નવી આવક વધતાંની સાથે જ બટાકાના ભાવ રૂ. ૧૦ની નીચે

અમદાવાદ: સ્થાનિક બજારમાં બટાકાની નવી આવક આવવાની શરૂ થઇ ગઇ છે અને પાછલાં એક-બે સપ્તાહમાં બટાકાની મબલક આવક વચ્ચે બટાકાના ભાવ પણ ગગડી ગયા છે અને તૂટીને પ્રતિકિલોએ ૧૦ રૂપિયાની નીચે પહોંચી ગયા છે.

ઉલ્લેખનીય છે કે ડીસા અને મધ્ય ગુજરાતના ખેડાના ચકલાસી તથા આજુબાજુના પ્રદેશોમાંથી સ્થાનિક બજારમાં બટાકાની મોટા પ્રમાણમાં આવક વધતાં જ અગાઉ ૨૦ કિલોના ૧૫૦થી ૨૭૦ રૂપિયાના ભાવે વેચાતા બટાકાના ભાવ હાલ અડધા થઇ ૮૦થી ૧૪૦ રૂપિયા થઇ ગયા છે અને તેને કારણે છૂટકમાં પણ ભાવ ગગડ્યા છે.

પાછલા એક સપ્તાહમાં બટાકાના ભાવ ઘટીને રૂ. ૯થી ૧૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. એક મહિના પૂર્વે ૧૫થી ૧૮ રૂપિયા પ્રતિકિલોના ભાવે બટાકા વેચાઇ રહ્યા હતા.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલસેલ વેપારીના જણાવ્યા પ્રમાણે પંજાબ બાજુથી પણ આવતા બટાકાના ભાવ પણ ગગડ્યા છે. એક મહિનામાં પંજાબ તથા ઉત્તર ભારત બાજુથી આવતા બટાકાના ભાવ એક મણે રૂ. ૨૦થી ૪૦ તૂટ્યા છે.

ગૃહિણીઓ આનંદોઃ કાતરીના બટાકાની આવક શરૂ
ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતાં જ બટાકાની આવક મોટા પ્રમાણમાં શરૂ થઇ ગઇ છે. સ્થાનિક ડીસા તથા મધ્ય ગુજરાત બાજુથી પણ કાતરી માટેના મોટા બટાકા આવવાનું ચાલુ થઇ ગયું છે. ઊંચી આવકના કારણે બજારમાં ભાવ પણ પાછલા એક મહિનામાં ઘટીને અડધા થઇ ગયા છે, જે ગૃહિણીઓ માટે આનંદના સમાચાર છે.

You might also like