પ્રીતિ ઝિન્ટાની છેડતીનો કેસઃ નેસ વાડિયાના નિવેદન વગર ચાર્જશીટ દાખલ

મુંબઈ: અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની છેતરપિંડી કેસમાં પોલીસ અારોપી નેસ વાડિયાના નિવેદન વગર ચાર્જશીટ દાખલ કરી શકે છે. લગભગ બે વર્ષ જૂના અા કેસમાં નિવેદન નોંધાવવા માટે વાડિયાને ઘણીવાર નોટિસ મોકલાઈ છે તેમ છતાં પણ તે પોલીસ સામે હાજર થયો નથી. પરેશાન પોલીસ હવે કોર્ટનો સહારો લેવાની તૈયારી કરી રહી છે.

કેસ દાખલ થયા બાદથી નેસ વાડિયા વિદેશમાં છે. અા ઘટનામાં પોલીસ ફરિયાદી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા સહિત અન્ય સાક્ષીઅોનાં નિવેદન નોંધી ચૂકી છે.  પરંતુ નેસ વાડિયા પોલીસ સામે હાજર થયો નથી. પોલીસનું કહેવું છે કે વાડિયા ઘટના બાદથી જ વિદેશમાં છે.

એક પોલીસ અધિકારીઅે જણાવ્યું કે હવે અમે અા કેસ કોર્ટ સામે લઈ જઈશું અને કોર્ટને અે વાતથી માહિતગાર કરીશું કે નોટિસ મોકલ્યા બાદ પણ વાડિયા નિવેદન અાપવા હાજર થયો નથી. અા અંગે જાણીતા વકીલ અને પૂર્વ અાઈપીઅેસ અધિકારી વાય.પી. સિંહ કહે છે કે જો નોટિસ અાપ્યા છતાં પણ નેસ વાડિયા હાજર નહીં થાય તો પોલીસ તેને તેની ધરપકડ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાઅે ૧૩ જૂન ૨૦૧૪ના રોજ મુંબઈના મરિન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં અાક્ષેપ કર્યા હતા કે ૩૦ મેની રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં અાઈપીએલ મેચ દરમિયાન વાડિયાઅે તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું.

નેસ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ
જો નેસ વાડિયા દેશમાં નહીં અાવે તો ઇન્ટરપોલની મદદથી તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી થઈ શકે છે.
કાયદાકીય એક્સપર્ટનું માનવું છે કે પોલીસ કોર્ટને નિવેદન કરી શકે છે કે તેઅો નેસ વાડિયાનાં નિવેદન વગર જ ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગી અાપે. અા ઉપરાંત વાડિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની ડિમાન્ડ પણ થઈ શકે છે.

You might also like