પ્રમુખસ્વામી પરમતત્વમાં લીન 

સીમાડા પાર કરીને ભારતીય સંસ્કૃતિ અને વારસાને કરોડો લોકોની સામે રાખનારા ‘નારાયણસ્વરૂપ’ પ્રમુખસ્વામીએ સમાજના કલ્યાણ માટે સાધુતાનો ભેખ ધર્યો હતો. ત્યાગ, વૈરાગ્યમુક્ત બ્રહ્મનિષ્ઠ, સ્વધર્મપરાયણ, મહર્ષિ સમાન સેવાભાવી પ્રમુખસ્વામી કરોડો લોકોના પ્રેરણાપથ હતા, છે અને સદાય રહેશે. તેમનું શરીરરૂપી ખોળિયું હવે હયાત નથી પણ સદીઓ સુધી તેમણે કરેલાં પુરુષાર્થ, કર્મો અને સતકાર્યો સદાકાળ પ્રજ્વલિત રહેશે જ. આવો, એ દિવ્યજીવનની અલૌકિક અનુભૂતિને વાગોળીએ…

જેમનું નામ સાંભળીને રોમેરોમમાં ચેતના પ્રગટવા લાગે, નિરાશામાં આશા જાગે, અંધકારમાં ઉજાસ ફેલાય એવા વિશ્વવંદનીય યુગપુરુષ શ્રી પ્રમુખસ્વામી મહારાજ (શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ મહારાજ) અક્ષરધામ સિધાવ્યા છે. ના સમાચાર ફેલાતાં વિશ્વભરમાં પથરાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ જાણે તેમની છત્રછાયા ગુમાવી દીધી હોય તેમ શોકમય બની ગયા છે. ભારત જ નહીં પણ સમગ્ર જગતે તેમના અમૂલ્ય પ્રદાનને બિરાદવ્યું છે.

હતા તો તેઓ સાધુ જ પણ ભારતનું એક પણ ક્ષેત્ર એવું નહીં હોય જેમણે પ્રમુખસ્વામીની નિષ્કામ ભક્તિને વંદન ન કર્યાં હોય. રાજકીય, આર્થિક, સામાજિક, રમતગમત, અભિનયજગતથી લઈને અનેક ક્ષેત્રોના મહાનુભાવોએ શોક પ્રગટ કર્યો છે. કેમ ન કરે, તેમણે ભારતીય સંસ્કૃતિને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરવાનું મહાન કાર્ય કર્યું છે. તેમની સામે કોઈ અમીર કે ગરીબ ન હતું. સૌ તેમના સહિયારા હતા.

વિશ્વવિખ્યાત કાર્ડિયાક સર્જ્યન ડૉ.વી.એ.સુબ્રમણ્યમને ર૦ ડિસેમ્બર, ર૦૦૦ના રોજ એક ટીવી ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, “આપે ર૦,૦૦૦ જેટલાં ઓપરેશન કર્યાં એ દરમિયાન કોઈ વિશિષ્ટ અનુભવ થયો છે?” તેના પ્રત્યુત્તરમાં ડૉ. સુબ્રમણ્યમે કહ્યું કે, “લેનોક્સ હિલ હોસ્પિટલમાં પ્રમુખસ્વામી મહારાજની સર્જરી વખતે મને એક અદ્વિતીય અનુવ થયો હતો. તેમના હૃદયનો મેં જ્યારે સ્પર્શ કર્યો અને હાથમાં લીધું ત્યારે મને દિવ્ય અનુભૂતિનો સાક્ષાત્કાર થયો હતો.”

હ્ય્દયનાં હજારો ઓપરેશન કરનાર આ પ્રખ્યાત તબીબની જેમ દેશ-વિદેશમાં લાખો-કરોડોનાં જીવનને દિવ્યતા અને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવનાર બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા પ્રમુખસ્વામી મહારાજે હવે આ ધરતી પરથી સ્થૂળ સ્વરૂપે વિદાય લીધી છે. તેમનો પાર્થિવ દેહ ભલે પંચમહાભૂતમા વિલીન થઈ ગયો હોય પરંતુ કરોડો લોકોનાં હૃદયમાં તેમનું સ્થાન યુગો સુધી અજરઅમર રહેશે.

૧૩, ઓગસ્ટના રોજ સાંજે ૬ વાગ્યે પ્રમુખસ્વામીએ ૯પ વર્ષની ઉંમરે પવિત્ર એવી સાળંગપુરની પાવન ધરતી પરથી પરમ ગમન કર્યું. જે સમાચાર ફેલાતાં જ વિશ્વભરના કરોડો સત્સંગીઓ અને ભાવિકોમાં શોકની લાગણી છવાઈ અને દેશ-દુનિયામાંથી સત્સંગીઓનો પ્રવાહ સાળંગપુર તરફ આવવા રવાના થઈ ગયો હતો. સાળંગપુરમાં પોતાના ગુરુ કે માર્ગદર્શકનાં અંતિમ દર્શને આવતા લાખો લોકો પોતાના પરિવારના સ્વજન ગુમાવ્યા હોય એવી ભાવના અનુભવી રહ્યા હતા.એક યુગપુરુષને અંતિમ વિદાય આપવા ભાવિકો જે રીતે શક્ય બન્યું તે રીતે સાળંગપુર પહોંચ્યા હતા.

માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશથી સંતો, સ્વયંસેવકો અને સત્સંગીઓના આગમનથી સાળંગપુર રીતસર ઉભરાયું હતું અને શેરીઓ ટૂંકી પડી રહી હતી. જ્યાં નજર કરો ત્યાં ભાવિકોનો સાગર ઘૂઘવતો હતો અને તેમની આંખોમાંથી અશ્રુઓનો દરિયો વહી રહ્યો હતો. દરેકના ચહેરા પર પ્રમુખસ્વામીના પરમધામ ગમનનો વિષાદ હતો. આ ગ્લાનિ અને આંસુ પ્રમુખસ્વામીએ તેમના જીવનમાં લાવેલા આધ્યાત્મિક પરિવર્તનના ઋણ અદા કરવા માટેનાં હતાં.

હું સાળંગપુરનો ને સાળંગપુર મારું
ભગવાન સ્વામિનારાયણ ગઢડા ધામ માટે એવું કહેતાં કે હું ગઢડાનો ને ગઢડા મારું. તેમ પ્રમુખસ્વામીનો જે રીતે પ્રેમ સાળંગપુર પ્રત્યે હતો એ જોતાં એવું કહી શકાય કે પ્રમુખ સ્વામી સાળંગપુરના ને સાળંગપુર પ્રમુખ સ્વામીનું. ભગવાન સ્વામિનારાયણ અને યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીનું આ ગામ છે. આ ગામનું સદ્ભાગ્ય છે કે અહીંયાં સાક્ષાત્ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ બિરાજે છે. જેમની સ્થાપના ગોપાળાનંદ સ્વામીએ કરી હતી.

આ સાળંગપુર એટલે બીએપીએસનું બીજું મંદિર. બોચાસણ પછી શાસ્ત્રીજી મહારાજે સાળંગપુરમાં બીજું મંદિર બનાવ્યું હતું. એ મંદિરના કોઠારી તરીકે ૨૪ વર્ષની ઉંમરે પ્રમુખસ્વામીને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રમુખસ્વામી યુવાવયમાં અવારનવાર સાળંગપુર જતા. શાસ્ત્રીજી મહારાજને પણ સાળંગપુર અનહદ વહાલું હતું. ત્યાં સુધી કે શાસ્ત્રીજી મહારાજે તેમના અંતિમ શ્વાસ પણ અહીં જ લીધા હતા. જ્યારે પ્રમુખસ્વામીને એવું લાગ્યું કે કાયારૂપી શરીર હવે સાથ નહીં આપે ત્યારે તેમણે સાળંગપુર ખાતે રહેવાનો નિર્ણય કર્યો હતો. જિંદગીના છેલ્લા એટલે કે ૧૩૦૦થી વધુ દિવસો તેમણે સાળંગપુરને આપ્યા અને અંતે આ જ ધરતી પરથી પરમધામ સિધાવ્યા.

અંતિમ દર્શન માટે વિશેષ વ્યવસ્થા
ગુજરાતમાં એવું કદાચ પહેલી વાર બન્યંુ છે કે કોઈ સંત મહાપુરુષનો દેહવિલય થયા બાદ ચાર દિવસ સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાયો હોય. દરેક ભાવિકો પ્રમુખસ્વામીનાં અંતિમ દર્શન કરી શકે તે હેતુથી સંસ્થા દ્વારા ૧૪થી ૧૭ ઓગસ્ટ સુધી સાળંગપુર મંદિરની સામે આવેલા વિશાળ પરિસરમાં તેમના દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ૧૩મીએ સાંજે દેહવિલય થયો તે જ દિવસે રાત્રે તેમના પાર્થિવ દેહને મોટી પાલખીમાં પરિસરમાં ઊભા કરવામાં આવેલા વિશાળ ડૉમમાં લવાયો હતો જ્યાં રાતથી જ ભાવિકોનો પ્રવાહ બાપાનાં અંતિમ દર્શને ઊમટ્યો હતો.

પુપ્રમુખસ્વામી મહારાજના દેહવિલયના સમાચાર વાયુવેગે ફેલાતા વિશ્વભરમાંથી ભાવિકોનો પ્રવાહ તેમના અંતિમ દર્શનાર્થે ઊમટી પડવાના પૂરા અંદાજ સાથે સંસ્થાના વરિષ્ઠ સંતોએ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય અને દરેકને દર્શનનો લાભ મળે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી હતી. પરિસરમાં ત્રણ ડૉમ ઊભા કરાયા હતા. જેમાં વચ્ચેના ડૉમમાં ખાસ કાચની કેબિનમાં પાલખીમાં પ્રમુખસ્વામીના દેહને સમાધિ અવસ્થામાં અંતિમ દર્શનાર્થે રખાયો હતો. જ્યારે એક ડૉમમાં પુરુષો અને બીજા ડૉમમાં મહિલાઓને પ્રવેશ અપાતો હતો. ક્યાંય કોઈ ધક્કામુક્કી ન થાય કે વ્યવસ્થા ખોરવાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. હજ્જારો ભાવિકોનો પ્રવાહ બાપાનાં અંતિમ દર્શનાર્થે ઊમટી પડ્યો હતો અને કલાકો સુધી કતારમાં ઊભા રહેવા છતાં ક્યાંય કોઈ ઉચાટ જોવા મળ્યો ન હતો.

બોટાદ અને બરવાળા બંને તરફથી આવતાં વાહનોની લાંબી કતારો ચાર દિવસ સુધી રહી હતી. વાહનોનુ પાર્કિંગ મંદિર પરિસરથી ત્રણેક કિલોમીટર દૂર રખાયું હતું છતાં વિશાળ પાર્કિંગમાં વાહનોનો ખડકલો થઈ ગયો હતો. શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે અલગઅલગ જિલ્લાના લોકો માટે તારીખવાર દર્શનાર્થે આવવા કહેવાયું હતું.દરેક ભાવિકોને દર્શન કરી નીકળી જવાનું કહેવાતું અને ભાવિકો પણ દર્શન કરીને સ્વયંભૂ નીકળી જતા હતા.

