ગમે તેને ઉપદેશ કદી ન અપાય

આપણાં શાસ્ત્રો તથા બીજા ધર્મગ્રંથોમાં હિતોપદેશનું ખૂબ મહત્ત્વ છે. તેમાં મૂર્ખ વ્યક્તિ પણ સરળતાથી સમજી શકે તેવાં દૃષ્ટાંત આપેલાં છે. આજે આડાઅવળો વ્યર્થ સમય ગુમાવ્યા સિવાય ધર્મગ્રંથોનું વાચન કરવાથી ખૂબ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઘણું સમજવા મળે છે.
શાસ્ત્રો મુજબ જોવા જઇએ તો વ્યક્તિ જેની અધિકારી નથી તે વ્યક્તિને જે તે વસ્તુને આપવાથી તેનો હંમેશાં દુરુપયોગ જ થાય છે. મૂર્ખને ઉપદેશ આપવાથી ઉપદેશ આપનારને જ ભયંકર નુકસાન થતું જોવામાં આવ્યું છે.
વાદળમાંથી અમૃત વરસતું હોય તો પણ નેતરને ક્યારેય ફળફૂલ આવતાં નથી. તેવી જ રીતે બ્રહ્મદેવ જેવા મહાસમર્થ ગુરુ હોવા છતાં મૂર્ખ વ્યક્તિની અંદર જ્ઞાન પ્રગટતું નથી. કાળને વશ થયેલા રાવણે તેનું હિત ઇચ્છનાર મંત્રીઓ તથા મહાત્મા વિભીષણની સલાહ માની નહીં. મંદોદરીની સલાહ મજાકમાં ગણી લીધી. ત્યારે મહારાણી મંદોદરી સમજી ગયાં કે, “પ્રિયહી, કાલબસ મતિભ્રમ ભયઉ”. તેનો પતિ મહાસમર્થ રાવણ હવે કાળને વશ થયો છે. તેથી તેની મતિ ભ્રમિત થઇ છે.
મનુષ્યને જ્યારે સત્તા, ધન, સંપત્તિ વગેરે પ્રાપ્ત થાય છે ત્યારે તેના ચિત્તમાં મદ વ્યાપી જાય છે. જે તેને સાચી વાત સમજવા દેતી નથી. આવા મનુષ્યો અહં બ્રહ્માસ્મિ થઇને ફરે છે. અંતે પોતાનું પતન નોંતરે છે. આવા માણસો પોતાના હિતેચ્છુની સાચી સલાહ સ્વીકારવા પણ તૈયાર થતા નથી. તેમાં સલાહ કે શિખામણ આપનારનો કશો જ દોષ હોતો નથી. આ વિચાર વધુ સ્પષ્ટતાથી સમજાવતાં જ્ઞાની વિચારકો દૃષ્ટાંત આપે છે કે વાદળ અમૃત જેવું જળ વરસાવે છે છતાં નેતરને ફળફૂલ આવતાં નથી. તેમાં વાદળનો શો વાંક? તેવી જ રીતે મદાંધ મનુષ્યો વડીલ, ગુરુ, મિત્ર કે પત્નીની સાચી શિખામણ માનતા નથી. તેમાં સલાહ આપનારનો કોઇ દોષ હોતો નથી. ઊલટું સલાહ આપનારને આ મહામૂર્ખ હેરાન કરવાનું ચૂકતા નથી.
એક સુભાષિતમાં જણાવ્યું છે કે
ઉપદેશો હિ મૂર્ખાણાં પ્રકોપાય ન તુ શાન્તયે।
પય પાનઃ ભુજંગાનાં કેવલં વિષ વર્ધનમ્।।
મૂર્ખાઓને ઉપદેશ આપવો તે તેમનો ગુસ્સો વધારવા માટે છે. શાંતિ માટે નહીં. સામાન્ય રીતે દૂધ ઠંડું તથા અમૃતમય ગણાય છે. તેનાથી ગરમી ઓછી થાય છે. સાપને ઝેરની ગરમી હોય છે. તેની આ ગરમી શાંત કરવા દૂધ આપીએ તો પણ તેની ગરમી ઓછી થતી નથી, પરંતુ વધે જ છે.
પંચતંત્રમાં એક વાર્તા છે. જંગલમાં એક વૃક્ષ નીચે વાનરોનું ટોળું આવ્યું. ઠંડીની ઋતુ હતી. તેથી તેઓ ધ્રૂજતાં હતાં. ઝાડ ઉપર માળામાં એક સુઘરી બેઠી હતી. તે જોતી હતી કે વાંદરાં અગ્નિ મેળવવાની આશાથી ચણોઠી વીણી લાવી તેનો ઢગલો કરી તેને ફૂંકતાં હતાં. સુઘરીએ વાંદરાંને સલાહ આપી કે તમે અમારી જેમ ઘર બાંધીને રહેતા હો તો તમારે આમ હેરાન થવું ન પડે. વાંદરાઓને ચકલી (સુઘરી)ની સલાહ રુચિ નહીં. તેમણે સુઘરીનો માળો તોડી નાખ્યો. સુઘરીને મારી નાખી. આ વાર્તા સૂચવે છે કે મૂર્ખાઓને સલાહ આપવાની ભૂલ ન કરવી. રાવણ પણ કાળવશ થયો હતો. તેથી તે કોઇની પણ હિતકારી સલાહ ન સ્વીકારી બધાંને અપમાનિત કરતો હતો.
અંતે ભગવાન શ્રીરામ દ્વારા તેનો વધ થયો.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like