મુંબઈમાં પ્રિ-મોન્સૂન કહેરઃ ૮થી ૧૦ જૂન વચ્ચે તોફાની વરસાદની આગાહી

મુંબઇ: મુંબઇમાં ઝંઝાવાતી પવન સાથે થયેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ચોમાસા પૂર્વે આવેલા વરસાદના કારણે મુંબઇનાં અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયાં હતાં, જ્યારે મુંબઇ નજીક ભિવંડીમાં દીવાલ પડવાથી એકનું મોત થયું હતું અને પાંચ ઘાયલ થયા હતા. મુંબઇમાં ગઇ કાલે રાત્રે ૭૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન કહેરના કારણે છેલ્લા ત્રણ દિવસમાં ૧૩ લોકોનાં મૃત્યુ થયાં છે. સ્કાયમેટે મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને ઘરની બહાર નહીંં નીકળવા સલાહ આપી છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી બે દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર અને ગોવા પહોંચવા આગાહી કરી છે.

કેરળ, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં ૭ જૂને તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઇ અને મહારાષ્ટ્રમાં વરસાદના કારણે રેલવે અને વિમાની સેવાઓ પ્રભાવિત થઇ છે. કેટલીયેે ટ્રેન મોડી દોડી રહી છે. મુંબઇ એરપોર્ટ પણ વરસાદની ચપેટમાં આવી જતાં ૧૮ ફલાઇટ ડાઇવર્ટ કરવી પડી હતી અને ઘણી ફલાઇટ મોડી પડી હતી.

ખાનગી એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે ૮થી ૧૦ જૂન વચ્ચે પશ્ચિમી સમુદ્રકાંઠા અને ખાસ કરીને મુંબઇમાં તોફાન સાથે ભારે વરસાદની શકયતા છે, જ્યારે હવામાન વિભાગે ૧૦ જૂન બાદ આ વિસ્તારોમાં પૂર આવવાની આગાહી કરી છે. ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ અગાઉ કેરળ પહોંચી ગયું હતું. તામિલનાડુ અને બંગાળના અખાતના દ‌િક્ષણ-પશ્ચિમનાં પૂર્વોત્તર રાજ્ય તરફ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે.

મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ૧૭૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. મુંબઇમાં અંધેરીમાં ૩૬ મિ.મી., વડાલામાં ૩પ, દહીંસરમાં ૪૩, ભાઇખલ્લામાં ૩૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. મુંબઇના વાલકેશ્વરમાં એક કાર પર વૃક્ષનો એક ભાગ તૂટી પડતાં કારને નુકસાન થયું હતું. મુંબઇમાં કુલ ૩૯ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં.

ઉત્તર ભારતમાં આજે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને પાટનગર દિલ્હીમાં તેજ આંધી અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

You might also like