રાષ્ટ્રપતિ ભવનમાં મુખરજીનો આજે આખરી દિવસઃ કાલે કોવિંદના શપથ

નવી દિલ્હી: દેશના ૧૩મા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ આજે સમાપ્ત થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે રાષ્ટ્રજોગ ઉદ્બોધન કરશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું વિદાય ભાષણ હશે. આજે સાંજે ૭-૩૦ કલાકે તેમનું વિદાય ભાષણ પ્રસારિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના ઉત્તરાધિકારી રામનાથ કોવિંદ દેશના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે આવતી કાલે મંગળવારે શપથ ગ્રહણ કરશે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રપ જુલાઇ, ર૦૧રના રોજ ભારતના ૧૩મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ અગાઉ સરકારમાં રહીને પ્રણવ મુખરજીએ વિદેશ, સંરક્ષણ, વાણિજ્ય અને નાણાં મંત્રાલય જેવા મહત્ત્વનાં મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. તેઓ ૧૯૬૯થી પાંચ વખત સંસદના ઉપલા ગૃહ (રાજ્યસભા) માટે અને ર૦૦૪થી બે વખત સંસદના નીચલા ગૃહ (લોકસભા) માટે ચૂંટાયા હતા.

૮૧ વર્ષીય પ્રણવ મુખરજી હવે વિશાળ રાષ્ટ્રપતિ ભવન છોડીને તેમના નવા નિવાસસ્થાન ૧૦, રાજાજીમાર્ગ ખાતે રહેશે. બ્રિટીશકાળના આ બંગલાની સાજસજ્જાનું કામ લગભગ પૂરું થઇ ગયું છે અને નવેસરથી તેનાં રંગરોગાન સાથે લોન અને બગીચાને તૈયાર કરવામાં આવ્યા છે. આ બે માળના બંગલામાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પણ પોતાની સેવાનિવૃત્તિથી લઇ મૃત્યુપર્યંત રહ્યા હતા. તેમના નિધન બાદ આ બંગલો કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન મહેશ શર્માને ફાળવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આ બંગલો ફાળવ્યા બાદ મહેશ શર્મા ૧૦, રાજાજીમાર્ગ આ નિવાસસ્થાનને ખાલી કરીને ૧૦, અકબર રોડ સ્થિત બંગલામાં રહેવા ચાલ્યા ગયા છે.
http://sambhaavnews.com/

You might also like