માનવીની ઉત્કૃષ્ટતા જ શ્રેષ્ઠતાને ઉત્પન્ન કરે છે

પોતાને ઉત્કૃષ્ટ બનાવવા પ્રયત્ન કરવામાં આવે તો આપણા સંપર્કમાં આવનારા બીજા લોકો પણ શ્રેષ્ઠ બની શકે છે. આદર્શ હંમેશાં થોડો ઊંચો જ રહે છે અને તેની પ્રતિક્રિયા થોડી નીચી રહી જાય છે. આદર્શની સ્થાપના કરનારાઓને સામાન્ય જનતાના સ્તરથી કાયમ ઊંચા રહેવું પડ્યું છે. સંસારને આપણે જેટલો ઊંચો બનાવવા અને શ્રેષ્ઠ જોવા ઇચ્છીએ છીએ એના કરતાં વધારે ઊંચા બનવાનો આદર્શ રજૂ કરવો પડશે. ઉત્કૃષ્ટતા જ શ્રેષ્ઠતાને ઉત્પન્ન કરે છે. પરિપક્વ શરીરવાળી માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. આદર્શ પિતા બનીએ તો સુસંતતિનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકીશું. જો આદર્શ પતિ હોઇએ તો જ પવિત્રતા પત્નીની સેવા પ્રાપ્ત કરી શકીશું. શરીર કરતાં તેનો પડછાયો થોડો કુરૂપ હોય છે. ચહેરા કરતાં ફોટામાં થોડીક કચાશ જ રહી જાય છે.
આપણે આપણી જાતને કેટલી વિકસિત કરી શક્યા હોઇશું તેટલા આપણી નજીકમાં રહેનારા લોકો એનાથી પ્રભાવિત થઇ ઉપર ઊઠશે જ તો પણ એમની અપેક્ષા થોડી નીચી તો રહી જ જશે. એટલા માટે આપણે બીજાઓ પાસે જેટલી સજ્જનતા અને શ્રેષ્ઠતાની આશા રાખીએ છીએ, એની તુલનામાં આપણે થોડા વધુ ઊંચા સાબિત થવું જ પડશે. આપણે દર પળે એ યાદ રાખવું પડશે કે ઉત્કૃષ્ટતા વગર શ્રેષ્ઠતા ઉત્પન્ન નહીં થઇ શકે.
લેખો અને ભાષણોનો યુગ હવે વીતી ગયો. ગળું ફાડી ફાડીને મોટી મોટી બડાઇ મારીને અને મોટા મોટા લેખો લખીને સંસારનો સુધારો કરવાની આશા વ્યર્થ છે. આ સાધનોથી થોડી મદદ તો મળી શકે છે, પરંતુ ઉદ્દેશ પૂરો નથી થઇ શકતો. યુગનિર્માણ જેવા મહાન કાર્ય માટે આ સાધન અપૂરતાં અને અપૂર્ણ છે. એનું મુખ્ય સાધન એ જ હોઇ શકે છે કે આપણે આપણું માનસિક સ્તર ઊંચું ઉઠાવીએ, ચરિત્રની દૃષ્ટિએ અપેક્ષા પ્રમાણે શ્રેષ્ઠ બનીએ. આપણા આચરણથી જ બીજાઓને પ્રભાવશાળી શિક્ષણ આપી શકાય છે. ગણિત, ભૂગોળ, ઇતિહાસ વગેરેની કહેવા-સંભળાવવાની પ્રક્રિયાથી કામ તો ચાલી શકે છે, પરંતુ વ્યક્તિ નિર્માણ માટે તો આદર્શ વ્યક્તિત્વ ધરાવતા લોકોની જ જરૂર પડશે. એ આવશ્યકતાઓની પૂર્ણતા માટે સૌથી પહેલાં આપણે સૌએ આગળ આવવું પડશે. આપણી શ્રેષ્ઠતાથી સંસારની શ્રેષ્ઠતા એની મેળે વધશે. આપણે બદલાઇશું તો યુગ અવશ્ય બદલાશે અને આપણો યુગનિર્માણ સંકલ્પ પણ અવશ્ય પૂરો થશે.
આજે ઋષિમુનિ નથી રહ્યા, જેઓ પોતાના આદર્શ ચરિત્ર દ્વારા લોકશિક્ષણ આપીને લોકોના સ્તરને ઊંચું ઉઠાવતા હતા. આજે એવા બ્રાહ્મણ પણ નથી રહ્યા, જેઓ પોતાના અગાધ જ્ઞાન, વંદનીય ત્યાગ અને પ્રબળ પુરુષાર્થથી જનમાનસની પતનોન્મુખ પશુ પ્રવૃત્તિઓને પાછી વાળીને દેવત્વની દિશામાં બદલી નાખવાની જવાબદારી પોતાના ખભા ઉપર લેતા હતા. વૃક્ષોના અભાવમાં એરંડો પણ વૃક્ષ કહેવાય છે.

You might also like