલો થઇ જશે. તાજેતરમાં ભુવનેશ્વર ખાતે યોજાયેલી ભાજપ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપ છાવણીના કેટલાક લોકોનું માનવું છે કે મહેબૂબા સરકાર અલગતાવાદીઓની હિંસા સામે કડક હાથે કામ લેવામાં નિષ્ફળ ગઇ છે. આ દરમિયાન મહેબુબા મુફતી પણ આજે દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓને મળનાર છે. રાજ્યમાં શાસક ગઠબંધનમાં વિખવાદ ચરમસીમાએ છે. જેમ કે પીડીપી ધારાસભ્યો અને પ્રધાનોએ વિધાન પરિષદના નવા સભ્યોના શપથ ગ્રહણનો બહિષ્કાર કર્યો હતો. શુક્રવારે બંને પક્ષો વચ્ચે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like