બટાકાનો ભરાવોઃ ભાવ ગગડી રૂ. ૧૦ની નીચે જવાની શક્યતા

અમદાવાદ: ચાલુ વર્ષે બટાકા ગૃહિણીઓને રાહત અાપશે. પરંતુ ખેડૂતો અને વેપારીઓને રડાવી રહ્યા છે. સિઝનમાં બટાકાના ઊંચા ભાવ રાખીને સટ્ટાખોરી કરીને કમાવાના આશય સાથે કોલ્ડ સ્ટોરેજમાં ભરેલા બટાકા હવે ખેડૂતો અને વેપારીઓને પાણીના ભાવે કાઢવાનો વારો આવ્યો છે. હાલમાં બજારમાં રૂ.ર૦ કિલોના ભાવે વેચાતા બટાકા વેપારીઓની સંગ્રહખોરીના કારણે હવે આગામી બે સપ્તાહમાં રૂ.૧૦ના ભાવે મળતા થઇ જશે.

બટાકાના ભાવમાં રોજેરોજ ગાબડાં પડી રહ્યાં છે. કોલ્ડ સ્ટોરેજમાં હાઉસફુલનાં પાટિયાં લાગ્યાં છે. ૬ર લાખ બોરી સિઝન દરમ્યાન સંગ્રહ થઇ શકે છે. માટે વેપારીઓ રૂ.૪૦ થી રર૦ના ભાવે બટાકા ખરીદીને કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા હતા અને ભાવ વધારે મળશે તેવી આશાએ સંગ્રહખોરી કરી હતી.

હવે પરિસ્થિતિ એવી છે કે આગામી દોઢથી બે માસમાં નવા બટાકાની આવક શરૂ થશે એટલે હવે કોલ્ડ સ્ટોરેજના બટાકા બહાર નીકળવાના શરૂ થયા છે. બે માસમાં સ્ટોક કરેલા બટાકા બહાર નીકળે તો પણ માત્ર ૧ર લાખ કટ્ટાનો નિકાલ થાય. બિયારણના બટાકાના કટ્ટા પણ ગણતરીમાં લેવાય તો ૧૦ લાખ કટ્ટા ફેંકી દેવા પડે તેવી સ્થિતિ હવે સર્જાઇ છે.

શ્રાવણ માસ અને ધાર્મિક તહેવારો પૂરા થતાં બટાકાની માગ ઘટી છે એટલે બટાકાના ભાવમાં સીધું ૮૦ થી ૧૦૦ રૂ.નું ગાબડું ર૦ કિલોએ પડ્યું છે. ર૦૦ થી ર૭૦ કે ૩૦૦ સુધી મણના બટાકાના ભાવ બોલાતા હતા. આજે માત્ર ૧ર૦ થી ૧૯૦ બોલાઇ રહ્યા છે.

અમદાવાદ અને સુરત સુધી બટાકા વેચાય તોય ર૦ હજાર કટ્ટા રોજની ખપત થાય એટલે ર મહિનામાં ૧ર લાખથી ૧૪ લાખ કટ્ટાનો નિકાલ થાય. છેલ્લે ૧૦ લાખ જેટલા કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા બટાકા બજારમાં પાણીના મૂલે વેચાશે અથવા ખેડૂતો કે વેપારીઓએ તેને ફેંકવાનો વારો આવશે. આ અંગે એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે જો આ જ પરિસ્થિતિ રહેશે અને નવા માલના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજના બટાકાનો સંગ્રહ બહાર આવશે તો ભાવ હજુ વધુ ગગડી જશે, જોકે હાલમાં પણ બટાકાના ભાવ ઓછા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

You might also like