વડા પ્રધાન સહિતના રાજનેતા
પ્રમુખસ્વામીનાં અંતિમ દર્શને આવવાના હોવાથી મંદિર પરિસરમાંની બાજુમાં જ ખાસ હેલિપેડ ઊભું કરાયું હતું. ટ્રાફિક અને સુરક્ષા જળવાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેના લીધે લાખો લોકોની અવરજવર હોવા છતાં કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

અગ્નિસંસ્કારઃ ગુરુ-શિષ્યનું અનોખું મિલન
પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજની જ્યાં અંતિમવિધિ કરાઈ હતી એ સાળંગપુર ધામમાં જ પ્રમુખસ્વામીએ અંતિમ શ્વાસ લીધા અને તેમની અંત્યેષ્ટિ પણ શાસ્ત્રીજી મહારાજની અંતિમવિધિના સ્થળ નજીક કરવામાં આવતાં પરમ ગુરુ-શિષ્યનું અનોખું મિલનબિંદુ પવિત્ર સાળંગપુર ધામ બન્યું હતું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ઇચ્છા મુજબ જ મંદિરમાં સહજાનંદ સ્વામીની મુખ્ય પ્રતિમાની તથા શાસ્ત્રીજી મહારાજની નજર જ્યાં પડે તેવા સ્થળને પ્રમુખસ્વામીની અંતિમવિધિ માટે પસંદ કરવામાં આવ્યું હતું.

રાજનેતાઓ અંજલિ આપવા પહોંચ્યા
વિશ્વભરમાં ભારતીય ધર્મસંસ્કૃતિની ધજા લહેરાવનાર પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન માટે ભાવિકો ઉપરાંત દેશભરમાંથી રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ સાળંગપુર આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના અનેક રાજનેતાઓએ પ્રમુખસ્વામીને અંજલિ આપી હતી. વીવીઆઈપીની મુલાકાતનો પ્રવાહ પણ અવિરત ચાર દિવસ સુધી ચાલુ રહ્યો હતો.

સ્વતંત્રતા દિન નિમિત્તે ૧પ ઓગસ્ટે દિલ્હીમાં લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ સાળંગપુર પહોંચ્યા હતા. અહીં પ્રમુખસ્વામીના પાર્થિવ દેહ સામે તેઓ થોડો સમય પલાંઠી વાળીને બેઠા રહ્યા હતા અને પ્રદક્ષિણા તથા આરતી કરીને અંજલિ અર્પણ કરી હતી. આ ક્ષણે પ્રમુખસ્વામી સાથેની સ્મૃતિઓ વાગોળતાં તેઓ ભાવુક બન્યા હતા. તેમણે કહ્યું કે, “ઘણાં લોકોએ તો ગુરુ ગુમાવ્યા હશે, પરંતુ મેં તો પિતા સમાન પ્રેમ આપનાર ગુમાવ્યા છે. એવા અનેક પ્રસંગો છે કે પ્રમુખસ્વામીએ મને પ્રેરણા આપી હોય અને મારી ચિંતા પણ કરી હોય. તેઓ મારા ભાષણની વીડિયો સીડી મગાવીને ટાઈમ મળે ત્યારે સાંભળતા અને ભાષણમાં અમુક શબ્દો તારે ન બોલવા જોઈએ તેમ કહીને ટોકતા પણ હતા.” આવા પ્રસંગોને યાદ કરતાં ભાવુક બનીને તેઓ રડી પડ્યા હતા.

સંપ્રદાયના પાંચમા આધ્યાત્મિક ગુરુ હતા
પ્રમુખસ્વામી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચમા આધ્યાત્મિક ગુરુ હતા. ગુણાતીતાનંદ સ્વામી, ભગત મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ. તેમની વિદાય બાદ હવે છઠ્ઠા ગુરુપદે મહંત સ્વામીની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રમુખસ્વામીએ મહંત સ્વામીને અગાઉથી જ જવાબદારી સોંપી હતી

આ સંતાન સંસારનાં અનેક જીવનનો અંધકાર દૂર કરશે
૭ ડિસેમ્બર, ૧૯૨૧. વડોદરા પંથકથી અંદાજે ૨૫ કિમીના અંતરે વસેલું ચાણસદ ગામ. ખેતી અને પશુપાલન કરીને ભક્તિભાવથી ગુજરાન ચલાવતા મોતીભાઈ પટેલ અને દિવાળીબહેનનું ઘર સ્વામિનારાયણના સત્સંગે રંગાયેલું હતું. સવારનો સૂરજ સોળે કળાએ ખીલી ગયો હતો અને લગભગ આઠેક વાગવા આવ્યા હતા. ખોરડાના ફળિયામાં પાંચ બાળુંડાં રમતાં હતાં અને છઠ્ઠાનો જન્મ થયાનો મધુર રણકો સંભળાયો. મોતીભાઈએ જ્યારે તેમના છઠ્ઠા સંતાનને હાથમાં લીધું ત્યારે તેનું તેજ અતુલ્ય હતું. એ ચહેરામાં કંઈક અનોખું હતું જે દિવ્ય પરમાત્માનો સંકેત બતાવતું હતું પણ હરખના એ સમયમાં કદાચ તેમને એ ધ્યાન પણ નહીં ગયું હોય કે જે દીકરો તેમની ગોદમાં છે એ હજારો મુમુક્ષોનું કલ્યાણ કરશે.

