સુખ, દુઃખનો આધાર પૂર્વજન્મનાં કર્મો જ છે

સુખ ભોગવવું દરેક જીવને ગમે છે. દુઃખ ભોગવવું કોઇ પણ જીવને ગમતું નથી. દુઃખ પ્રાપ્ત થતાં જ જીવ ધમપછાડા કરવા લાગે છે. તેનો જીવ આકુળ વ્યાકુળ થઇ જાય છે. જ્યારે કોઇ પણ જીવને સુખ આવે છે ત્યારે તેનું મન પ્રસન્ન થઇ જાય છે. તેનાં નાનાં મોટાં દુઃખ જતાં રહે છે અનેે જો નાનાં મોટાં દુઃખ હોય તો પણ સુખની તુલનામાંં તે સાવ નગણ્ય થઇ જાય છે. સુખથી કોઇ પણ જીવ પ્રસન્ન પ્રસન્ન રહે છે. દુઃખ આવતાં જ તે લમણે હાથ દઇ બેસી જાય છે. મણ મણના નિસાસા નાખે છે. તે ચારે તરફ સુખની શોધમાં ભટકે છે.
જેમ રણમાં તરસથી વ્યાકુળ જીવ રણદ્વીપની શોધ કરતો રહે તેમ સુખ શોધવા મૃગજળમાં જળ પીવાની કોશિશ કરે છે. ભૂત, ભૂવા, જ્યોતિષીના શરણે જાય છે. કોઇક જ જીવ પ્રભુનાં શરણે જાય છે. જેણે પૂર્વ જન્મમાં કોઇ પુણ્ય કર્યાં હોય તેને દુઃખમાં પ્રભુ સ્મરણ સૂઝે છે. નહીંતર તે પોતાને દુઃખ આપનાર ઉપર બદદુઆ કે નિસાસા નાખી પોતાનાં પાપમય કર્મોનાં પોટલાં જ બાંધે છે.
સુખ અને દુઃખનો આધાર પૂર્વજન્મનાં કર્મોને જ આધીન છે. આવો આ વાત આપણે વિગતે સમજીએ.
પૂર્વ જન્મમાં તમે જો કોઇને સુખ આપ્યું હશે તો તે વ્યકિત અથવા તે જીવ તમને આ જન્મમાં અથવા તેની સાથેનાં તમારાં કર્મો ઉદયમાં આવશે કે તરત તે જીવ અથવા વ્યકિત તમને પણ સુખ આપવા તમારી નજીક આવશે. જેમ સમુદ્રના જળમાં બે તણખલાં સમુદ્રની લહેરથી સાવ લગોલગ આવી જાય છે તેમ. હવે જો કોઇને દુઃખ આવે, વારંવાર તેની અવહેલના થાય, વારંવાર તેનું અપમાન થાય, તે એક સાંધવા જાય અને તેર તૂટતા હોય, સાવ અજાણી વ્યકિત તેની નજીક આવી જાય અને તેના ઉપર પુષ્કળ દુઃખનો ભારે ભરખમ ટોપલો મૂકતો જાય. આવું થાય ત્યારે વગર કહ્યે સમજી જજો કે તમારા ઉપર જે તે જીવે પૂર્વ જન્મમાં કરેલાં કર્મોનો બદલો વાળ્યો છે. તે જાતે આવું નથી કરતો પરંતુ પૂર્વ જન્મનાં કર્મો તેને આમ કરવા મજબૂર કરે છે.
જો તમે કોઇનું ભલું કરશો તો તેનું ફળ આવતી કાલે મળે તેવું નથી.ે તમે જેટલા ભાવથી કોઇનું ભલું કર્યું હશે તેટલી જ તીવ્રતાથી તમે કરેલી ભલાઇ તમારા કર્મરાજાના ચોપડામાં નોંધાઇ જશે. તેની તીવ્રતાની અસર સહેજ પણ ચૂક વગર તમારા ખાતે જમા થઇ જશે.
વખત આવતાં જ તમે કરેલી ભલાઇની ભારોભાર ભલાઇ જેવું સુખ તે તમને આપી જશે. સુખ આપવાથી સુખ મળે. દુઃખ આપવાથી દુઃખ મળે.
જગત આખું કર્માધીન છે. તમે જેવું કરશો તેવું ભરશો. આજે તમારાથી કોઇનું અપમાન થયું છે તો તે કદાચ બોલી શકે તેમ નહીં હોય તો તમારે તે કર્મનું ફળ તો અવશ્ય ભોગવવું જ પડશે. તો તમે કોઇને સુખ આપ્યું હશે તો તમને સુખ આપશે.
પૂર્વ કાળમાં રાજા ભરતને સંગીતનો બહુુ શોખ હતો. તે સંગીત એકાંતમાં સાંભળતા હતા. તેમાં કોઇની ખલેલ તેઓ સહન કરી શકતા નહોતા. એક વખત તેમનું સંગીત એક સૈનિક સાંભળી ગયો. રાજા ભરતે તેના કાનમાં ધગધગતું સીસંુ રેડાવ્યું. તે સૈનિક મૃત્યુ પામ્યો.
બીજા ભવમાં તે સૈનિક ગોવાળ બન્યો. તે રાજા ગૌતમ બુદ્ધ બન્યા. ગોવાળે બે બળદ તે ભિક્ષુને સાચવવા કહ્યુંં.
બુદ્ધ તપમાં લીન હોવાથી જવાબ ન આપી શકયા. ક્રોધિત ગોવાળે બુદ્ધના કાનમાં બાવળની શૂળ ખોસી દીધી. આ થયો પૂર્વ જન્મનાં કર્મનો બદલો. આ શૂળ બુદ્ધને ખૂબ વેદના આપતી, પરંતુ
તે તેમણે ૧ર વર્ષ સુધી પીડા
ભોગવી. આ થયો કર્મનો અદ્દલ ઇન્સાફ.•
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like