હાઈપ્રોફાઈલ જંગમાં હાઈ‘પાવર’થી ફ્રીડમ પેનલનો ફ્યૂઝ ઊડ્યો

અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠિત એવી કર્ણાવતી ક્લબના બોર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણી અંતર્ગત ગઈ કાલે મતદાન બાદ મોડી રાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં અાવી હતી, જેમાં મેમ્બર્સ પાવર પેનલના તમામ 23 સભ્યોએ જંગી મતોથી વિજયી બનીને મેમ્બર્સ ફ્રીડમ પેનલનો સફાયો કર્યો હતો. મેમ્બર્સ ફ્રીડમ પેનલનો એક પણ સભ્ય જીતી શક્યો ન હતો. વહેલી સવારે હાઈકોર્ટ દ્વારા નિયુક્ત અોબ્ઝર્વર નિવૃત્ત જસ્ટિસ પી.બી. મજમુદાર દ્વારા સત્તાવાર રીતે પરિણામ જાહેર કરાયું હતું, જોકે અા વખતે ઈજીએમ બોલાવવાના બદલે કંપની એક્ટ મુજબ સ્ક્રૂટિનાઈઝર્સ દ્વારા વિજેતા ડિરેક્ટર્સનાં નામ ક્લબના નોટિસ બોર્ડ ઉપર અને વેબસાઈટ ઉપર મૂકવામાં અાવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજપથ ક્લબ બાદ હવે કર્ણાવતી ક્લબમાં પણ મેમ્બર્સ પાવર પેનલે પોતાની વિજય પતાકા લહેરાવી છે. મેમ્બર્સ પાવર પેનલે અા ચૂંટણીમાં 23માંથી 23 બેઠક મેળવીને કર્ણાવતી ક્લબના બોર્ડ અૉફ ડિરેક્ટર્સની તમામે તમામ 30 બેઠકો પોતાના કબજે લીધી છે.

શહેરની રાજપથ અને કર્ણાવતી ક્લબમાં લાંબા સમય સુધી દાણીબંધુ ગિરીશ દાણી અને પરેશ દાણીનું વર્ચસ્વ અને એકહથ્થું શાસન રહ્યું હતું. ગત વર્ષે રાજપથ ક્લબની યોજાયેલી ચૂંટણીમાં દાણીબંધુનું વર્ચસ્વ ઘટાડવા માટે જગદીશ પટેલ અને તેમના સહયોગીઅો દ્વારા મેમ્બર્સ પાવર પેનલ બનાવીને ચૂંટણી લડવામાં અાવી હતી, જેમાં જગદીશ પટેલના નેતૃત્વમાં મેમ્બર્સ પાવર પેનલના તમામ સભ્યો જીતી અાવ્યા હતા. રાજપથ બાદ હવે કર્ણાવતી ક્લબમાં દાણીબંધુઅોનું વર્ચસ્વ ઘટાડવા માટે મેમ્બર્સ પાવર પેનલ મેદાનમાં ઊતરી હતી.

કર્ણાવતી ક્લબના બોર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણી અંતર્ગત ગઈ કાલે હાઈકોર્ટ દ્વારા નિયુક્ત અોબ્ઝર્વર નિવૃત્ત જસ્ટિસ પી.બી. મજમુદારના વડપણ હેઠળ ક્લબના મુખ્ય સ્ક્રૂ‌િટનાઈઝર સુનીલ તલાટી સહિતના સ્ક્રૂ‌િટનાઈઝરના માર્ગદર્શન હેઠળ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 9500 મતદાર પૈકીના 3774 મતદારોએ ઈ-વોટિંગ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 809એ મતદાન કર્યું હતું. જ્યારે બાકીના 5776 મતદારો માટે ગઈ કાલે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સવારે નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું હતું, જેમાં કુલ 3576 મતદારોએ મતદાન કર્યું હતું.

