રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મતદાન શરૂઃ કોવિંદની ૬૩ ટકા મત સાથે જીત નિશ્ચિત

નવી દિલ્હી: દેશના ૧૪મા મહામ‌િહમ રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે મતદાન શરૂ થઇ ગયું છે. આગામી રાષ્ટ્રપતિપદ માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને યુપીએના ઉમેદવાર મીરાંકુમાર વચ્ચે મુકાબલો છે. રાષ્ટ્રપતિપદ માટે યોજાઇ રહેલા મતદાન બાદ મતગણતરી ર૦ જુલાઇએ દિલ્હીમાં યોજાશે, જ્યાં તમામ રાજ્યમાંથી બેલેટ બોકસ લઇ જવામાં આવશે અને એ જ દિવસે તેની જાહેરાત કરવામાં આવશેે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ ર૪ જુલાઇએ સમાપ્ત થઇ રહ્યો છે.

આજે સંસદભવન અને રાજ્ય વિધાનસભાઓમાં સાંજે પ-૦૦ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. રવિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી અને ચોમાસુ સત્રને લઇને એનડીએના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ પણ હાજર રહ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે જણાવ્યું હતું કે અમે ૪૦ પક્ષના સપોર્ટ સાથે આગળ વધી રહ્યા છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો અને વિધાનસભ્યોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોવિંદજી પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇના સહાયક હતા. હવે મને તેમના સહાયક બનવાનું સદ્ભાગ્ય સાંપડશે. મારી તેમને શુભકામનાઓ.

આંકડાની દૃષ્ટિએ જોઇએ તો સમગ્ર ચિત્ર રામનાથ કોવિંદની તરફેણમાં છે. ૬૩ ટકા મત સાથે રામનાથ કોવિંદનો વિજય નિશ્ચિત છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ ૪,૮૯૬ મતદાર છે, જે પૈકી ૭૭૬ સાંસદો છે અને ૪૧ર૦ ધારાસભ્યો છે. નોંધનીય વાત એ છે કે આ વખતે મધ્યપ્રદેશના ધારાસભ્ય નરોત્તમ મિશ્રાને ગેરલાયક ઠરાવવામાં આવતાં હવે કુલ ૪૮૯પ મત રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ મતની સંખ્યા ૧૦,૯૬,૯૦૩ છે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને ૬૩ ટકા મત મળવાની સંભાવના છે.

દરેક સાંસદના મતનું મૂલ્ય ૭૦૮ છે. અેક સાંસદના મતના મૂલ્યને સાંસદોની સંખ્યા સાથે ગણવાથી કુલ સાંસદોના મતનું મૂલ્ય પ,૪૯,૪૦૮ થવા જાય છે. હવે કુલ સાંસદો અને ધારાસભ્યોના મતનું મૂલ્ય જોડવામાં આવે તો ૧૦,૯૮,૯૦૩ થાય છે. સાંસદોને મતદાન માટે લીલા કલરનું અને ધારાસભ્યોને ગુલાબી કલરનું મતપત્ર આપવામાં આવ્યું હતું. કુલ ૩ર પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં એક પોલિંગ બૂથ સંસદ ભવનમાં અને દરેક રાજ્ય વિધાનસભામાં એક-એક બૂથ હશે. આ વખતે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એક ખાસ પેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે જેથી મતદાનમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ થાય નહીં. આ ઉપરાંત પપ સાંસદોને રાજ્ય વિધાનસભામાં મતદાન કરવાની ખાસ મંજૂરી આપવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like