કેદારને ઓલરાઉન્ડર બનાવવાની તૈયારી

મોહાલીઃ ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે શ્રેણી પહેલાં કેદાર જાધવે પણ વિચાર્યું નહીં હોય કે તે આંતરરાષ્ટ્રીય મુકાબલામાં એક સંપૂર્ણ બોલરની જેમ બોલિંગ કરતો નજરે પડશે, પરંતુ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આ કરી દેખાડ્યું અને તેનું પરિણામ સૌની સામે છે. ખુદને એક બેટ્સમેન માનતો ૩૧ વર્ષીય મહારાષ્ટ્રનો આ ક્રિકેટર આઠ દિવસની અંદર ઓલરાઉન્ડર બનવા તરફ ગતિમાન થઈ ચૂક્યો છે. વર્તમાન વન ડે શ્રેણી પહેલાં કેદાર જાધવે પ્રથમ શ્રેણીની ૭૧ મેચમાં ફક્ત ૨૧૫ બોલ ફેંક્યા હતા અને તેના ખાતામાં માત્ર એક વિકેટ નોંધાઈ હતી, પરંતુ વર્તમાન શ્રેણીમાં જ ધોનીએ તેની પાસે ૧૦ ઓવર બોલિંગ કરાવી, જેમાં આ પાર્ટટાઇમ બોલરે છ કિવી બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા છે. સુરેશ રૈના તાવને કારણે અંતિમ ઈલેવનમાં ઉપલબ્ધ નહીં હોવાને કારણે ધોનીએ જાધવને તક આપી અને તે ન્યૂઝીલેન્ડ સામે બેટિંગને દલે વધુ બોલિંગમાં ચમકી ગયો. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ હવે કેદારને ઓલરાઉન્ડર બનાવવાનું નક્કી કરી લીધું છે.

ધોનીની પારખું નજરઃ
પાર્ટટાઇમ બોલર્સનો મુખ્ય બોલરની જેમ ઉપયોગ કેમ કરવો એ ધોની બહુ સારી રીતે જાણે છે અને તેનું સૌથી તાજું ઉદાહરણ જાધવ છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પહેલાં જાધવે પાછલી સાત આંતરરાષ્ટ્રીય વનડેમાં એક પણ બોલ ફેંક્યો નહોતો, પરંતુ ધરમશાલામાં આ શ્રેણીના પહેલા મુકાબલામાં ધોનીએ પોતાના મુખ્ય સ્પિનર અમિત મિશ્રા અને અક્ષર પટેલની પહેલાં બોલ કેદારને સોંપ્યો અને તેણે ફક્ત ત્રણ ઓવરમાં માત્ર છ રન આપીને બે વિકેટ ઝડપી એટલું જ નહીં, તેણે મેચનું પાસું પણ પલટી નાખ્યું.
બીજી વન ડેમાં પણ તેણે એક વિકેટ ઝડપી. ગઈ કાલે મોહાલીમાં તેણે પોતાની કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ત્રણ વિકેટ ઝડપી. કેદાર વર્તમાન શ્રેણીમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ભારતીય બોલર્સમાં સંયુક્તરૂપે બીજા નંબર પર છે. ત્રણ મેચમાં અમિત મિશ્રાએ સૌથી વધુ આઠ વિકેટ, જ્યારે ઉમેશ યાદવ અને કેદાર જાધવે છ-છ વિકેટ ઝડપી છે. ભારતનાે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ પાંચ વિકેટ, જ્યારે અક્ષર પટેલ ફક્ત એક વિકેટ ઝડપી શક્યો છે. જાધવની આ શ્રેણીમાં બેટ્સમેન તરીકે પસંદગી થઈ હતી. જમણેરી ઓફ બ્રેક બોલર જાધવે ૮૪ ટી-૨૦ મેચમાં ફક્ત ચાર વિકેટ જ ઝડપી છે.

