પૂ. પ્રમુખસ્વામીના ૯૫મા જન્મજયંતી મહોત્સવની સારંગપુરમાં ઉજવણી

સારંગપુર: બોટાદ પાસે આવેલ સારંગપુર મુકામે આજે સાંજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા અને ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક ઉત્તરાધિકારી એવા વિશ્વવંદનીય સંતવર્ય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૫ મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક અને દિવ્ય વાતાવરણ વચ્ચે થઇ હતી. આ પ્રસંગે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, અમેરિકા, આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દુબાઇ અને મિડલ ઇસ્ટ જેવા વિદેશથી આવેલ હરિભક્તો સહિત ૨ લાખથી અધિક હરિભક્તોનો માનવ મહેરામણ મહોત્સવનો લાભ લેવા ઊમટ્યો હતો.

ગીત, સંગીત, નૃત્ય, સંવાદ, દૃશ્ય-શ્રાવ્ય અનુભૂતિ જેવા અનેક કાર્યક્રમોની પ્રસ્તુતિ વચ્ચે પ.પૂ. મહંત સ્વામી, પ.પૂ. ડોક્ટર સ્વામી, પ.પૂ. ઇશ્વરચરણ સ્વામી, પ.પૂ. વિવેકસાગર સ્વામી સ્વામી જેવા સદ્ગુરુ સંતોએ પ્રમુખસ્વામીના યશોગાન કરતાં જણાવ્યું હતું કે, ‘સૌના સ્વજન એવા પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષ માટે ૧૭,૫૦૦ ગામડાઓમાં વિચરણ કર્યું છે. ૨,૫૦,૦૦૦ ઘરોની મુલાકાત લીધી છે. ૭,૫૦,૦૦૦ સ્વહસ્તે પત્રો લખ્યા છે. ગાંધીનગર અને દિલ્હીમાં ‘અક્ષરધામ’ના નિર્માણ કરી ભારતને ગૌરવન્વિત કર્યું છે. ૧૨૦૦થી અધિક મંદિરોનું નિર્માણ કર્યું છે અને હાલ ૯૫૦ સુશિક્ષિત સંતોની સમાજને ભેટ આપી છે જેમના દ્વારા વ્યસનમુક્તિ અને સદાચાર વૃદ્ધિનું કાર્ય સદાય ચાલ્યા કરે.

આ પ્રસંગે ડો. તેજસ પટેલ જેવા વિખ્યાત હાર્ટ સ્પેશિયાલીસથી અભણ રબારી સુધીના તથા તરુણવિજયજી જેવા વિદ્વાનો તેમજ એચ.પી., યાહૂ, વિપ્રો જેવી કંપનીઓના ઉચ્ચ હોદ્દેદાર રહી ચૂકેલા વ્યોમેશ જોષીથી વિદેશના અનેક મહાનુભાવોએ પણ પોતાની ભાવવાહી શૈલીમાં સ્વામીશ્રી સાથેના તેમના પ્રસંગો વર્ણવ્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજે ૫૦ થી વધુ દેશોમાં પણ વિચરણ કર્યું છે. અને વિદેશની ભૂમિમાં લંડનમાં આરસનું જગપ્રસિદ્ધ મંદિર અને રોબિન્સ વિલ (અમેરિકા)માં ‘અક્ષરધામ’નું નિર્માણ કરી રહ્યા છે. અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ તેમણે ભવ્ય શિખરબદ્ધ મંદિરો બંધાવ્યા છે અને ત્યાં પણ સંતોના વૃંદ સત્સંગ પ્રસારણની સેવા કરી રહ્યા છે.

સ્વામીના જીવનકાર્યથી પ્રભાવિત થઇને બીએપીએસ સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે એનજીઓ તરીકે યુનોમાં માન્યતા પ્રાપ્ત થઇ છે. એટલું જ નહિ યુનોમાં ઇ.સ. ૨૦૦૦માં યોજાયેલ ‘મિલેનિયમ વિશ્વશાંતિ પરિષદ’માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ પ્રમુખસ્વામી મહારાજે યુનોના મંચ પરથી સમગ્ર વિશ્વને સંબોધન પણ કર્યું હતું.પ્રમુખસ્વામી મહારાજે અનેક શાળાઓ, છાત્રાલયો તથા હોસ્પિટલોનું પણ નિર્માણ કરેલ છે. તેમની બાળ યુવા પ્રવૃત્તિઓ તથા અન્ય કાર્યો બદલ ૩ વાર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઇ છે.

આ પ્રસંગે ડો. એ.પી.જે. અબ્દુલ કલામે લખેલ છેલ્લા પુસ્તક ટ્રાન્સેન્ડન્સ તથા સ્વામીશ્રી સાથેના તેમના દિવ્ય પ્રસંગો પણ સંભારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ શ્રી ડો. એ.પી.જે. અબ્દુલ કલામે લખેલ પુસ્તક ટ્રાન્સેન્ડન્સના ભાવાનુવાદ ‘પરાત્પર’ની થીમ ઉપર રચવામાં આવ્યો હતો.મંત્ર પુષ્પાંજલિ બાદ અંતમાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે સંક્ષિપ્તમાં જય સ્વામિનારાયણ પાઠવી સૌને આશીર્વાદ આપ્યા હતા.અંતમાં સમૂહ આરતી યોજાઇ ત્યારે ગગનનું તારામંડળ જાણે ધરતી પર ઉતરી આવ્યું હોય તેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. તે દિવ્યતા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

You might also like