ચહેરાથી શાંત, સૌમ્ય અને સહજ લાગતા આ બાળકનું નામ પણ શાંતિલાલ પાડ્યું. માતા દિવાળીબહેનનો પરિવાર તો ભગતજી મહારાજ (જેઓ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા)ના યોગથી સ્વામિનારાયણમય બન્યો હતો. મોતીભાઈએ તેમના દીકરાની ખુશીના સમાચાર ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજને આપ્યા. જાણે વર્ષોથી રાહ જોતા હોય એમ શાસ્ત્રીજી મહારાજ શાંતિલાલને દર્શન આપવા જલદી જલદી પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલની આંખોમાં સ્વામિનારાયણ સંપ્રદાયની દૂરંદેશી નિહાળી લીધી હોય તેમ બોલ્યા, “ભક્તરાજ, આ બાળકનો જન્મ તમારે ત્યાં ભલે થયો હોય પણ આ તો અમારું બાળક છે. સમય આવશે અમે તેને બોલાવીશું અને તમે આનાકાની ન કરશો, કારણ કે આ માત્ર તમારો સંસાર ચલાવવા નહીં પણ હજારો જીવોના અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવવાનું કામ કરશે.”

ગુરુની વાતને આજ્ઞા માનીને ત્યારે તો મોતીભાઈએ વધાવી લીધી પણ હકીકતમાં તેમને સપને પણ એ ખ્યાલ ન હતો કે શાંતિલાલ એક દિવસ પહેરેલાં કપડે ઘરનો ત્યાગ કરીને સંન્યાસી જીવન અપનાવી લેશે. સમય વીતતો ગયો ને શાંતિલાલ પા પા પગલી કરતાં કરતાં ચાલવા લાગ્યા હતા. સમજણા થતાંની સાથે શાંતિલાલ ભણવાની સાથે ભગવાન ભક્તિમાં પણ એટલો જ રસ દાખવતા. શાંતિલાલના શર્ટમાં બટન હોય કે ન હોય પણ ગળામાં કંઠી અને ભાલમાં તિલક અવશ્ય હોય.

વેદ, પુરાણ, રામાયણ, મહાભારત અને સત્સંગી જીવન બાળપણથી રસપાન કરતા અને કદાચ તેમને એટલે જ ઇતિહાસ વિષય પણ વધુ પસંદ હતો. ઘરકામમાં મદદ કરવી, વડીલોની આજ્ઞા માનવી, ગામલોકોને જરૂર પડે ત્યારે મદદ કરવી, કોઈ બીમારની સેવા કરવી એ તેમને પારણેથી મળેલા સંસ્કાર હતા અને શાંતિલાલને સમાજસેવામાં બહુ રસ પડતો.

હવે બાળ શાંતિલાલ કિશોર બની ગયા હતા ને ભણવા માટે હવે ફરજિયાત પાદરા જવું પડે તેમ હતું. ગામની શાળામાં આગળનું ભણતર ન હોવાથી શાંતિલાલને છઠ્ઠા ધોરણથી પાદરાની શાળામાં જવું પડ્યું. ચાણસદથી પાદરા વચ્ચે સાતેક કિમીનું અંતર પણ તેમની પાસે સાઇકલ હતી નહીં ત્યારે મિત્ર અંબાલાલે તેની સાઇકલની સવારીનો સાથ આપ્યો. ક્યારેક અંબાલાલ સારથી બને તો ક્યારેક શાંતિલાલ. આ સફર ઘણા દિવસો ચાલી પણ એક દિવસ મોતીભાઈએ શાંતિલાલ માટે સાયકલ ખરીદીને આપી.

પાદરામાં મિત્રો વધ્યા અને સંગાથ માણવાની મજા આવવા લાગી પરંતુ ભગવાન સાથેનો તેમનો સાદ ક્યારેય વિસરાતો નહોતો. જ્યારે જ્યારે સમય મળે ત્યારે તેઓ આસપાસનાં મંદિરમાં ચાલતી કથાઓ સાંભળતા કાં તો ભજન-કીર્તન કરવામાં વધારે રસ દાખવતા. જોકે ક્રિકેટ સાથે તેમને એક લગાવ ચોક્કસ બંધાઈ ગયો હતો. બધું જ કામ પતી જાય અને નવરાશનો સમય હોય ત્યારે પોતાના માટે સમય કાઢીને બેટ-દડો હાથમાં લઈને મિત્રો સાથે રમવા જતા અથવા તો નદી-તળાવમાં નહાવા જવાનું પસંદ કરતા. ક્રિકેટમાં રસ જરૂર હતો પણ ભગવદ્ કાર્ય માટે તેઓ ક્રિકેટ રમવાનું ટાળતા.

૭ નવેમ્બર, ૧૯૩૯નો દિવસ હતો. પિતા પાસેથી રૂપિયા લઈને ક્રિકેટનાં સાધનો ખરીદવા માટે શાંતિલાલ વડોદરા જવા નીકળ્યા અને રસ્તામાં તેમને ભાયલી ગામના રાવજીભાઈ મળી ગયા. તેમણે શાંતિલાલને અટકાવીને કહ્યું કે ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ તમને યાદ કરે છે અને આ પત્ર આપ્યો છે. હરખાતાં હરખાતાં તેમણે ગુરુનો પત્ર વાંચ્યો તો તેમાં લખ્યું હતું કે સાધુ થવાનો સમય આવી ગયો છે એટલે જલદી આવો.

