ગર્ભવતી પ્રેમિકાએ પરિણીત પ્રેમી સાથે જવાનો ઇન્કાર કર્યો

અમદાવાદ: અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા એક પરિણીત પુરુષ સાથે પ્રેમસંબંધમાં ગર્ભવતી બનેલી 20 વર્ષિય પ્રેમિકાને નારી સંરક્ષણ ગૃહમાંથી છોડાવીને પોતાની સાથે રાખવાના પરિણીત પ્રેમી અને તેની પત્નીના સપના અધૂરા રહી ગયાં છે. કોર્ટ સમક્ષ ગર્ભવતી યુવતીએ તેના પ્રેમી સાથે જવાનો ઇન્કાર કરી દીધો છે અને તેના માતા પિતા સાથે જવા માટેની માંગ કરી હતી. જેમાં કોર્ટે નારી સંરક્ષણ ગૃહને ગર્ભવતી યુવતીને તેના માતા પિતાને સોંપી દેવા માટે આદેશ કર્યો છે.

સરખેજ ફતેહવાડી વિસ્તારમાં રહેતો મનોજ ચૌહાણનાં લગ્ન 5 વર્ષ પહેલા થયાં હતાં જેમાં તેને ત્રણ વર્ષનું એક સંતાન છે. લગ્ન બાદ મનોજને ૨૦ વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ થતાં તે યુવતીને લઇને છેલ્લા ધણા સમયથી ગાંધીનગર વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પ્રેમ સંબંધમાં પડેલા મનોજ ૨૦ વર્ષીય પ્રેમિકાને ગર્ભવતી બનાવી હતી.

યુવતીના પરિવારજને તેના ગુમ થવાની અરજી અસલાલી પોલીસ સ્ટેશનમાં આપી હતી. તારીખ 18મી જૂનના રોજ મનોજ યુવતીને લઇને અસલાલી પોલીસ સ્ટેશનમા હાજર થઇ ગયો હતો. અસલાલી પોલીસે યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.

મનોજે યુવતીને કસ્ટડી લેવા માટે મીરજાપુર કોર્ટમાં અરજી કરી હતી. મનોજ કોર્ટમાં દાવો કર્યો હતો કે ૨૦ વર્ષીય યુવતી મારી પત્ની છે, તે સગીરા નથી અને તેની મરજી મારી સાથે જ રહેવાની છે તો પછી તેની કસ્ટડી મને સોંપવી જોઈએ. અને મારી બીજી પ્રેમિકા મારી સાથે રહે તેનો વાંધો પત્નીને નથી
અરજીના આધારે મીરજાપુર કોર્ટે નારી સંરક્ષણ ગૃહના સુપરિન્ટેન્ડેટને નોટિસ ઇસ્યુ કરીને યુવતીને કોર્ટમાં હાજર રાખવા આદેશ કર્યા હતા. ગર્ભવતી યુવતીને કોર્ટમાં હજાર કરી હતી જેમાં યુવતીએ મનોજ સાથે જવા માટેનો ઇન્કાર કરી દીધો હતો અને તેના માતા પિતા સાથે જવા માટેની માગ કરી હતી.

You might also like