મતદાન પૂર્ણ થયા બાદ રાતના અાઠ કલાકે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં અાવી હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી મતગણતરી રાતના સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, જેમાં પ્રથમ ઈ-વોટિંગના 809 મતોની ગણતરી હાથ ધરવામાં અાવી હતી. ઈ-વોટિંગના રાઉન્ડથી મેમ્બર્સ પાવર પેનલના સભ્યોએ પ્રથમથી જ સરસાઈ મેળવી લીધી હતી. ત્યાર બાદ બેલેટ પેપર દ્વારા કરાયેલા મતોની ગણતરી હાથ ધરવામાં અાવી હતી. બેલેટની મતગણતરી દરમિયાન મેમ્બર્સ પાવર પેનલના સભ્યોએ પ્રથમથી હરીફ પેનલના સભ્યો ઉપર સરસાઈ મેળવી લીધી હતી. જે છેક સુધી જાળવી રાખી હતી. મતગણતરીના અંતે મેમ્બર્સ પાવર પેનલના તમામ સભ્યો વિજેતા બન્યા હતા.

સાત મતદારે બેલેટ પેપર લઈને મત ન અાપ્યો
કર્ણાવતી ક્લબની ચૂંટણી અંતર્ગત ગઈ કાલે યોજાયેલા મતદાન દરમિયાન 5776 મતદારોમાંથી કુલ 3583 મતદારોએ બેલેટ પેપર લીધા હતા, જેમાંથી કુલ 3576 મતો બેલેટ બોક્સમાં પડ્યા હતા એટલે કે સાત મતદારો બેલેટ પેપર લીધા બાદ તેમણે મત અાપ્યો ન હતો અને બેલેટ પેપર લઇને ચાલ્યા ગયા હોવાનું અોબ્ઝર્વર નિવૃત્ત જસ્ટિસ પી.બી. મજમુદારે જણાવ્યું હતું.

ચોકડીના બદલે ખરાની ‌નિરાની કરતાં મત નકામા ગયા
મતગણતરી દરમિયાન કુલ પડેલા મતમાંથી 147 મત અમાન્ય ઠર્યા હતા. જેમાં મોટા ભાગના મતોમાં ચોકડીના બદલે ખરાની નિશાની કરવામાં અાવી હતી. જેના કારણે થોડો વિવાદ થયો હતો. જોકે બધું સમુંસૂતરું ઊતરી ગયું હતું.

ઉમેદવારના સમર્થકને મતગણતરી વિસ્તારમાંથી બહાર જવાનું કહેતાં માથાકૂટ
મતગણતરી દરમિયાન બીજાે રાઉન્ડ શરૂ થયો હતો ત્યારે એક ઉમેદવારના મિત્ર અને સમર્થક પ્રતિબં‌ધિત મતગણતરી વિસ્તારમાં અાંટાફેરા મારતા હોવાથી સિક્યોરિટી સ્ટાફ દ્વારા તેને બહાર જવાનું કહ્યું હતું. જેના કારણે તેણે હંગામો મચાવ્યો હતો. જેના લીધે અોબ્ઝર્વર જસ્ટિસ મજમુદારે દરમિયાનગીરી કરવી પડી હતી અને ઉમેદવાર અને તેમના માન્ય એજન્ટ સિવાયના તમામ સભ્યોને બહાર કાઢવામાં અાવ્યા હતા.

મેમ્બર્સ ફ્રીડમ પેનલના ચાર સભ્યોએ ડિપોઝિટ ગુમાવી
ક્લબની ચૂંટણીમાં ફ્રીડમ પેનલના ચાર સભ્યોએ નિયત મત કરતાં અોછા મતો મેળવ્યા હોવાથી તેમને ડિપોઝિટ ગુમાવવાનો વારો અાવ્યો હતો. ડિપોઝિટ ગુમાવનારાઅોમાં વિજય જે. ઠક્કર, જૈનિક મુરાવાલા, ખગેન કાશીવાલા અને મહેશ બી. અોઝાનો સમાવેશ થાય છે.

અા ચૂંટણી ઉપરથી અન્ય ક્લબ પણ પ્રેરણા લે: જસ્ટિસ મજમુદાર
કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં હાઈકોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા અોબ્ઝર્વર જસ્ટિસ પી.બી. મજમુદારે જણાવ્યું હતું કે બંને પેનલના ઉમેદવારો અને અાગેવાનોની ધૈર્યતા અને ખેલદિલીના કારણે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ છે. અા ચૂંટણી ઉપરથી ભવિષ્યમાં અન્ય ક્લબોએ પ્રેરણા લઈને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવી જોઈએ

You might also like