બિકાનેર જમીન કૌભાંડઃ જયપુરમાં વાડરા માતા સાથે ઈડી સમક્ષ હાજર

(એજન્સી) બિકાનેર: મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસમાં દિલ્હીમાં કુલ ૨૪ કલાકની પૂછપરછ બાદ રોબર્ટ વાડરા આજે ઈડીની ઓફિસમાં હાજર થયા હતા. કોંગ્રેસ મહાસચિવ અને રોબર્ટ વાડરાનાં પત્ની પ્રિયંકા ગાંધી પણ જયપુર પહોંચી ગયાં છે. વાડરાનાં માતા મૌરિન પણ આજે ઈડી સામે હાજર થયાં હતાં. રાજસ્થાનના હાઈકોર્ટના આદેશ પર વાડરા અને તેમની માતા મૌરિન વાડરા ઈડી સમક્ષ હાજર થયા છે.

ઈડી વાડરાને બિકાનેર જમીન કેસના સંદર્ભે પૂછપરછ કરશે. કોર્ટે વાડરા અને તેમનાં માતાને ઈડીની તપાસમાં સહયોગ આપવાનું જણાવ્યું છે. ઈડીના અધિકારી પીએમએલએ કાયદા હેઠળ વાડરા અને તેમનાં માતાનું નિવેદન નોંધશે. આ પહેલા ઈડીને વાડરાને લંડનમાં તેની ગેરકાયદે સંપત્તિને લઈને ત્રણ દિવસમાં કુલ ૨૪ કલાક પૂછપરછ કરી ચૂક્યું છે. વાડરા ઈડીના આક્ષેપોનો ઈનકાર પણ કરી ચૂક્યા છે.

આક્ષેપ છે કે વાડરાએ બિકાનેર જિલ્લાના કોલાયતમાં ૭૯ લાખમાં ૨૭૦ વીઘા જમીન ખરીદીને ત્રણ વર્ષ પછી ૫.૫ કરોડમાં વહેંચી દીધી હતી. ઈડીએ ઘણીવાર સમન્સ જારી કર્યા ત્યારે વાડરાએ રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર પીઠમાં અપીલ કરીને પૂછપરછ પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તેમને રાહત ન મળી. ઈડીનું કહેવું છે કે પૂછપરછ બાદ વાડરાની ભૂમિકા સ્પષ્ટ થશે.

સોમવારે રાત્રે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશનો પ્રવાસ છોડીને પતિ રોબર્ટ વાડરાને મળવા જયપુર પહોંચી ગયાં હતાં. ૨૦૦૭માં વાડરાએ સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના નામથી એક કંપની બનાવી હતી. વાડરા અને તેમનાં માતા મૌરિન કંપનીના ડિરેક્ટર બન્યાં હતાં. બાદમાં કંપનીનું નામ સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ લાયાબિલિટી કરી દેવામાં આવ્યું હતું.

રજિસ્ટ્રેશન સમયે જણાવાયું હતું કે આ કંપની રેસ્ટોરન્ટ, બાર અને કેન્ટીન ચલાવવા જેવાં કામ કરશે. આક્ષેપ છે કે બિકાનેરમાં ભારતીય સેનાની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જની જમીન વાડરાએ ખરીદી હતી. આ જમીનના થોડા ભાગ પર વિસ્થાપિત લોકો રહેતા હતા, પરંતુ તે સમયે કેટલાક લોકોએ ખોટા દસ્તાવેજો તૈયાર કરાવીને જમીન વાડરાની કંપનીને વેચી દીધી હતી. જ્યારે સેનાની જમીન વેચી શકાતી નથી. બાદમાં વાડરાની કંપનીએ આ જમીન પાંચ કરોડ રૂપિયામાં વેચી. ઈડીએ આ અંગે કેટલાક સ્થાનિક અધિકારીઓની ભૂમિકાને પણ શંકાસ્પદ ગણી છે.

You might also like