કેન્દ્રમાં ભાઈની સરકાર છે પછી રામમંદિર માટે આંદોલનની જરૂર નથીઃ તોગડિયા

લખનૌ: વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ રામમંદિર મામલે મહત્ત્વનું નિવેદન જારી કર્યું છે. તોગડિયાએ એક બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાન પ્રવાસના મામલે તેમની ટીકા કરી હતી તો બીજી બાજુ રામમંદિર બનાવવા માટે મોદી સરકારને કાયદો ઘડવા જણાવ્યું હતું.

લખનૌમાં આયોજિત ધર્મ રક્ષાનિધિ અર્પણ કાર્યક્રમમાં તોગડિયાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં જ્યારે ‘ભાઈ’ની સરકાર છે તો રામમંદિર માટે આંદોલનની શી જરૂર છે? વિહિપ નેતા તોગડિયાએ જણાવ્યું હતું કે પોતાની જ સરકાર સામે કોઈ ક્યારેય આંદોલન કરે નહીં. તોગડિયાએ વધુમાં જણાવ્યું હતું કે રામમંદિર મુદ્દો અમારા માટે હવે રાજકીય મુદ્દો રહ્યો નથી. પ્રજા હવે ચૂંટણીમાં પક્ષ અને સરકારની કામગીરી જોઈને નિર્ણય કરે છે. સરદાર પટેલે સંસદમાં કાયદો પસાર કરાવીને સોમનાથ મંદિર બનાવ્યું હતું. પીએમ મોદીએ પણ સરદાર પટેલના રાહે ચાલવું જોઈએ. મોદી સરકારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવીને મંદિર નિર્માણ માટે કાયદો ઘડવો જોઈએ.

તોગડિયાએ જણાવ્યું હતું કે જે લોકો મંદિરનો વિરોધ કરી રહ્યા છે તેમના વિરોધ છતાં રામમંદિર બનશે જ. પાકિસ્તાનમાં તો અગ્નિસંસ્કાર માટે મંજૂરી આપવામાં આવતી નથી. તોગડિયાએ જણાવ્યું હતું કે દેશના લોકોમાં પાકિસ્તાનની વિરુદ્ધ ભારે આક્રોશ છે એટલે સુધી કે પાકિસ્તાનનું નિર્માણ જ ભારતના વિરોધના આધારે થયું હતું. નરેન્દ્ર મોદીની ચાનું પરિણામ પઠાણકોટમાં જોવા મળ્યું છે.

તોગડિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે વ્યક્તિગત જીવનમાં દોસ્તીનું મહત્ત્વ હોઈ શકે, પરંતુ દેશ માટે આ આત્મઘાતી પગલું છે. પાકિસ્તાન જો ખરેખર સુધરી ગયું હોય તો તેણે હા‌િફઝ સઈદ, દાઉદ ઈબ્રાહીમ, લખવી અને અઝહર મસૂદ ભારતના હવાલે કરી દેવા જોઈએ.

You might also like