પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલે રાજે જણાવી કેટલીક ‘અજાણી’ વાતો

મુંબઈઃ પ્રત્યુષા બેનરજીના ડેથ કેસને એક મહિનાથી વધુ સમય વીતિ ગયો છે. જો કે હજુ પણ અે વાત સ્પષ્ટ થઈ શકી નથી કે તેણે સ્યુસાઈડ કર્યું છે કે પછી તેના માતા-પિતા કે ફ્રેન્ડ્સ દ્વારા બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહ પર લગાવાયેલો હત્યાનો અાક્ષેપ સાચો છે. રાહુલે કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે. તેણે અાપેલા અેક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હું પહેલા પરિણીત હતો. મારા પહેલા લગ્ન અંગે પણ પ્રત્યુષાને જાણ હતી. ૨૦૧૧માં મેં સોગતા મુખરજી સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ અા લગ્ન બે વર્ષથી વધુ ન ટક્યાં. અમે અરસપરસની સહમતિથી અલગ થયા અને ૨૦૧૩માં અમે ડિવોર્સ લીધા.

રાહુલે પ્રત્યુષાના મૃત્યુના દિવસ અંગે વાત કરતાં કહ્યું કે પ્રત્યુષા અને હું સવારે ૮.૩૦ વાગે નોર્મલ વાતો કરી રહ્યા હતા. તે ખૂબ જ ડ્રિંક લઈ ચૂકી હતી અને મેં તેણે રોકવાની કોશિશ પણ કરી હતી. ત્યારબાદ હું અમારા માટે ખાવાનું લેવા ચાલ્યો ગયો. પાછો ઘરે પહોંચ્યો અને મેં બેલ માર્યો ત્યારે દરવાજો બંધ હતો. ત્યારબાદ મેં પ્રત્યુષાને સતત કોલ કર્યા. કેટલાક મેસેજ પણ મોકલ્યા પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળ્યો.

નીચે જઈને મેં ડુપ્લિકેટ ચાવી બનાવવા અાપી. પડોશી નોકરની મદદ પણ લીધી. તે બાલ્કનીમાંથી ઘરની અંદર પહોંચ્યો અને દરવાજો ખોલ્યો. હું બેડરૂમમાં પહોંચ્યો અને મેં જોયું કે પ્રત્યુષા પંખા સાથે લટકેલી હતી. મેં તેને નીચે ઉતારીને મોઢા પર પાણી છાંટ્યું. પરંતુ તેને કોઈ રિસ્પોન્સ ન કર્યો. હું તેને લઈને સૌથી નજીક કોકિલાબહેન હોસ્પિટલ ચાલ્યો ગયો.

ડોક્ટરે જ્યારે પ્રત્યુષાને મૃત જાહેર કરી ત્યારે મેં પોલીસ અને તેના માતા પિતાને બોલાવ્યાં. હું અાઘાતમાં હતો અને ત્રણ કલાક સુધી હોસ્પિટલમાં રહ્યો પરંતુ જ્યારે મીડિયાના લોકોઅે મને બોલાવવાનું શરૂ કર્યું ત્યારે હું ડરી ગયો. હું તેમને તેમનો સામનો કરી શકવાની સ્થિતિમાં ન હતો અને પ્રત્યુષાનાં માતા-પિતા કે નિકટના લોકોનો પણ સામનો કરી શકું તેમ ન હતો.

હું વિશ્વાસ કરી શકતો ન હતો કે પ્રત્યુષા મને છોડીને ચાલી ગઈ છે. તેથી હું હોસ્પિટલમાંથી ચાલ્યો ગયો. મારો ફોન સતત વાગી રહ્યો હતો અને બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ પરંતુ પછીના દિવસે હું તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. રાહુલ વધુમાં એમ પણ જણાવે છે કે મેં કોઈ ખોટું કામ કર્યું નથી તેથી મને કોઈ ડર નથી. હું મારા શબ્દો પર અડગ છું અને દરેક અાક્ષેપોનો સામનો કરવા તૈયાર છું. પ્રત્યુષા મારા કારણે ખુદને મારી ન જ શકે.

You might also like