પ્રશાંત કિશોરને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણીની જવાબદારી સોંપાશે

નવી દિલ્હી: કોંગ્રેસના ચૂંટણી રણનીતીકાર પ્રશાંત કિશોરને આગામી વર્ષે યોજાનારી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી અંગેની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે આ અંગે હાલ તમામ તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી બાદ તેમને આ નવી જવાબદારી સોંપવામાં આ‍વશે. તેમની આ ચૂંટણી રણનીતિને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

હાલ પ્રશાંત કિશોરની ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડની ચૂંટણી અંગેની રણનીતિ ઘણી સફળ રહી છે. ઉત્તરપ્રદેશમાં ગઠબંધન માટે તેમણે કરેલા પ્રયાસો સફળ થયા છે. તેવી જ રીતે પંજાબમાં પણ તેમની રણનીતિ ઘણી અસરકારક રહી છે. તેવી જ રીતે ઉત્તરાખંડમાં તેમણે બનાવેલી રણનીતિથી ભાજપને તમામ તાકાત લગાવી ચૂંટણીમાં પ્રચાર કરવાની ફરજ પડી છે. તેથી કોંગ્રેસે તેમની આવી સફળતાને ધ્યાનમાં લઈને આગામી વર્ષે યોજાનારી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીની જવાબદારી પણ તેમને જ સોંપવા નિર્ણય કર્યો છે.

પાંચ રાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસ શરૂઆતમાં પાછળ રહી હોવાનું જણાતું હતું પણ પ્રશાંત કિશોરની રણનીતિના કારણે કોંગ્રેસ આ રાજ્યોમાં મજબૂતીથી ભાજપનો સામનો કરી શકે તેવી સ્થિતિમાં આવી ગઈ છે. યુપીમાં અનેક અટકળોના અંતે પણ ગઠબંધન થઈ જતા યુપીમાં ભાજપને વધુ કવાયત કરવી પડે તેવી સ્થિતી ઊભી કરી દીધી હતી.

http://sambhaavnews.com/

You might also like