પ્રમોદ સાવંત ગોવાના સીએમ બન્યાઃ ૧૧ પ્રધાન સાથે રાતે બે વાગ્યે શપથ લીધા

(એજન્સી) પણજી: છેલ્લા એક દાયકાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના ગઢ ગણાતા ગોવામાં મુખ્યપ્રધાન મનોહર પારિકરના નિધનથી પક્ષને મોટો ઝટકાે લાગ્યો છે. ભાજપ માટે સૌથી મોટી ચિંતા એ હતી કે મનોહર પારિકરના ઉત્તરાધિકારી કોણ બનશે? ગોવાના નવા મુખ્યપ્રધાન નક્કી કરવા માટે આખો દિવસ અને મોડી રાત સુધી મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ સાથી પક્ષો સાથે ઘણી બેઠકો કરી અને આખરે સહમતી સધાયા બાદ મોડી રાતે ૨.૦૦ વાગ્યે ગોવાને નવા સીએમ મળી ગયા.

ગોવા વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંતે મોડી રાતે લગભગ બે વાગ્યે મુખ્યપ્રધાન પદના શપથ લીધા. સાવંત ઉપરાંત મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી)ના ધારાસભ્ય સુદિન ધવલીકર અને ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી)ના અધ્યક્ષ અને ધારાસભ્ય વિજય દેસાઈ સહિત ૧૧ ધારાસભ્યે પ્રધાનપદના શપથ લીધા હતા. ગોવામાં પહેલી વખત બે ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યપ્રધાન)ની ફોર્મ્યુલા વાગુ કરવામાં આવી છે. ધવલીકર અને સરદેસાઈને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ખાતરી અપાયા બાદ તેમણે ભાજપને સમર્થનપત્ર આપ્યું હતું.

સીએમ પદના શપથ લેતા પહેલા પ્રમોદ સાવંતે ગોવા વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. હાલ ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ માઈકલ લોબો ચૂંટણી યોજાય ત્યાં સુધી કાર્યવાહક અધ્યક્ષની ફરજ નિભાવશે. પ્રમોદ સાવંતે શપથ લેતાં પહેલાં જણાવ્યું હતું કે, પક્ષે મને ઘણી મોટી અને મહત્વની જવાબદારી આપી છે. હું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની કોશિશ કરીશ. હું મનોહર પારિકરના કારણે જ અહીં સુધી પહોંચ્યો છું. તેમણે જ મને રાજનીતિના પાઠ ભણાવ્યા હતા. તેમના કારણે જ હું વિધાનસભાનો સ્પીકર અને હવે મુખ્યપ્રધાન બન્યો છું.

નવી સરકાર પાસે ૨૦ ધારાસભ્યોનું સમર્થન છે. નીતિન ગડકરી પણ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. એમજીપીના બે ધારાસભ્ય સુદિન ધવલીકર અને મનોહર અજગાંવકર ઉપરાંત ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ, વિનોદ પાલિકર અને જયેશ સલગાંવકરને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભાજપના મૌવિન ગૌદિન્હો, વિશ્વજિત રાણે, મિલિન્દ નાઈક અને નીલેશ નાઈકે પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. અપક્ષ ધારાસભ્ય રોહન ખવંટે અને ગોવિંદ ગાવડેએ પણ શપથ લીધા હતા.

ગોવા કોંગ્રેસે ભાજપના સરકાર બનાવવાના પગલાંનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના નેતા સુનીલ કૌંથકરે જણાવ્યું કે, અમે રાજ્યપાલ મૃદુલા સિંહાની આ અલોકતાંત્રિક કાર્યવાહીની ટીકા કરીએ છીએ. તેમણે રાજ્યની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો આપ્યો નથી. ભાજપ પાસે સરકાર રચવાની બહુમતી જ નથી.

ઉલ્લેખનીય છે કે, ૪૦ સભ્યની ગોવા વિધાનસભામાં હાલ ૩૬ ધારાસભ્ય છે. ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝાનું ગયા મહિને નિધન થયું હતું, જ્યારે કોંગ્રેસના બે ધારાસબ્યોએ ગત વર્ષે રાજીનામું આપી દીધું હતું. હાલ કોંગ્રેસ પાસે ૧૪ અને ભાજપ પાસે ૧૨ ધારાસભ્ય છે. એમજીપી, જીએફબી ત્રણ-ત્રણ ધારાસભ્ય ધરાવે છે. જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્ય છે.

You might also like