દક્ષિણ આફ્રિકા સામેની ત્રણેય ટેસ્ટમાં સ્પિનિંગ ટ્રેક બનાવવાની તૈયારી

બેંગલુરુઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ દિવસથી પણ ઓછા સમયમાં ટેસ્ટ જીતી લઈને ટીમ ઇન્ડિયા ગદ્ગદ થઈ ગઈ છે. કેપ્ટન વિરાટ કોહલી કહી ચૂક્યો છે કે હોમ એડ્વાન્ટેજ લઈને આપણે કોઈ ગુનો નથી કરી રહ્યા. ક્રિકેટ રમતો દુનિયાનો દરેક દેશ આવું કરે છે. વિરાટે સમગ્ર શ્રેણીમાં એવી પીચની માગણી કરી છે, જેના પર પરિણામ આવી શકે. દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ તા. ૧૪ નવેમ્બરથી બેંગલુરુ ખાતે રમાશે.

સ્પષ્ટ છે કે આગામી ત્રણેય મેચમાં લગભગ એવી જ પીચ મળશે, જેવી મોહાલીમાં હતી. હવે સવાલ એ છે કે સ્પિનર્સના દબદબાવાળી પીચો પર મેચ અઢી-ત્રણ દિવસમાં પૂરી થઈ જાય તો પછી બિચારા બેટ્સમેનોનું શું થશે? શું ક્રિકેટ ચાહકો શાનદાર સદી, ડબલ સદી, લાંબી પાર્ટનરશિપ, નવા-નવા બેટિંગ રેકોર્ડ જોઈ નહીં શકે?

મોહાલી ટેસ્ટમાં ત્રણ દિવસની રમતમાં ૨૫૧.૨ ઓવર ફેંકાઈ, જેમાં ૬૯૪ રન બન્યા અને ૪૦ વિકેટ પડી એટલે કે દરેક વિકેટ માટે સરેરાશ ૧૭ રન બન્યા. એ ટેસ્ટમાં બંને ટીમ તરફથી કુલ ત્રણ અર્ધસદી બની. એક તરફ ટી-૨૦ ક્રિકેટ સંપૂર્ણપણે બેટ્સમેનોની રમત બની ચૂકી છે અને બીજી તરફ પોતાના અસ્તિત્વ સામે સંઘર્ષ કરી રહેલા ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે ત્રણ દિવસીય વિકેટ બનાવવામાં આવી રહી છે. આ સ્થિતિમાં પાંચ દિવસીય ફોર્મેટનું શું ભલું થવાનું?

વિરાટે એવું પણ કહ્યું હતું કે, ”બેટ્સમેન પોતાને અેપ્લાય નથી કરી રહ્યા. ભારતીય બેટ્સમેનો પણ તાજેતરમાં સ્પિન બોલિંગ સામે સારું નથી રમી શક્યા. જોખમ એ પણ છે કે સ્પિનની જાળમાં ખુદ ટીમ ઇન્ડિયા પણ ફસાઈ શકે છે. અગાઉ ઈંગ્લેન્ડ સામેની ભારતમાં રમાયેલી શ્રેણીમાં આવું બની ચૂક્યું છે, જ્યારે સ્પિન ગ્રીમ સ્વોન અને મોન્ટી પાનેસરે ઇન્ડિયાના ‘હોમ એડ્વાન્ટેજ’નો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો.”

તો પછી ફાસ્ટ બોલર્સનું શું કામ છે?
મોહાલી ટેસ્ટમાં ૪૦માંથી ૩૪ વિકેટ સ્પિનર્સે ઝડપી. ટીમ ઇન્ડિયાને મળેલી ૨૦માંથી ૧૯ વિકેટ સ્પિનર્સે જ લીધી. અશ્વિને બંને ઇનિંગ્સમાં બોલિંગની શરૂઆત પણ કરી હતી. હવે સવાલ એ પણ છે કે જ્યારે સ્પિનર્સથી જ કામ ચાલી જતું હોય તો પછી ટીમમાં ફાસ્ટ બોલર્સની જરૂર જ શી છે? શું ફાસ્ટ બોલર્સને વિદેશી પીચ પર જ અજમાવવાની રણનીતિ છે? કોને ખબર, ભવિષ્યમાં દરેક મેચમાં ચાર સ્પિનરને મેદાન પર ઉતારવામાં આવે! ટીમ ડિરેક્ટર રવિ શાસ્ત્રી એવો સંકેત પણ આપી ચૂક્યો છે કે સ્પિન બોલિંગને આટલું મહત્ત્વ મળશે તો જોખમ એ વાતનું પણ છે કે ભવિષ્યમાં ફાસ્ટ બોલર શોધ્યા પણ મળશે નહીં.

You might also like