મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આર્મીએ એમએસસીએન (કે) વિરુદ્ધ ઓપરેશનની તૈયારી શરૂ કરી દીધી છે. ત્રાસવાદી સંગઠન એમએસસીએન (કે) દ્વારા મ્યાનમારનાં કોનયાંક પ્રદેશમાં મથકો અને છાવણીઓ ઉભી કરવામાં આવી છે જે વિસ્તાર નાગાલેન્ડ સાથે જોડાયેલ છે.

ઈન્ટેલિજન્સ સૂત્રોનું કહેવું છે કે મ્યાનમાર આર્મી ઉગ્રવાદી છાવણીઓના ક્વોટા ભારતીય સેનાને મોકલશે અને ત્યાર બાદ ભારતીય સેના આગળની કાર્યવાહી કરશે. ૨૦૧૫માં આર્મીએ મ્યાનમારમાં ત્રાસવાદી કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. હાલ ભારત સરકારની એવી કોશિશ છે કે નગા સમજૂતી સંપન્ન થઈ જાય. આ અંગે કેટલાક નગા સંગઠનો વાતચીત પણ કરી રહ્યા છે, પરંતુ એમએસસીએન (કે) વાતચીત માટે તૈયાર નથી.

એમએસસીએન (કે)નાં બે જૂથ થવાથી હવે વાટાઘાટ માટે માર્ગ મોકળો થઈ ગયો છે. એક જૂથ વાટાઘાટ કરવા તૈયાર છે તો બીજું જૂથ વાતચીત માટે તૈયાર નથી. મ્યાનમારમાં ઉગ્રવાદીઓનાં ૩૮ કેમ્પ છે. મ્યાનમાર આર્મીએ એમએસસીએન (કે) પર વાતચીતનું દબાણ વધારવાની કોશિશ પણ કરી છે.

You might also like