શાંતિલાલે વડોદરા તરફ જવાની દિશાને ઘર તરફ ફેરવી નાખી. જીવનમાં કંઈક મેળવી લીધાનો આનંદ થયો હોય તેમ તેમણે ઘરે દોટ મૂકી અને પિતાને સવિસ્તર વાત કરીને ચિઠ્ઠી આપી. મોતીભાઈ પણ ભૂતકાળનાં સંસ્મરણોને યાદ કરીને ગુરુએ કહેલા બ્રહ્મશબ્દોને યાદ કર્યા અને હવેના શાંતિલાલના દરેક કદમ આધ્યાત્મિક પથ પર પડી રહ્યા હતા. ભાયલી ગામ જઈને શાંતિલાલ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળ્યા.

શાંતિલાલમાંથી નારાયણસ્વરૂપદાસ સ્વામી
શાંતિલાલનું આગમન થતાં જ શાસ્ત્રીજી મહારાજની આંખોમાં ચમક આવી ગઈ. શાંતિલાલની મરજી જાણ્યા બાદ શાસ્ત્રી મહારાજે તેમને પાર્ષદની દીક્ષા આપી. થોડા મહિના સફેદ વસ્ત્રોમાં રહ્યા અને શાસ્ત્રી મહારાજે ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ના સંપ્રદાયની પરંપરા પ્રમાણે ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી. ગૃહસ્થ જીવનમાં રહેલું શાંતિલાલ નામ સંન્યાસી જીવનમાં બદલાઈને નારાયણસ્વરૂપદાસ કરવામાં આવ્યું. ૧૮-૧૯ વર્ષના નારાયણસ્વરૂપદાસ ગુરુની સેવામાં કોઈ કસર ન રહેવા દેતા.

સવારમાં કોઈ ન ઊઠ્યું હોય તે પહેલાં ઊઠીને મંદિરની સાફસફાઈ સાથે ગુરુ અને અન્ય વડીલ સંતોનાં કામો નિપટાવી નાખતાં. નારાયણસ્વરૂપદાસની સેવા તો અનન્ય હતી પણ સેવાની સાથે તેમણે ભટકેલા સમાજને રાહ દેખાડવાનો હતો. ગુરુ આજ્ઞાનુસાર તેઓ શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે ખાસ પેટલાદ ખાતે સંસ્કૃત પાઠશાળામાં ગયા જ્યાં અનેક જ્ઞાની પંડિતો સાથે તેમનો યોગ થયો. જીવનના અનેક સારાનરસા પાઠ શીખવા મળ્યા. સંસ્કૃતમાં નારાયણસ્વરૂપદાસ સિદ્ધ થયા અને શાસ્ત્રીની પદવી મેળવી શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા.

અત્યાર સુધી તેમના હાથમાં બહુ જવાબદારી સોંપાઈ નહોતી પણ હવે જે કામ સોંપવાનું હતું એ કઠિન હતું. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો નિર્ણય થયો કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના આગામી નિર્ણયકર્તા શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ સ્વામી. સૌ હરિભક્તોએ અને સંતોએ તેમના આ આવકારને વધાવી લીધો. ત્યારે તેમની ઉંમર પચ્ચીસ વર્ષ માંડ હશે. ૨૧ મે, ૧૯૫૦ના રોજ તેમને વિધિવત્ રીતે સંસ્થાનું સુકાન સોંપવામાં આવ્યું અને સૌએ તેમને લાડથી કહ્યું ‘પ્રમુખ સ્વામી’

પ્રમુખસ્વામીએ સંતની વ્યાખ્યા સાર્થક કરી
પ્રમુખસ્વામી સાધુ બન્યા એટલે સંત ન હતા પણ ધર્મગ્રંથોમાં જે સંતની વ્યાખ્યા આપી છે તેને સાર્થક કરી બતાવી છે. સંત કોને કહેવાય ‘બ્રહ્મસ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા રાખીને પરબ્રહ્મની ઉપાસના કરનાર બ્રહ્મદર્શી મહાપુરુષને સંત કહે છે’ આવા સંત પુરુષનાં ચરણોમાં દેવો, દાનવો અને માનવો મસ્તક નમાવીને આશીર્વાદ માગે છે અને ફળીભૂત થાય છે. શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઈત્યાદિ સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય.’ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સંતમહિમા વર્ણવતા આ દેવવાણી કહી હતી.

વિશ્વને સંપ્રદાયના સિદ્ધાંતો સમજાવ્યા
શાસ્ત્રીજી મહારાજની ઉંમર હવે કાયાને વધુ સાથ આપી શકે તેમ ન હતી એટલે તેઓ સાળંગપુર ખાતે જ વિશ્રામ કરતા હતા. યોગીજી મહારાજ સાથે રહીને પ્રમુખસ્વામી વધુ ને વધુ સમાજનું હિત કેમ કરી શકાય તે શીખતા અને તેમની સાથે વિચરણ કરતા. હજી તો સંસ્થાનું સુકાન સંભાળ્યાને એક વર્ષમાં ૧૧ દિવસ બાકી હતા ત્યારે ગુરુવર્ય શાસ્ત્રી મહારાજે સાળંગપુર ખાતે અંતિમ શ્વાસ લીધા. આ આઘાત બહુ વસમો હતો પણ જેઓ ધર્મને ઘોળીને પી ગયા હોય તેમને ખ્યાલ જ હોય છે કે દેહરૂપી ખોળિયંુ એક દિવસ પંચમહાભૂતમાં વિલીન થવાનું જ છે. શાસ્ત્રીજી મહારાજના અક્ષરવાસ પછી તેમને યોગીજી મહારાજની સંપૂર્ણ નિશ્રા મળી.

