પોકેટને પરવડે એવી પોટલક પાર્ટી

બાળપણમાં સ્કૂલ રિસેસનો એ માહોલ કદાચ સૌ કોઇને યાદ હશે જ. સ્કૂલમાં રિસેસના સમયે ફ્રેન્ડ્સ સર્કલ કરીને બેસી જાય. પોતપોતાના ડબ્બા ખોલે અને નાસ્તાનું શેરિંગ કરે. બાળપણની આ પાર્ટીને આપણે ડબ્બા પાર્ટી તરીકે ઓળખતા હતા. આવી જ એક પાર્ટીનો ટ્રેન્ડ કોર્પોરેટ કલ્ચરમાં પણ ચાલી રહ્યો છે. જે પાર્ટીનું નામ કોર્પોરેટ કલ્ચરમાં પોટલક પાર્ટી તરીકે પ્રચલિત છે. વર્કિંગ વુમન્સ વિવિધ વાનગીઓ ઘરેથી બનાવીને લાવે છે. જેને ઓફિસના લંચ બ્રેકમાં ઍન્જોય કરે છે. જો કે આ પાર્ટીને ઓર્ગેનાઇઝ કરવાના કેટલાક રૂલ્સ છે જેને ફૉલો કરવામાં આવે તો ચોક્કસ આ પાર્ટીને વધારે સારી રીતે ઍન્જોય કરી શકાય.

પહેલાં તો જ્યારે ગ્રૂપમાં પોટલક પાર્ટીનું આયોજન કરવામાં આવે તો કોણ કઈ વાનગી બનાવીને લાવશે તે નક્કી કરી લેવું. યાદ રાખો કે આવી પાર્ટીમાં સલાડ કે પછી નાસ્તા જેવી વસ્તુ લઇ જવી જોઇએ નહીં. તેનાથી તમારી ઇમ્પ્રેશન બગડી શકે છે. પાર્ટીમાં બધા જ સભ્યોને ધ્યાનમાં રાખીને ક્વોન્ટિટી ફૂડ બનાવવું જોઇએ. જે પણ વાનગી બનાવી હોય તેને લગતા સર્વિંગ ઇન્ગ્રિડિયન્ટ્સ સાથે લઈ જવા જોઇએ. તમે એક પોટલક પાર્ટીમાં જઈ રહ્યા છો ત્યારે તમારી સાથે જે પણ ફૂડ તમે લીધું હોય તે યોગ્ય પેકિંગમાં લઇ જવું જોઇએ. કોઇ પણ આઇટમનું ફૂડ પ્રેઝન્ટેશન ખૂબ જ મહત્ત્વનું હોય છે. તેથી જે પણ ફૂડ તૈયાર કરો તે પ્રેઝન્ટેબલ હોવું જોઇએ. તેથી જે વસ્તુ તમે વધારે સારી રીતે બનાવી શકતા હોવ તે જ ડિશ તૈયાર કરીને લઇ જવાનો આગ્રહ રાખવો જોઇએ.

ખાસ તહેવારોમાં ઓફિસના કલિગ્સ ભેગા થઇને પોટલક પાર્ટીનું આયોજન કરે છે. ત્યારે એચ.આર. પ્રોફેશનમાં કામ કરતી હેલી પટેલ કહે છે કે, “અમે સોશિયલ મીડિયા પર આ કોન્સેપ્ટ વાંચ્યો અને ટ્રાય કરવાનું વિચાર્યું. એક નાના પાયા પર પોટલક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ખરેખર અમને ખૂબ જ મજા આવી.” તો આઇટી કંપનીમાં કામ કરતી મિતાલી શાહ કહે છે કે, “અમે પણ મહિનામાં એક વખત આવી પાર્ટીનું આયોજન કરીએ છીએ. પહેલાં બધા પોટલકની થીમ નક્કી કરીએ છીએ અને પછી તે પ્રમાણેનું વેરાઇટી ઓફ ફૂડ બનાવીને લાવીએ છીએ. આમ તો હું રોજ કૂક કરતી નથી પણ પોટલક પાર્ટીમાં મારા ભાગે જે વાનગી બનાવવાની આવે તે હું જાતે જ બનાવીને લઇ જાઉં છું.”

ઓફિસમાં કામની સાથે વર્કિંગ વુમન્સ આવા ગેટ ટુ ગેધરનું આયોજન કરીને પોટલક પાર્ટી દ્વારા હેલ્ધી ફૂડની તો મજા માણે જ છે સાથે આવી પાર્ટીથી પોકેટ કૂલ રહે છે અને પેટ ફુલ થઈ જાય છે.

કૃપા મહેતા

You might also like