રાષ્ટ્રપતિ શાસનના વિરોધમાં કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી

નવી દિલ્હી : રાજકીય સંકટનો સામનો કરી રહેલા અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની કેન્દ્રીય કેબિનેટની ભલામણોને કોંગ્રેસે આજે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. દરમ્યાન કેબિનેટની ભલામણ પર આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મંજૂરીની મહોર લગાવી દેતાં અરુણાચલમાં રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું હતું. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિવેક તન્ખાએ જણાવ્યું હતું કે તેમણે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રી વિભાગમાં અરજી દાખલ કરી દીધી છે અને તેના પર તાત્કાલિક સુનાવણી માટે રજૂઆત કરી છે.

એક અન્ય વકીલે જણાવ્યું હતું કે તેઓ ડેપ્યૂટી રજિસ્ટ્રાર તરફથી સૂચનાની પ્રતિક્ષા કરી રહ્યાં છે. તેઓ મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ આ અરજી રજૂ કરશે. અરજીમાં અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાનો રિપોર્ટ અને કેન્દ્રીય મંત્રી મંડળની ભલામણને પડકારવામાં આવી છે.બીજી બાજુ કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આજે મંજૂરીની મહોર લગાવી દીધી હતી, જેને પગલે અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળે ગઇકાલે અરુણાચલમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા ભલામણ કરી હતી. જેનો કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.એક બાજુ કોંગ્રેસ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં લઇ ગઇ છે, તો બીજી બાજુ ભાજપે તેને રાજકીય રીતે કોંગ્રેસ પક્ષનો આંતરિક મામલો ગણાવ્યો હતો. ભાજપ પ્રવકતા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ રાજકીય રીતે કોંગ્રેસનો આંતરિક મામલો છે.

મામલો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ વિચારણા હેઠળ છે તેથી કોંગ્રેસે આ મુદ્દે રાજકીય નિવેદન આપવું ન જોઇએ.દરમ્યાન, અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન અમલી બનાવવા અંગે ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની મુલાકાત લીધી હતી. રાજનાથસિંહ સાથેની મુલાકાતમાં પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ શાસન અંગે પ્રશ્નો ઊઠાવ્યા હતા.

You might also like