અરુણાચલ પ્રદેશમાંથી અંતે રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું

નવી દિલ્હી: અસંતુષ્ટ કોંગી નેતા કલિખો પુલે અરુણાચલ પ્રદેશના નવમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઈટાગનરમાં રાજ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ કે પી રાજખોવાએ તેમને શપથ લેવડાવ્યા હતા. આ અગાઉ અરુણાચલ પ્રદેશમાંથી આજે રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાતા પુલને મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો બન્યો હતો.

ગૃહ મંત્રાલયની એક યાદીમાં જણાવાયું હતું કે અરુણાચલ પ્રદેશમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાની કેન્દ્રીય કેબિનેટે કરેલી ભલામણને આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મંજૂરીઆપી હતી.  કોંગ્રેસના નેતા અને પદભ્રષ્ટ મુખ્યમંત્રી નબામ તુકી વિધાનસભા ગૃહમાં પોતાની બહુમતિ પૂરવાર કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી વચગાળાનો આદેશ મેળવવામાં નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે ગયા બુધવારે અરુણાચલ પ્રદેશમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવા માટે ભલામણ કરી હતી. તે અગાઉ કોંગ્રેસના અસંતુષ્ટ નેતા કલિખો પુલના નેતૃત્વ હેઠળ ૩૧ ધારાસભ્યોએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં નવી સરકાર રચવા માટેનો દાવો રજૂ કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના ૧૯ બળવાખોર ધારાસભ્યો અને ભાજપના ૧૧ ધારાસભ્યો તથા બે અપક્ષ ધારાસભ્યો પણ હતા. રાજ્યમાં ૨૬મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું હતું.

You might also like