શિવસેનાને જાવડેકરની ચેતવણીઃ ગઠબંધન અને ટીકા સાથે ન ચાલે

નવી દિલ્હી: એનડીએમાં સામેલ શિવસેના આજકાલ ભાજપ પર પ્રહારો કરવાની એક પણ તક છોડતી નથી. શિવસેના કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સત્તામાં ભાગીદાર છે તેમ છતાં શિવસેના વારંવાર ભાજપ પર સખત પ્રહાર કરે છે. શિવસેનાના આ વલણ સામે મોદી સરકારના પ્રધાન પ્રકાશ જાવડેકરે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.

કેન્દ્રીય પર્યાવરણ અને વનપ્રધાન પ્રકાશ જાવડેકરે શિવસેના સામે નિશાન તાકતાં જણાવ્યું હતું કે આલોચના અને ગઠબંધન બંને એકસાથે ચાલી શકે નહીં. શિવસેના અમારો જૂનો સાથી પક્ષ છે. ૧૯૮૪થી ભાજપનું તેની સાથે ગઠબંધન છે. હું બાળાસાહેબ ઠાકરેના સમયથી જ આ ગઠબંધનનો સાક્ષી રહ્યો છું. અમારા સંબંધો મજબૂત છે, પરંતુ શિવસેનાના કેટલાક નેતાઓ એ‍વા છે, જેઓ ભાજપની સફળતા પચાવી શકવા સમર્થ નથી. તેમણે જણાવ્યું હતું કે મારું માનવું છે કે ગઠબંધનમાં રહેવું અને સતત આલોચન કરવી એ બંને વાત એકસાથે ચાલી શકે નહીં.

શિવસેના મોદી સરકારની વિદેશનીતિથી લઈને મોંઘવારી, બેરોજગારી અને અન્ય અનેક મુદ્દાઓ પર રોજબરોજ ટીકાઓ કરે છે. તાજેતરમાં પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો લઈને પણ શિવસેનાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

You might also like