સરકારનું લક્ષ્ય ‘સબ કા સાથ સબ કા વિકાસ’: રાષ્ટ્રપતિ

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના આરંભે આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુુખરજીએ સંસદના બંને ગૃહોના સંયુકત સત્રને સંબોધતાં જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય ‘સબ કા સાથ સબ કા વિકાસ’ છે. તેમણે પોતાના અભિભાષણમાં જણાવ્યું હતું કે સરકારની નીતિઓનાં મૂળમાં ગરીબો, પીડિતો, દલિતો અને વંચિતોનુું કલ્યાણ અને ભલાઇ રહેલ છે. પ્રણવ મુખરજીએ સરકારની સિદ્ધિઓને પોતાનાં અભિભાષણમાં વણી લેતાં જણાવ્યું હતું કે સરકારની પહેલને કારણે ર૬ કરોડ જન ધન એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે ર.ર કરોડ લોકોએ એલપીજી સબસીડીનો ત્યાગ કર્યો છે. સ્વચ્છ ભારત મિશન અંગે વાત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન એક જન આંદોલન મિશન બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે મારી સરકાર જનશકિતને નમન કરે છે.

બજેટ સત્ર અંગે વાત કરતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે આ બજેટ સત્ર ઐતિહાસિક છે. આ વર્ષે રેલવે અને સામાન્ય બજેટ એક સાથે રજૂ થનાર છે. આ સંદર્ભમાં સરકારનું લક્ષ્ય ‘સબ કા સાથ સબ કા વિકાસ’ છે.

રાષ્ટ્રપતિનાં અભિભાષણ પૂર્વે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે આ સત્રમાં સાંસદો જનહિતના મુદ્દાઓની ચર્ચા કરશે. તેમણે જણાવ્યું હતું કે તમામ પક્ષો સાથે આ મુદ્દે સતત ચર્ચા થઇ છે કે સંસદ સત્રનો ઉપયોગ જનહિત માટે કરવામાં આવે. આથી હું તમામ રાજકીય પક્ષોને અપીલ કરું છું કે આ સત્રનો ઉપયોગ જનહિતના મુદ્દા માટે કરવામાં આવે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે બે નવી પરંપરાનો પ્રારંભ થઇ રહ્યો છે.

એક તો બજેેટની રજૂઆત એક મહિના અગાઉ થઇ રહી છે અને બીજું સામાન્ય બજેટ સાથે રેલવે બજેટને પણ જોડી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિનાં અભિભાષણ બાદ સરકાર દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ અને આગામી બજેટનો નિર્દેશ આપતો આર્થિક સર્વે રજૂ કરશે. રાષ્ટ્રપતિએ પોતાનું અભિભાષણ શરૂ કર્યું તે પહેલાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like