અંધશ્રદ્ધા દૂર કરવા, વ્યસનમુક્ત સમાજ માટે પ્રયાસો કર્યા
યોગીજી મહારાજની સાથે પ્રમુખસ્વામીએ ગુજરાતનાં અનેક ગામડાંમાં સત્સંગ પ્રચાર-પ્રસારનું કામ કર્યું. સાથેસાથે સમાજમાં ચાલતી અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કર્યું. વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું અને ગામોગામ તેની અસર દેખાવા લાગી. જે ગામોની સવાર-સંધ્યા દારૂના નશામાં જ થતી એ ગામોમાં સવાર-સાંજ મંદિરોમાં આરતીનો રણકાર થવા લાગ્યો. લોકો મહેનત કરીને રોટલો ખાવા લાગ્યા અને સુખની અનુભૂતિ થવા લાગી. ગુજરાત ભ્રમણ કરતાં કરતાં યોગીજી મહારાજે પ્રમુખસ્વામીને વિદેશપ્રવાસ જવા માટે કહ્યું. પ્રમુખસ્વામી માટે વિદેશની ધરતી પર પગ મૂકવાનું પ્રથમ વખત બની રહ્યું હતું. ૨૪ ઓક્ટોબર, ૧૯૬૦ના યોગીજી મહારાજ સાથે તેમણે ઈસ્ટ આફ્રિકાનો પ્રવાસ કર્યો ત્યારે તેમને એ વધુ સમજાયું કે માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર જગતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોના ફેલાવની જરૂર છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંદ સંતોની પરંપરાને સર્વોપરી માનવામાં આવે છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણે નંદ સંતોને દીક્ષા આપી હતી. તેમાંના એક એટલે ગુણાતીતાનંદ સ્વામી. બીમાર હોય તેની સેવા-સુશ્રૂષા કરીને નિરોગી બનાવવા એ તેમનું કર્મ હતું અને તેમનો મંત્ર એક જ હતો સ્વામિનારાયણ. તેમનો સંકલ્પ હતો કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજવું જોઈએ. જે સંકલ્પને પૂરો કરવાનું પ્રમુખસ્વામીએ હાથમાં લીધું. પ્રમુખસ્વામીએ ગુજરાત બહાર પણ સારા સમાજના નિમાર્ણમાં હેતુથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ વધારવાની શરૂઆત કરી દીધી.

યોગીજી મહારાજ પ્રમુખસ્વામીનાં સતકાર્યો જોઈ રાજી થતા પણ હવે તેમનો અક્ષરધામ જવાનો સમય આવી ગયો હતો. યોગીજી મહારાજે ૨૩ જાન્યુઆરી, ૧૯૭૧ના અંતિમ શ્વાસ લીધા અને તમામ જવાબદારી પ્રમુખસ્વામીના માથે આવી ગઈ. હરિભક્તોએ પ્રમુખસ્વામીને ગુરુપદે બિરાજમાન કરાવ્યા. પ્રમુખસ્વામીએ પણ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પો પૂરા કરવા દેહની ચિંતા કર્યા વગર આકરામાં આકરો પરિશ્રમ કર્યો. ઘરેઘરે જઈને લોકોને સમજાવીને જીવનનો સાચો રાહ બતાવતા.

સંપ, સહકાર અને સેવાની સમજ આપી
યોગીજી મહારાજના અક્ષરવાસ પછી પ્રમુખસ્વામીએ બીએપીએસના વિકાસ અને સત્સંગકાર્ય માટે સમાજ માટે ભેખ ધરીને કામ કરી શકે તેવા સ્વયંસેવકો અને સંતોનું સંગઠન બનાવ્યું. આખાય ગુજરાતનો કોઈ એવો ખૂણો નહીં હોય જ્યાં આ તપસ્વીએ પગ નહીં મૂક્યો હોય. ભારતભરમાં વિચરણ કરીને એવાં એવાં સ્થળોએ સ્વામિનારાયણનું નામ પહોંચાડ્યું જેનું સરનામું પોસ્ટઓફિસ નથી હોતું.

સ્વામિનારાયણના નામ સાથે તેમણે સમાજમાં સંપ, સહકાર અને સેવાની સમજ આપી. તેમનો તો એક જ જીવનમંત્ર હતો ‘બીજાના ભલામાં આપણું જ ભલું છે’. ક્યાંક નાની કે મોટી કુદરતી આફત આવી પડે એટલે પ્રમુખસ્વામીના રાહતકાર્યનો રથ સૌથી પહેલાં પહોંચી જાય.

જ્ઞાતિ, ધર્મ અને વાદને લઈને પીડાતા માનવીઓને સમરસ બનાવીને એક મંચ પર લાવવાનું ભગીરથ કાર્ય કરવાનું સૌથી મહાન કામ તેમણે કર્યું છે. સગવડ-અગવડની વચ્ચે તેમણે ધરતી પર અક્ષરધામનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો અને બીએપીએસનું સૌથી મોટું મંદિર ૧૯૯૨માં ગાંધીનગર ખાતે બન્યું. અક્ષરધામ ગાંધીનગર એ આજે ગુજરાતનું ગૌરવ બની ગયું છે.

તેમની ખ્યાતિ દુનિયાભરમાં જેમજેમ વધતી ગઈ તેમતેમ તેમનું જીવન વધુ સાત્ત્વિક બની ગયું. અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટન હોય કે ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી કે સામાન્ય ઘરનો નાગરિક તેમના માટે દરેક એક માણસ જ હતા.

