સ્વર્ણિય સંકુલ-૧ ખાતે પ્રોટેમ સ્પીકર નીમાબહેન આચાર્યએ ધારાસભ્યોને લેવડાવ્યા શપથ

ગાંધીનગર: ગાંધીનગર સચિવાલય સ્વર્ણિય સંકુલ-૧ ખાતે આજે વિધાનસભામાં ચૂંટાયેલા ૧૮ર ધારાસભ્યનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સવારે ૧૦-૦૦ કલાકે શપથવિધિનો કાર્યક્રમ શરૂ થયો હતો. સર્વ પ્રથમ રાજયપાલ ઓ.પી.કોહલી દ્વારા પ્રોટેમ સ્પીકર નીમાબહેન આચાર્યને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ સાબરમતી ખંડમાં ધારાસભ્યોને તેમની બેઠકના ક્રમ અનુસાર સોગંદ લેવડાવવામાં આવ્યા હતા.

પદ્માવત ફિલ્મના રાજ્યભરમાં થઇ રહેલા વિરોધ અને આંદોલનને લઇને સચિવાલયમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક ગોઠવાઇ હતી. એક આઇજી, એસડીએસપી, ડેપ્યુટી એસપી, ૧પ ઇન્સ્પેકટર, ૪૦ પીએસઆઇ, પ૦૦ પોલીસ, પ૦૦ મહિલા પોલીસ અને બે એસઆરપી કંપનીનો પોલીસ ફોર્સ તહેનાત કરાયો હતો.

ગઇ કાલથી જ ૩૬ કલાક માટે સુરક્ષા મજબૂત કરી દેવાઇ હતી. મોરવા હડફની એસટી બેઠકના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટના પિતા ઓબીસી હોવાનું કારણ આગળ ધરીને આદિજાતિ કમિશનર દ્વારા તેમનું જાતિનું પ્રમાણપત્ર રદ કરાયું છે. જોકે હજુ સુધી ચૂંટણીપંચે તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરાવ્યા નહીં હોઇને તેઓ પણ આજે શપથવિધિમાં સામેલ થયા હતા અને તેમણે પણ ગોપનીયતાના શપથ લીધા હતા.

સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સચિવાલયમાં કામગીરી માટેે આવતા નાગરિકો અટવાયા હતા. સ્વર્ણિય સંકુલ-૧ના સાબરમતી ખંડમાં સોગંદવિધિ યોજાઇ હતી. પ્રોટેમ સ્પીકરે સ્પીકર તરીકે સર્વપ્રથમ શપથ લીધા બાદ ડો.નીમાબહેન આચાર્યએ ગુજરાતના વિકાસમાં તમામ ધારાસભ્યો એક થઇને સાથે મળીને કામ કરે તેવી શુભેચ્છા વ્યકત કરી હતી.

You might also like