બટાકાના ભાવ દઝાડશેઃ બે મહિનામાં ૩૦ ટકા વધ્યા

અમદાવાદ: ઉનાળાની ગરમીમાં શાકભાજીના ભાવ પહેલેથી વધી ચૂક્યા છે. પરંતુ સાથે સાથે બટાકાના ભાવ પણ દઝાડી રહ્યા છે. પાછલાં છથી આઠ સપ્તાહમાં બટાકાના ભાવમાં ૩૦ ટકાનો વધારો જોવાઈ ચૂક્યો છે.  હાલ સ્થાનિક બજારમાં મિડિયમ કવોલિટીના બટાકા ૨૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. નોંધનીય છે કે બે મહિના પૂર્વે બટાકા સ્થાનિક બજારમાં ૧૫ રૂપિયે કિલોના ભાવે વેચાતા હતા. સ્થાનિક માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે પંજાબ બાજુથી આવતા બટાકાની આવક ઘટી ગઈ છે. એટલું જ નહીં ચાલુ સિઝનમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બટાકાનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

સ્થાનિક માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડીસા બાજુથી આવતા બટાકાના માલમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે.  આ બટાકામાં લાંબા સમય સુધી બગાડ ઓછો થાય છે. ડીસા બાજુથી આવતા માલમાં છેલ્લા બે મહિનામાં માગ રૂ.૨૦થી ૩૦નો વધારો જોવાઈ ચૂક્યો છે.

એ જ પ્રમાણે પંજાબ બાજુથી આવતા માલના ભાવમાં પણ વધારો થયો છે અને તેને કારણે છેલ્લા બે મહિનામાં બટાકાના ભાવ ૩૦ ટકા વધી ચૂક્યા છે. એ જ પ્રમાણે ડીઝલના ભાવમાં પણ વધારો થવાના કારણે માલ-ભાડામાં વધારો થવાની અસરે સ્થાનિક માર્કેટયાર્ડમાં ભાવ વધી રહ્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી બેથી ત્રણ મહિનામાં સુધારા તરફી ચાલ અટકે તેવી કોઈ અસર નથી ત્યારે જૂન-જુલાઈમાં બટાટાના ભાવ ૨૩થી ૨૫ની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે.

You might also like