પ્રમુખસ્વામીના અનુગામી બન્યા મહંત સ્વામી
પ્રમુખસ્વામીના અનુગામી તરીકે અને બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ બન્યા છે તેવા મહંત સ્વામીનું નામ અન્ય લોકો માટે અજાણ્યું હશે પરંતુ સત્સંગીઓમાં નહીં. મહંત સ્વામી પાંચ દાયકાથી પ્રમુખસ્વામીની નિકટ રહ્યા છે અને પ્રમુખસ્વામી બાદ અધિકૃત રીતે તેઓ સંસ્થાના નવા વડા નિયુક્ત કરાયા છે. પ્રમુખસ્વામીએ ર૦ જુલાઈ, ર૦૧રના રોજ એક પત્ર લખીને તેમના ઉત્તરાધિકારી નિમ્યા હતા. ૯૦૦ જેટલા સાધુ જે સંસ્થામાં છે તે બીએપીએસના વરિષ્ઠ સંતોમાં મહંત સ્વામીનું નામ આદરથી લેવાય છે.

પ્રમુખસ્વામીના આદેશથી મહંત સ્વામીએ દેશવિદેશમાં વિચરણ કરી સંપ્રદાયનાં મૂલ્યોને સમાજ સુધી પહોંચાડ્યાં છે. મહંત સ્વામી પણ નાનપણથી સ્વામિનારાયણ ભગવાન સત્સંગના પરિચયમાં આવ્યા હતા. મહંત સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વીનુભાઈ પટેલ હતું અને તેઓ મૂળ આણંદના વતની છે. તેમના પિતા સત્સંગી હતા. મૂળ વતન આણંદ પરંતુ ધંધાર્થે તેઓ જબલપુર રહેતા હતા. સપ્ટેમ્બર, ૧૯૩૩ના રોજ જન્મેલા વીનુભાઈને જબલપુરમાં સ્કૂલનો અભ્યાસ કરતા ત્યારથી જ સત્સંગ પ્રત્યે લગાવ હતો.

એગ્રીકલ્ચરલ સાયન્સમાં બેચલર ડિગ્રી સુધીનો તેમણે અભ્યાસ કરેલો છે. ૧૯પ૭માં વસંતપંચમીના દિવસે તેમણે યોગીજી મહારાજ પાસેથી પાર્ષદ દીક્ષા અને બાદમાં મુંબઈમાં સાધુ દીક્ષા લીધી અને તેમનું નામ કેશવજીવનદાસ સ્વામી રાખવામાં આવ્યં હતું. ૧૯૬૧થી લગભગ છ વર્ષ સુધી સંસ્થાના મુંબઈના મંદિરનો વહીવટ તેઓ સંભાળતા હતા. યોગીજી મહારાજે મુંબઈમાં સૌના મહંત તરીકે તેમને મૂક્યા બાદ તેઓ મહંત સ્વામી તરીકે જાણીતા થયા. દાયકાઓથી તેઓ પ્રમુખસ્વામીની નજીક રહી સંસ્થાની જવાબદારી વહન કરવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષા પર તેમનું સારું પ્રભુત્વ છે અને તેઓ શાસ્ત્રોના ઊંડા અભ્યાસુ છે.

વિદેશમાં હિન્દુ મંદિરો
નેપાળ, ભુતાન, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં સદીઓથી પૌરાણિક હિન્દુ મંદિરો જોવા મળે છે, પરંતુ વીસમી સદીમાં બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં શિખરબંધ હિન્દુ મંદિર બનાવીને ગુજરાતના બોચાસણ જેવા એક નાના ગામમાં જે બીજ રોપાયું હતું તે બીએપીએસ સંસ્થાને વટવૃક્ષ બનાવવાનું અને તેનાં કાર્યોને દુનિયભરમાં પહોંચાડવાનો શ્રેય પ્રમુખસ્વામીને જાય છે. આ દેશોમાં પ્રમુખસ્વામીએ મંદિરોના માધ્યમથી ભારતીય પરંપરા, સંસ્કૃતિ, વારસો અને મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કર્યો છે. જે કોઈ વિદેશી એક વખત આ મંદિરોમાં જાય છે તે બહાર નીકળીને કહે છે કે, “એક વખત ભારતદર્શન તો કરવાં જ જોઈએ.”

ભારતની રાજધાની દિલ્હીમાં ભવ્યાતિભવ્ય અક્ષરધામ બનાવ્યું છે પણ ન્યૂજર્સી, અમેરિકામાં તૈયાર થઈ રહેલા અક્ષરધામની ખ્યાતિ કંઈક અલગ જ હશે. સંભવતઃ દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર એ કહેવાશે જે ૧૬૨ એકરમાં ફેલાયેલું છે. ભારતમાં તામિલનાડુના શ્રી રંગાનાથસ્વામી મંદિરને સૌથી મોટું ગણવામાં આવે છે જે ૧૫૬ એકરમાં ફેલાયેલું છે. પ્રમુખસ્વામીએ જે રીતે દુનિયાભરમાં હિન્દુ ધર્મને વિશ્વવ્યાપી બનાવ્યો છે તે જોઈને એ ચોક્કસ કહી શકાય કે તેઓ હિન્દુ સમાજના પુનરુત્થાનના જ્યોતિર્ધર હતા.

દિલ્હી અક્ષરધામને લઈને આર્યવિદ્યા ગુરુકુળના અધ્યક્ષ સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે જ્યારે જ્યારે અક્ષરધામ પર નજર પડે છે ત્યારે એવું થાય છે કે આ કોઈક મહારાજાએ બનાવેલું ભવ્ય નિર્માણ છે પરંતુ આ તો મહારાજ છે. અહીં જે હિન્દુ આવશે તે પોતાની સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે જબરદસ્ત અસ્મિતા લઈને જશે. અન્ય કોઈ પણ દેશ કે ધર્મનો માણસ ભારત પ્રત્યે ખૂબ આદર લઈને જશે. આ બધું પ્રમુખસ્વામી મહારાજને આભારી છે. તેમણે દેશવિદેશમાં અનેક મંદિરો, વિદ્યાધામો અને હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.

