ટ્રમ્પ કોઈ પણ યુઝરને ટ્વિટર પર બ્લોક કરી નહીં શકેઃ ફેડરલ કોર્ટ

વોશિંગ્ટન, ગુરુવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ટ્વિટર પર કોઈ યુઝરને બ્લોક કરી શકશે નહીં. ન્યૂયોર્કની એક અદાલતે આ ચુકાદો સંભળાવ્યો છે. ન્યૂયોર્ક સર્ધન ડિસ્ટ્રિક્ટ જજે સાત ટ્વિટર ફોલોઅર્સના એક ગ્રૂપની અરજી પર ચુકાદો સંભળાવતાં જણાવ્યું છે કે આ તમામ અરજદારોને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી બ્લોક કર્યા હતા અને ત્યાર બાદ આ ટ્વિટર ફોલોઅર્સના ગ્રૂપે અદાલતમાં એક અરજી દાખલ કરી હતી.

ફેડરલ કોર્ટે પોતાના આદેશમાં જણા્યું છે કે ટ્વિટર પર કોઈ યુઝરને બ્લોક કરવા એ નાગરિકના અભિવ્યક્તિના અધિકારોનું ઉલ્લંઘન સમાન છે. ફેડરલ કોર્ટે જણાવ્યું છે કે બંધારણમાં સુધારો કર્યા વગર આવી કાર્યવાહી કરવી કાનૂની રીતે યોગ્ય નથી. ફેડરલ કોર્ટે ૭૫ પાનાના આ ચુકાદામાં એવું પણ જણાવ્યું છે કે કોઈ પણ ટ્વિટર યુઝરને તેના રાજકીય વિચારોની અભિવ્યક્તિ માત્ર એ આધારે રોકવી કે તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અંગે છે તે યોગ્ય નથી.

અરજદારોમાંના એક જમિલ જાફરે અદાલતના ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે અમે કોઈ નવા કોમ્યુનિકેશન પ્લેટફોર્મ પર સરકારની સેન્સરશિપ વિરુદ્ધ કોર્ટના ચુકાદાથી સંતુષ્ટ છીએ. વાસ્તવમાં રાષ્ટ્રપ્રમુખ બન્યા તે પહેલા જ ટ્રમ્પ @RealDonaldTrump ટ્વિટર એકાઉન્ટનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ આ એકાઉન્ટ દ્વારા પોતાની નીતિઓ અને એજન્ડા લોકોની સમક્ષ રાખે છે. આ એકાઉન્ટ મારફતે ટ્રમ્પ ટીકા પણ કરે છે અને ટીકાકારોને જવાબ પણ આપે છે.

ટ્રમ્પની વિરુદ્ધ ફરિયાદ કરનારા યુઝરે કોર્ટમાં એ વાતની રજૂઆત કરી હતી કે અમારી ટીકા પર જવાબ આપવાને બદલે ટ્રમ્પે અમને બ્લોક કરી દીધા છે. ફેડરલ કોર્ટે પોતાના ચુકાદામાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને સૂચન આપતાં જણાવ્યું છે કે જો ટ્વિટર પર કોઈના જવાબથી તમારી લાગણી દુભાય તો તે યુઝરને બ્લોક કરવાને બદલે તેની ઉપેક્ષા કરો. જો કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈની ટીકા પર આપ તેને બ્લોક કરો છો તેને નાગરિકોના અધિકારોના ઉલ્લંઘન તરીકે ગણાવામાં આવશે.

You might also like