‘નીટ’માં કોઈને અન્યાય નહીં થાય, CBSEનું પરિણામ સમયસર આવશે

અમદાવાદ: એમબીબીએસ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટની પરીક્ષામાં ગુજરાતી મીડિયમના અને અંગ્રેજી મીડિયમની પરીક્ષામાં પ્રશ્નપેપરમાં અલગ અલગ પ્રશ્નો પુછાયા હોવાના મુદ્દે ગુજરાતી વિદ્યાર્થીઓને થયેલા અન્યાયના મુદ્દે વાલીઓનો વિરોધ એક સપ્તાહથી ચાલી રહ્યો છે. દરમિયાન ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય માનવસંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે અમદાવાદમાં જણાવ્યું હતું કે નીટના મામલે કોઇનેય નુકસાન નહીં થાય અને સીબીએસઇનું પરિણામ પણ સમયસર જ જાહેર કરવામાં આવશે.

રાજ્યની તબીબી અને ઈજનેરી કોલેજોના જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નીટ) લેવામાં આવે છે.  દેશભરમાં નીટનાં પ્રશ્નપત્રોનું સ્તર એકસમાન નહીં હોવાના મુદ્દે રાજ્યના વાલીઓએ ગુજરાત હાઇકોર્ટમાં નીટની પરીક્ષા ફરીથી લેવા અને નીટનું પરિણામ જાહેર ન કરવા માટે ‌િરટ કરી છે. અરજન્ટ એડમિશન માટે થયેલી રજૂઆત બાદ કેસની સુનાવણી શુક્રવારે રાખવામાં આવી છે.

બીજી તરફ મદ્રાસ હાઇકોર્ટે પણ નીટ ર૦૧૭ના પરિણામ ઉપર વચગાળાનો સ્ટે આપ્યો છે. દરમિયાન સીબીએસઈના ૧૨મા ધોરણના દોઢ કરોડ વિદ્યાર્થીઓનું પરિણામ અટકી જતાં તેમનું ભાવિ અદ્ધરતાલ છે કારણ કે મોડરેશન એટલે કે વિદ્યાર્થીઓના માર્ક્સ વધારીને આપવાની પોલિસી મુદ્દે ગૂંચવાડો હજુ અકબંધ છે. વાસ્તવમાં દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપીને માર્ક્સ વધારવાની સીબીએસઈની નીતિને આ વર્ષે જારી રાખવા આદેશ કર્યો હતો.

હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ હવે સીબીએસઈ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. મોડરેશન પોલિસી રદ કરવાના નિર્ણય પર આ વર્ષે દિલ્હી હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવતાં સીબીએસઈનું પરિણામ અટકી ગયું છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે હાઈકોર્ટના ઓર્ડર પર કાનૂની સલાહ લેવાનો નિર્ણય કર્યો હતો. આ સંદર્ભમાં સીબીએસઈ સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી શકે છે. હાઈકોર્ટના ચુકાદાએ સમગ્ર મામલાને વધુ પેચીદો બનાવી દીધો છે.
http://sambhaavnews.com/

You might also like