વિજ્ઞાન, અધ્યાત્મ અને અલૌકિક મૈત્રી
મહાપુરુષો કહે છે કે, વિજ્ઞાન આંખો છે અને અધ્યાત્મ એ પાંખો છે. જ્યારે બંનેનો સુયોગ થાય ત્યારે સમાજનું પુનરુત્થાન થાય છે. હાથમાં માળા પકડીને કદાચ સ્વયંનો પરમાત્મા સાથે સાક્ષાત્કાર થઈ શકે પણ સંત તો એ જ કહેવાય જે પીડ પરાઈ જાણે રે… પ્રમુખસ્વામીએ પારકાંને પોતાના માનીને આંગળી પકડી હતી. ભારતના આધ્યાત્મિક જગતમાં પ્રમુખસ્વામી જેવું બ્રહ્મનિષ્ઠ જીવન જોવા મળે છે તો વિજ્ઞાન પણ કંઈ ઊણું ઊતરે એમ નથી.

આમ તો એવી માન્યતા છે કે ધર્મ અને વિજ્ઞાન સામસામેના ધ્રુવ છે પરંતુ એ જ વિજ્ઞાનમાં પણ કોઈ નિષ્કામભાવે કર્મ કરીને દેશસેવા કરતું હોય તો તેનું જીવન પણ એક સંતને શોભે એવું જ હોય. ભારતીય વિજ્ઞાનનું ગૌરવ મિસાઈલ ટેક્નોલોજીના જનક અને અણુબોમ્બ ટેક્નોલોજીનો આવિષ્કાર કરનાર ભારતરત્ન ડો. અબ્દુલ કલામનું જીવન પણ સંતતુલ્ય જ હતું.

જ્યારે કલામ સાહેબ ડૉ. વિક્રમ સારાભાઈ સાહેબની નિશ્રામાં વિજ્ઞાનનાં રહસ્યોને સમજી રહ્યા હતા ત્યારે પ્રમુખસ્વામી પણ યોગીજી મહારાજની છત્રછાયામાં વિચરણ કરી રહ્યા હતા. આ બંને આત્માનું મિલન ૩૦ જૂન, ૨૦૦૧ના રોજ પ્રથમ વખત થયું હતું. સ્વામી માટે કલામ અજાણ્યા હતા અને કલામ માટે સ્વામી. લગભગ કલાકથી પણ વધારે બંનેએ ગોષ્ઠિ કરી હતી. કલામ સાહેબ તેમના જીવનકવન સંસ્મરણોમાં લખે છે કે જીવનમાં ભાગ્યે જ હું પ્રથમ મુલાકાતે કોઈનાથી પ્રભાવિત થયો હોઈશ.

એ મુલાકાત મારા જીવનનું સંભારણું બની ગયું અને હું તેમને મળવા જવાની એક પણ તક ન ગુમાવતો. મુલાકાતો વધવા લાગવી, ગોષ્ઠિના સમયમાં ઘડિયાળના કાંટા રાઉન્ડ ધ ક્લોક થવા લાગ્યા પણ તેમની વચ્ચેનો આધ્યાત્મિક સંવાદ ન ખૂટે. આ સંબંધને કોઈ વ્યાખ્યામાં કેદ કરવો તેમની લાગણીને ઠેસ પહોંચાડવા બરોબર છે.

રસપ્રદ બાબત એ હતી કે પ્રમુખસ્વામીનું અંગ્રેજી એકદમ સાધારણ હતું. એવું પણ કહી શકો કે તેઓ અંગ્રેજીમાં વાત કરવા સમર્થ ન હતા. જ્યારે કલામ સાહેબ ગુજરાતીથી સદંતર અજાણ અને તેમનું હિન્દી પણ એટલું સારું ન હતું, પરંતુ જ્યાં અંતરાત્માઓનો સંવાદ થતો હોય ત્યાં ભાષાની શું જરૂર પડે.

ભાવ મહત્ત્વનો છે, ભાષા તો ગૌણ બની જાય છે. પ્રમુખસ્વામી સાથેની મુલાકાતો, અનુભવો અને પ્રસંગોને કલામ સાહેબે ‘ટ્રાન્સેન્ડન્સઃ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખસ્વામી’ પુસ્તકમાં ટાંક્યા છે. કલામ સાહેબના જીવનનો સૌથી મહત્ત્વનો કહી શકાય તેવો નિર્ણય લેવાનો હતો. તેમને બીજી ટર્મમાં ફરીથી ભારતના રાષ્ટ્રપતિ બનાવવા માટે રાજકીય પાર્ટીઓ તૈયાર હતી. હવે નિર્ણય કલામ સાહેબે કરવાનો હતો.

રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી નોંધાવવી કે ન નોંધાવવી તે અસમંજસમાં હતા. તે સમયે તેમને પ્રમુખસ્વામી યાદ આવ્યા. સ્વામી સામે તેમણે પ્રશ્ન મૂક્યો અને પ્રમુખસ્વામીએ કહ્યું કે તમે જે કાર્ય કર્યું છે એ ગૌરવપદ છે પણ હવે રાષ્ટ્રપતિ ન બનશો. નિઃસ્વાર્થભાવે લોકસેવા કરો અને મદદ કરો. જે સૌથી મહાન કર્મ છે અને એ તમારે કરવું જોઈએ.

દેવેન્દ્ર જાની (સાળંગપુર), દિવ્યેશ વેકરિયા

You might also like