પ્રત્યૂષા કેસઃ કોર્ટે રાહુલના આગોતરા જામીન નામંજૂર કર્યા

મુંબઇઃ મુંબઇના ડિંડોશી સેશન કોર્ટમાં દિવંગત અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જીના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ત્યારે હવે કોઇ પણ સમયે પોલીસ રાહુલની ઘરપકડ કરી શકે છે. અભિનેત્રીના મૃત્યુ પાછળ આરોપી રાહુલ રાજ સિંહે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. ત્યારે ગઇ કાલે પ્રત્યૂષાના પરિવાર તરફથી કેસ લડી રહેલા વકિલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે રાહુલના આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો.  તેમણે કહ્યું હતું કે આરોપી પર શંકાના ઘણા કારણો છે, તેથી જ તેને આગોતરા જામીન આપવામાં ન આવે.

પ્રત્યૂષાને મારતો હતો રાહુલઃ વકિલે કોર્ટમાં જણાવ્યું હતું કે 31 માર્ચે પ્રત્યુષાએ તેના અંગત મિત્રને ફોન કરીને રાહુલ અને સલોની શર્મા નામની યુવતીના સંબંધો અંગે વાત કરી હતી. તેણે એ વાત પણ કરી હતી કે રાહુલ તેના પૈસા ખોટી રીતે વેડફી રહ્યો હતો અને તેને મારતો પણ હતો. તે પ્રત્યૂષાને તેની માતા શોમા સાથે પણ વાત કરવા દેતો ન હતો.

શંકામાં સપડાયો રાહુલઃ ફાલ્ગુનીએ તેમની દલીલમાં જણાવ્યું હતું કે રાહુલ પાસે બીજી ચાવી હતી. તેણે તરત જ પોલીસને બોલાવવી જોઇતી હતી. આ મામલે તેનું વર્તન શંકાસ્પદ છે. જ્યાં સુધી સ્યુસાઇટ નોટની વાત છે તો બની શકે છે કે તેને તેણે હટાવી પણ દીધી હોય.

વકિલે લગાવ્યા અનેક આરોપઃ પ્રત્યૂષા ખૂબ જ મજબુત છોકરી હતી. તેણે થોડા દિવસ પહેલા જ એફઆઇઆર દાખલ કરાવી હતી કે તેના કાંદિવલી સ્થિત આઇસીઆઇસીઆઇ બેંક એકાઉન્ટમાંથી 24 લાખ રૂપિયા નિકાળવામાં આવ્યા હતા. અમને એ વાતનો વિશ્વાસ છે કે તે પૈસા રાહુલે જ નિકાળ્યા છે. રાહુલના અન્ય ઘણી યુવતીઓ સાથે સંબંધ હતા. તે છોકરીને હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયો. તેના પછી તેણે તેનો ફોન પણ બંધ કરી દીધો. તો રાહુલના બચાવમાં વકિલે એવી દલીલો પણ કરી હતી કે રાહુલની પોલીસ દ્વારા 14 કલાક પૂછપરછ ચાલી હતી.

You might also like