IPLને Fail કરવા પાકિસ્તાનની ચાલ
નવી દિલ્હી: ભારતમાં બીસીસીઆઈ અને લોઢા કમિટીની લડાઈ વચ્ચે રમતપ્રેમીઓને એવી આશંકા સતાવી રહી છે કે આઈપીએલનું આ વર્ષે આયોજન થઈ શકશે કે કેમ? ભારતમાં આઇપીએલ દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં શરૂ થાય છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે માર્ચ-એપ્રિલમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)નું આયોજન કરીને આઇપીએલને નુકસાન પહોંચાડવા માગે છે. પીએસએલ આઇપીએલની પહેલાં રમાવાની હોવાથી આ વખતે પીએસએલમાં દુનિયાભરના સ્ટાર ખેલાડી ભાગ લેવાના છે. આઈપીએલના તર્જ પર બનેલી પીએસએલની મેચ વર્ષ ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે. આ લીગમાં રમનાર ખેલાડીઓમાં આકર્ષણ જમાવનાર ક્રિસ ગેલ, બ્રેંડન મેક્કુલમ, આંદ્રે રસેલ, શેન વૉટસન, ડ્વેન સ્મિથ, કુમાર સંગકારા, મહેલા જયવર્ધન અને શાહિદ આફિરીદી જેવા ખેલાડીઓ છે. જોકે પીએસએલની મેચ આઈપીએલ પહેલાં રમાનાર છે, જેના કારણે આઈપીએલમાં રમતા ઘણા મોટા ખેલાડીઓ પાકિસ્તાની લીગમાં રમતા જોવા મળશે. હાલમાં દુબઈમા થયેલા આ ડ્રાફ્ટમાં ઘણા નવા ખેલાડીઓને સ્થાન મળ્યું હતું.
ખેલાડીઓને પ્લેટિનિયમ, ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર અને ઈમેજિંગ ગ્રૂપોમાં વહેંચવામાં આવ્યા છે.

ક્યાં ખોવાઈ ગયો ભારતને ટી-૨૦ વિશ્વ કપ જિતાડનારો હીરો?
જોગીન્દર શર્માની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય કરિયર ફક્ત પાંચ દિવસની જ છે

ક્રિકેટના દીવાના ભારતીય પ્રશંસકોને એ તો યાદ હશે જ કે ભારતે વર્ષ ૨૦૦૭માં ટી-૨૦ વિશ્વકપ જીત્યો હતો, પરંતુ એ ખિતાબી જીતનો હીરો રહેલા જોગીન્દર શર્માનું નામ મોટા ભાગના લોકો ભૂલી ગયા હશે. આશ્ચર્યની વાત એ છે કે વિશ્વકપ પછી પણ જોગીન્દર ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં. ગઈ કાલે જોગીન્દરે પોતાનો ૩૩મો જન્મદિવસ ઊજવ્યો. જોગીન્દરના પિતા ઓમપ્રકાશ શર્મા જણાવે છે, ”આશા રાખું છું કે મારા પુત્રને ભારતીય ટીમમાં તક મળશે અને તે દેશનું નામ રોશન કરશે.” જોગીન્દરના પિતાને એ સમજમાં નથી આવતું કે ટી-૨૦ ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યા બાદ જોગીન્દરને ટીમમાં તક શા માટે ના મળી. જોગીન્દરનું ટી-૨૦માં પદાર્પણ ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ થયું અને તેણે અંતિમ મેચ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૭ના રોજ રમી એટલે કે ફક્ત પાંચ દિવસની આંતરરાષ્ટ્રીય કરિયર. તેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની વાપસીની શક્યતા લગભગ ખતમ થઈ ચૂકી છે. હરિયાણા સરકારે જોગીન્દરને ૨૧ લાખ રૂપિયાનું ઇનામ અને પોલીસમાં ડેપ્યુટી કમિશનરની નોકરી આપી હતી.

You might also like