પ્રિ-પેઇડ રિક્ષા સર્વિસ માટે મ્યુનિ. કોર્પો. ૩૦ બુથ ફાળવશે

અમદાવાદ: અમદાવાદમાં આગામી દિવસોમાં ઉતારુઓને પ્રિપેઇડ રિક્ષા સર્વિસ ‘નમસ્તેજી’ની સુવિધા મળવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. એક ખાનગી કંપનીને ‘નમસ્તેજી’ નામ હેઠળ પ્રિપેઇડ રિક્ષા સર્વિસ શરૂ કરવાની રાજ્યના રોજગાર અને તાલીમ વિભાગના નિયામકના ગત તા.૩ ડિસેમ્બર, ર૦૧પના પત્ર અને શહેર ટ્રાફિકના અધિક પોલીસ કમિશનરના ના વાંધા પ્રમાણપત્રના આધારે મ્યુનિ. સત્તાવાળાઓએ ગઇ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ તાકીદની દરખાસ્ત મૂકી હતી.

તંત્રની આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર મારતાં હવે કોર્પોરેશન દ્વારા શહેરના છ ઝોનમાં ઝોન દીઠ પાંચ બૂથ મળીને કુલ ૩૦ બૂથને એક વર્ષના પ્રાયોગિક ધોરણે લીલી ઝંડી અપાશે. આ માટે તંત્ર બૂથ દીઠ છ ફૂટ બાય ચાર ફૂટની જગ્યા ફાળવશે અને બૂથને અડીને આવેલા પ્લોટનું જંત્રી ભાવના દસ ટકા જેટલું વાર્ષિક ભાડું વસૂલશે.

હાલની પ્રયોગિક ધોરણે ‘નમસ્તેજી’ની સર્વિસને ભવિષ્યમાં મ્યુનિ. તંત્રના સ્માર્ટકાર્ડ હેઠળ પણ આવરી લેવાશે. ટ્રાફિક વિભાગ દ્વારા ‘નમસ્તેજી’ માટે ખાનગી કંપનીને ૬૦૦ બુૂથની એનઓસી આપી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ અત્યારે તો ૩૦ બૂથ પર જ સીસી ટીવી કેમેરા સહિતની સર્વિસનો પ્રારંભ કરાશે.

You might also like