કોંગ્રેસની ડૂબતી નાવ પ્રશાંતના હાથમાં

દિલ્હીમાં સરકાર બનાવવા માટે ઉત્તરપ્રદેશ (યુપી) સર કરવું પડે. દિલ્હી દેશની રાજધાની છે પણ યુપી રાજકીય સત્તાની રાજધાની છે. પ્રાદેશિક પક્ષોથી રાષ્ટ્રીય પક્ષોની યુપીની આગામી વિધાનસભા ચૂંટણી પર નજર છે. ૨૦૧૭માં થનારી યુપીની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને હાલમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. બેઠક મળી તે સામાન્ય બાબત છે પણ આ મિટિંગમાં આશ્ચર્યજનક બાબત એ હતી કે બિનકોંગ્રેસી પ્રશાંત કિશોર જોવા મળ્યા હતા.

માહિતી પ્રમાણે કોંગ્રેસે પ્રશાંત કિશોરને પંજાબમાં કેમ્પેન સ્ટ્રેટેજિસ્ટ તરીકે પસંદ કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના એક સદસ્યના કહેવા પ્રમાણે જો પ્રશાંત પંજાબમાં અનિવાર્ય પરિણામ લાવવામાં સફળ રહ્યા તો કોંગ્રેસ ૨૦૧૯ સુધી તેમની સાથે કામ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે રાહુલ ગાંધીએ પંજાબનાં પરિણામોની રાહ જોયા વગર કિશોરને સાથે લઈને ચાલવાનું નક્કી કરી લીધું છે.

પ્રશાંત રાજકીય નેતાઓની ઇમેજને બ્રાન્ડ બનાવવામાં માહેર છે. નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી સુધીનો રોડમેપ બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. નીતીશ કુમારને બિહારમાં ફરીથી સત્તાનું સિંહાસન આપવામાં મોટો ફાળો છે. પ્રશાંતની સામે સૌથી મોટો પડકાર કોંગ્રેસને ઊભી કરવાની સાથે રાહુલ ગાંધીની ઇમેજને મજબૂત બનાવવાનો છે, કારણ કે નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારની લોકપ્રિયતા તેમના દમ પર હતી. પ્રશાંતની વ્યૂહરચનાકાર અને રણનીતિજ્ઞ તરીકેની હવે જ ખરી કસોટી છે કે કોંગ્રેસની ડૂબતી નૈયાને તેઓ કેવી રીતે પાર કરાવે છે.

You might also like