આવાસ યોજનાઃ બનાવવાનાં હતાં ૪૦ લાખ મકાન, બન્યાં ફક્ત ત્રણ લાખ

નવી દિલ્હી, ગુરુવાર
દેશના તમામ નાગરિકોને ઘર આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી સ્કીમ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ ત્રણ વર્ષમાં માત્ર આઠ ટકા લક્ષ્યાંક જ પૂરો થયો છે. શહેરી ક્ષેત્રોમાં ત્રણ વર્ષમાં સરકારે ૪૦.૬ લાખ મકાનો બનાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ અત્યાર સુધી માત્ર ત્રણ લાખ એટલે કે આઠ ટકા ટાર્ગેટ જ પૂરો થઇ ચૂક્યો છે.

આ રીતે આ સ્કીમ તેના લક્ષ્યાંકથી ખૂબ જ પાછળ ચાલી રહી છે. શહેરી આવાસ યોજના કરતાં ગ્રામીણ આવાસ યોજનાની સ્થિતિ વધુ સારી છે. નક્કી કરાયેલાં ૯પ.૪ લાખ મકાનોમાંથી ર૮.૮ લાખ મકાનો તૈયાર કરાયાં છે એટલું જ નહીં, ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ લક્ષ્ય સ્કીમ લોન્ચ થયાના ૧પ મહિનાની અંદર મેળવ્યુું છે.

કેન્દ્રીય શહેરી વિકાસ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર આ આંકડા ઉપલબ્ધ છે. ડેટા મુજબ સરકાર શહેરી ક્ષેત્રોમાં ૪૦.૬ લાખ મકાનોના નિર્માણ માટે ૮,૩૪૧ યોજનાઓ પર કામ કરી રહી છે. ૧૮ લાખ મકાનોનું કામ ચાલી રહ્યું છે, જેથી ૪૪ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરી શકાય, જોકે ડેટામાં એ વાત સ્પષ્ટ નથી કે આ મકાનોનું નિર્માણ ક્યાં સુધી પહોંચ્યું છે, જે મકાનોનું કામ પૂરું થઇ ચૂક્યું છે તેમાંથી લગભગ ત્રણ લાખમાં લોકોએ રહેવાનું શરૂ કરી દીધું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રપ જૂન, ર૦૧પના રોજ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના લોન્ચ કરી હતી, જે હેઠળ સરકાર ર૦રર સુધી શહેરી ગરીબો માટે બે કરોડ આવાસ યોજના તૈયાર કરવાની હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે આઝાદીની ૭પમી વર્ષગાંઠ પર દેશના દરેક નાગરિક પાસે પોતાનું ઘર હશે. ર૦રર સુધીના લક્ષ્યની વાત કરીએ આ સ્કીમ પર સરકાર અત્યાર સુધી માત્ર બે ટકા કામ કરી શકી છે.

You might also like