‘સી પ્લેન’ રાઈડ માટે તૈયારઃ મુંબઈ અને ગોવાની સફર રહેશે રોમાંચક

મુંબઇ: પર્યટનને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર સરકાર અને અન્ય સરકારી એકમો દ્વારા વિશેષ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ ક્રમમાં મુંબઇના સમુદ્રી વિસ્તારોમાં સી પ્લેનની શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. ટૂરિસ્ટને મુંબઇ પ્રત્યે આકર્ષવા માટે રાજ્ય સરકાર આ પ્લાન બનાવી રહી છે. ટ્રાયલ તરીકે તેનું પ્રદર્શન ૯ ડિસેમ્બરે મુંબઇના કાલબાદેવી પાસે કરાશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ફડણવીસ પણ સામેલ થશે.

મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડે જણાવ્યું કે અમે મહારાષ્ટ્રમાં જળ પરિવહનને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે વોટર રાઇડને પણ પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ ક્રમમાં કાલબાદેવીથી બેલાપુર સુધી સી પ્લેન રાઇડનું પ્રદર્શન કરાશે. એમએમબી અધિકારીએ જણાવ્યું કે આ માટે નાની-નાની ક્રૂઝ સેવા રાષ્ટ્રીય સ્તર પર શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.

તેમાં પહેલો માર્ગ મુંબઇ અને ગોવાનો છે, જેના પર ક્રૂઝ સેવા શરૂ કરાશે. તેની જવાબદારી સી ઇગલ કંપનીને આપી દેવાઇ છે. અધિકારીએ જણાવ્યું કે સી ઇગલ ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મુંબઇ-ગોવા વચ્ચે ક્રૂઝ સેવાની શરૂઆત કરી શકે છે.

એમએમબીના મુખ્ય કાર્યકારી અધિકારી અતુલ પઠને જણાવ્યું કે અમે પહેલાં સી પ્લેન રાઇડ શરૂ કરવાનું કામ કરી રહ્યા છીએ. તેનું પ્રદર્શન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં કાલબાદેવીમાં કરાશે. પઠને જણાવ્યું કે સી પ્લેન મુંબઇ, મહારાષ્ટ્રમાં સહેલાણીઓને આકર્ષિત કરવામાં સફળ સાબિત થશે.

તે વાજબી ભાવ ઉપરાંત મુંબઇ મહાનગરમાં ત્રણ તરફ ફેલાયેલા સમુદ્રના નજારાને યોગ્ય રીતે બતાવી શકશે. સ્પાઇસ જેટના પ્રવક્તાએ અેમ પણ કહ્યું કે અમે સી પ્લેનની શરૂઆત તો કરીશું, પરંતુ તેની તારીખનો ખુલાસો હજુ થઇ શકશે નહીં.

You might also like