સરકારે બટાકાના વધતા ભાવને અંકુશમાં મૂકવા નિકાસ ડ્યૂટી લાદી

અમદાવાદ: બટાકાના ભાવમાં ધીમો સુધારો નોંધાઇ રહ્યો છે. શ્રાવણ મહિનાના તહેવારો નજીક આવી રહ્યા છે તે પૂર્વે બટાકાની માગ વધી રહી છે. વધતી જતી બટાકાની માગના પગલે ભાવમાં પણ ધીમો સુધારો નોંધાઇ રહ્યો છે. સરકારે વધતા ભાવને અંકુશમાં લેવા તથા વધતી નિકાસ અટકાવવા નિકાસ ડ્યૂટી લાદી છે. સરકારે બટાકાની નિકાસ પર ૩૬૦ ડોલર પ્રતિટન એટલે કે ૨૪,૨૪૨ રૂપિયા નિકાસ ડ્યૂટી લાદી દીધી છે. આ અંગે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા વર્ષની સરખામણીએ આ વખતે બટાકાના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં બટાકાના ભાવ સ્થાનિક બજારમાં બેથી ચાર રૂપિયા વધી ગયા છે એટલું જ નહીં મધ્યપ્રદેશ તથા ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યમાં આવેલા ભારે વરસાદના કારણે બટાકાના પાકને ભારે નુકસાન પહોંચવાની આશંકા સેવાઇ રહી છે.

આગામી દિવસોમાં શ્રાવણ મહિનાના તહેવારો નજીક આવી રહ્યા છે. બટાકાની માગમાં ઉછાળો જોવાઇ શકે છે ત્યારે વધતી જતી નિકાસ ઉપર અંકુશ મૂકવા માટે સરકારે નિકાસ ડ્યૂટી લાદી છે.

ડીસાના બટાકાની ઊંચી માગ
ડીસાની આજુબાજુના પ્રદેશમાં બટાકા મોટા પ્રમાણમાં થાય છે તથા ડીસાના બટાકામાં પાણીનો ભાગ ઓછો હોવાના કારણે લાંબો સમય સુધી સારા રહે છે. ક્વોલિટીની દૃષ્ટિએ આ બટાકા સારા હોવાના કારણે પંજાબના બટાકા કરતાં ઊંચા ભાવ મળે છે. છેલ્લા બે મહિનામાં ડીસાના બટાકાના ભાવમાં ૧૦૦ કિલોએ ૫૦થી ૭૦ રૂપિયાનો વધારો જોવાઈ ચૂક્યો છે.

You might also like