1 એપ્રિલથી લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી માટે પ્રીમિયમ ઘટી જશે

(એજન્સી)નવી દિલ્હી: જો તમે લાઈફ ઈન્સ્યોરન્સ (એલઆઈસી) પોલિસી લઈ રાખી હોય તો તમારા માટે ખુશખબર છે. આગામી નાણાકીય વર્ષ એટલે કે ૧ એપ્રિલ ૨૦૧૯થી લાઈફ ઈન્સ્યોરન્સ સસ્તો થઈ જશે. નવા નાણાકીય વર્ષથી લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ સાતથી દશ ટકા ઘટી જવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ ઘટાડાનો લાભ ૨૨થી ૫૦ વર્ષની વય ધરાવતા લોકોને જ મળશે.

વાસ્તવમાં આ વય જૂથમાં આવનારા લોકોનો મૃત્યુદર ચારથી ૧૬ ટકા સુધી ઘટી ગયો છે. કેટલાક દેશોમાં ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં દર વર્ષે ફેરફાર કરવામાં આવે છે. ભારતમાં આ ફેરફાર દર પાંચ-છ વર્ષે કરવામાં આવે છે.

હવે લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ મોર્ટેલિટી ટેબલથી નક્કી કરવામાં આવશે. એટલે કે મૃત્યુદરના આધારે પ્રીમિયમ નક્કી કરાશે. અત્યાર સુધી પ્રીમિયમ નક્કી કરવા માટે ૨૦૦૬-૦૮નો ટેબલ આધારરૂપ હતો. નવા ફેરફારની અસર ટર્મ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ પર વધુ થવાની આશા છે.

જો તેના આધારે પ્રીમિયમ નક્કી થશે તો ૫૦ વર્ષથી વધુ વય ધરાવનારા ગ્રાહકોને તેનો ફાયદો મળશે નહીં. એવી પણ આશા છે કે નવા બદલાવ બાદ વયોવૃદ્ધ ગ્રાહકોને ઈન્સ્યોરન્સ કવર પર પ્રીમિયમ વધી જશે. ટેબલ અનુસાર ૮૨થી ૧૦૫ વર્ષની વય ધરાવતા લોકોનો મૃત્યુદર ત્રણથી ૨૧ ટકા વધ્યો છે.

હવે એ પણ સ્પષ્ટ થયું છે કે ઈન્સ્યોરન્સ લેનાર મહિલાઓના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આ ટેબલ અનુસાર ૧૪થી ૪૪ વર્ષની ઈન્સ્યોર્ડ મહિલાઓના મૃત્યુદરમાં ૪.૫થી ૧૭ ટકા સુધીનો સુધારો થયો છે અને તેથી આ વય જૂથની મહિલાઓ માટે પણ ઈન્સ્યોરન્સ કવરના પ્રીમિયમમાં ઘટાડો થઈ શકે છે.

You might also like