પ્રદેશ ભાજપના સંગઠનમાં ‘કમૂરતા’ બાદ ફેરફાર કરાશે

અમદાવાદ: તાજેતરમાં બે તબક્કામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલા ભાજપમાં સંગઠન સ્તરે વ્યાપકપણે ફેરફાર થવાની અટકળોએ વેગ પકડયો હતો જો કે ચૂંટણીના માહોલમાં પણ સંગઠનમાં ફેરફાર સંભવિત ન હતા. પરંતુ હવે જયારે ચૂંટણીના શાંતિપૂર્ણ સંપન્ન થઈને પરિણામ પણ જાહેર થઈ ચુકેલ છે. ત્યારે સંગઠનને લઈને પુનઃ ચર્ચા થવા લાગી છે. ‘કમુરતા’ બાદ સંગઠનમાં ફેરબદલાવ થાય તેવી રાજકીય વર્તુળો માને છે.

ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસીય બેઠક આગામી તા. ૯ અને ૧૦ ડિસેમ્બરે મળશે. આ બે દિવસીય બેઠકમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓના નામ નક્કી કરાશે. મુખ્યમંત્રી આંનદીબહેનના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં ખુદ મુખ્યમંત્રી જે તે પદાધિકારીના નામ પર અંતિમ મહોર મારશે તેમ સૂત્રો જણાવે છે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓની પસંદગી બાદ ભાજપ હાઈકમાંડ પક્ષના માળખાનો મામલો વિચારણા હેઠળ લેશે. જો કે હજુ એકાદ મહિનો સંગઠનમાં બદલાવ કરાશે નહીં ત્યારબાદ શહેર સ્તરેથી પ્રદેશ સ્તર સુધી હોદ્દેદારો બદલવાની કવાયત હાથ ધરાશે.આમ પણ ભાજપમાં અમાવાદ શહેર પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીના હોદ્દેદારોની મુદત પૂર્ણ થઈ ગઈ છે જેના કારણે નવા શહેર પ્રમુખ તેમજ નવા પ્રદેશ પ્રમુખના સંભવિત નામોની પણ ચૂંટણી અગાઉના સમયગાળામાં ચર્ચા ઉઠી હતી.

અલબત્ત હવે ‘કમુરતા’ બાદ એટલે કે તા. ૧૪ જાન્યુઆરી પછી ભાજપમાં મુદતપૂર્ણ થયેલા હોદ્દેદારો કે ચૂંટણીમાં નબળા તેમજ નિષ્ક્રીય પુરવાર થયેલા હોદ્દેદારોને ઘરે બેસાડી દેવાશે તે બાબત ચોક્કસ હોઈ પુનઃ નવા હોદ્દેદારોના નામની ચર્ચા ચગડોળે પડશે. ચૂંટણીમાં પક્ષની જે તે સંસ્થામાં થયેલી હાર-જીતના પડઘા નવી નિમણુંકોમાં જોવા મળશે. સરકારમાં પણ મંત્રીમંડળ સ્તરે કેટલાક મંત્રીઓને પડતા મૂકાશે. બજેટસત્ર પહેલા સરકારમાં ફેરફાર થવાની શકયતા છે.

You might also like